પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક ફરજિયાત કે મરજિયાત?

Wednesday 21st July 2021 05:10 EDT
 
 

લંડનઃ ઈંગ્લેન્ડમાં કોરોના નિયંત્રણો ૧૯ જુલાઈ સોમવારથી હટી ગયાં છે ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરવા વિશેની અવઢવ યથાવત રહી છે. સરકારે માસ્ક પહેરવાને અંગત જવાબદારી બનાવી છે ત્યારે લંડનના મેયર સાદિક ખાને રાજધાનીના જાહેર પરિવહનમાં તેમજ ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામે મેટ્રોલિન્ક ટ્રામ સર્વિસમાં માસ્ક પહેરવાનું ફરજિયાત ગણાવ્યું છે. ઈંગ્લેન્ડના ઘણા મેયરોએ લોકોને ચહેરા પર માસ્ક પહેરવાનો અનુરોધ કર્યો છે.

બોરિસ જ્હોન્સન સરકારે સોમવારથી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરવાની કાનૂની જરુરિયાતને પડતી મૂકી તેને અંગત જવાબદારી બનાવી છે ત્યારે ઈંગ્લેન્ડમાં બસીસ, ટ્રામ્સ અને ટ્રેઈન્સમાં માસ્ક પહેરવાના અલગ અલગ નિયમોનું પાલન કરવાનું થશે. ઈંગ્લેન્ડના વિવિધ મેયરોએ કહ્યું છે કે કાનૂની જરુરિયાત નહિ રાખવાથી બસીસ અને ટ્રેઈન્સમાં મુસાફરી કરતા અક્ષમ- અસલામત લોકોની મુશ્કેલી વધી જશે. આવા લોકોએ માસ્ક પહેરવો જરુરી હોવાનું પણ તેમણે કહ્યું હતું.

લંડનના મેયર સાદિક ખાને ટ્રાન્સપોર્ટ ફોર લંડનની પોઝિશન સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે રાજધાનીના ટ્યૂબ, બસ, ટ્રામ, DLR, ઓવરગ્રાઉન્ડ અને અંડરગ્રાઉન્ડ TfL રેઈલ સહિત પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરવો ફરજિયાત રહેશે. અપવાદ સિવાય ટેક્સીઓ અને ખાનગી ભાડાંના વાહનોમાં પણ ડ્રાઈવર્સ અને પેસેન્જર્સ માટે ફેસ માસ્ક ફરજિયાત રહેશે. બીજી તરફ, ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામે મેટ્રોલિન્ક ટ્રામ બસ સ્ટેશનો અને ઈન્ટચેઈન્જ વખતે ચહેરાના આવરણને ફરજિયાત બનાવ્યું છે પરંતુ, વેસ્ટ મિડલેન્ટ્સના ટોરી મેયર એન્ડી સ્ટ્રીટ તેમજ લિવરપૂલ સિટી રીજિયન, નોર્થ ઓફ ટાયને, વેસ્ટ ઓફ ઈંગ્લેન્ડ અને શેફિલ્ડ સિટી રીજિયનના લેબર મેયર્સે બસીસ અથવા ટ્રેઈન્સમાં માસ્ક ફરજિયાત રાખવાની તેમની પાસે સત્તા નહિ હોવાનો બળાપો કાઢ્યો છે. તેમણે સરકારને તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત રહેવા દેવાનો અનુરોધ કર્યો છે.

ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે સ્પષ્ટ કર્યું હતું કે સરકારે કાનૂની જોગવાઈ દૂર કરી હોવાં છતાં, કેટલીક ટ્રેઈન, બસ અને રેલ કંપનીઓ તેમની સેવા બાબતે માસ્ક ફરજિયાત પહેરવાનો આગ્રહ રાખી શકે છે. એરલાઈન્સે તો માસ્ક પહેરવાનું યથાવત રહેશે તેવી જાહેરાત કરી જ દીધી છે.

સ્કોટલેન્ડમાં ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને ૧૯ જુલાઈ પછી શોપ્સ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ તેમજ પબ્સ અને બારમાં ઊભાં હો ત્યારે હજુ થોડા સમય સુધી ફેસ માસ્ક ફરજિયાત રહેશે તેમ સ્પષ્ટ કરી દીધું છે. વેલ્સ સરકારે પબ્લિક ટ્રાન્સપોર્ટ, હેલ્થ અને સોશિયલ કેર સેટિંગ્સમાં ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત રાખ્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter