પીટરબરો હિન્દુ મંદિર દ્વારા અપાયેલા કાનૂની પડકારની વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં અદાલતો એક જ પક્ષને સાંભળીને વચગાળાની રાહત આપવામાં સાવધાની વર્તતી હોય છે. પરંતુ જસ્ટિસ ફોર્ડહામે તારણ આપ્યું હતું કે, જાહેર ન કરાયેલ અથવા તો બદલી ન શકાય તેવી કાર્યવાહીથી કાનૂની પડકાર નબળો પડવાના જોખમમાં તાત્કાલિક રાહત વ્યાજબી છે. મનાઇ હુકમને સ્થગનાદેશ ગણાવતા તેમણે જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ કેસ મજબૂત છે અને વિવાદની યોગ્ય રીતે તપાસ ન થાય ત્યાં સુધી પ્રોપર્ટીને સુરક્ષિત રાખવા સંતુલન હોવું જરૂરી છે. આદેશનો કોઇપણ ભંગ અદાલતી તિરસ્કાર ગણી શકાશે.
પીટરબરોના હિન્દુ સમુદાય માટે ઇંટો અને માટી કરતાં પણ ઘણું બધુ દાવ પર લાગેલું છે અને કોર્ટે મનાઇ હુકમ જારી કર્યો તેના બે અઠવાડિયા પહેલાં મંદિરના સભ્યોને આ પ્રોપર્ટીની ખરીદીની બીજી નિવિદા પણ નિષ્ફળ ગઇ ત્યારે વેદના પ્રગટ કરતાં તેની જાણ થઇ હતી. કાઉન્સિલની કેબિનેટે સમુદાયે વર્ષોથી ભંડોળ એકઠું કરીને 1.3 મિલિયન પાઉન્ડની ઓફર આપી હોવા છતાં તેની બજેટ ખાધને પૂરવાના પ્રયાસોના ભાગરૂપે એક અજાણ્યા નિવિદાકારને વેચવાનો નિર્ણય લઇ લીધો હતો.
કોમ્પ્લેક્સનું વેચાણ કરવાનો કાઉન્સિલનો નિર્ણય 10મી ફેબ્રુઆરીના રોજ મંજૂર કરાયેલ વિગતવાર કેબિનેટ રિપોર્ટમાં છે. આ રિપોર્ટમાં પ્રોપર્ટીની કાઉન્સિલની માલિકી વેચી દેવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉની ચર્ચાઓમાં પુરતી માહિતી અપાઇ નથી તેવા અન્ય કાઉન્સિલરોના વાંધા બાદ રિપોર્ટ તૈયાર કરાયો હતો.
તેના જવાબમાં કેબિનેટના સભ્યોને એક્સ્ટ્રા દસ્તાવેજો અપાયા હતા. તેમાં કેવી રીતે નિવિદાઓ રજૂ કરવામાં આવી, વિવિધ પરિબળોને કેટલું મહત્વ અપાયું અને હાલના ભાડૂઆતોનું શું થશે તે અંગેની માહિતી સામેલ હતી. જોકે રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, નિવિદા પ્રક્રિયા ફરીવાર શરૂ કરાશે નહીં અને અંતિમ નિર્ણય પણ બદલાશે નહીં.
કાઉન્સિલે નિવિદાઓ પર નિર્ણય લેવા માટે સ્કોરિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. જેમાં 70 ટકા સ્કોર નિવિદામાં ઓફર કરાયેલા નાણા પર અને ખરીદદાર સફળતાપુર્વક સોદો કરી શકશે કે કેમ તેના પર આધારિત હતો. 30 ટકા સ્કોર સામાજિક મૂલ્ય અને સામુદાયિક લાભ પર આધારિત હતો. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, નાણાકીય જોખમોના કારણે સૌથી વધુ ધ્યાન નાણા પર કેન્દ્રિત કરાયું હતું. જેમાં ફંડ સુરક્ષિત કરવું, વિલંબ ન થાય તે જોવું, સોદો નિષ્ફળ ન જાય તેની સંભાવનાઓ ઘટાડવી જેવી બાબતોનો સમાવેશ થતો હતો.
આમ છતાં નિર્ણય અંગેની મોટાભાગની ચર્ચાઓમાં સમાનતા અંગે ચિંતાઓ વ્યક્ત કરાઇ હતી. ઇક્વાલિટી ઇમ્પેક્ટ એસેસમેન્ટમાં સ્વીકાર કરાયો હતો કે એક ભાડૂઆત ધર્મ આધારિત ઉપયોગ કરે છે અને તેની પાસે નજીકમાં બહુ ઓછા સમાન વિકલ્પ છે. તેનો અર્થ એ થયો કે ધાર્મિક સ્થળનું સ્થળાંતર અન્યો કરતાં હિન્દુ શ્રદ્ધાળુઓને વધુ અસર કરશે. જોકે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ઇક્વાલિટી ફેક્ટર્સ સ્કોરિંગ પ્રોસેસનો હિસ્સો નહોતા. તેના બદલે પ્રોપર્ટીના વેચાણ બાદ ભાડૂઆતોને સંરક્ષણ અને વ્યવસ્થા આપીને જોખમોનો નિકાલ કરાશે. કેબિનેટે ઇક્વાલિટી અને કોમ્યુનિટી રિલેશન્સ પરના જોખમોને લઘુથી મધ્યમ ગણાવ્યા હતા.
મંદિરના સમર્થકો આ મંતવ્ય સાથે જરાપણ સહમત નથી અને હવે આ મુદ્દો જ કાનૂનૂ પડકારનો મહત્વનો હિસ્સો બની રહ્યો છે. હાઇકોર્ટે ખુબ જ ટૂંકી સમયમર્યાદા આપી છે, કાઉન્સિલે 3 માર્ચ સુધી પુરાવા આપવાના છે અને મંદિરે 4 માર્ચ સુધીમાં જવાબ રજૂ કરવાનો છે. પાંચ માર્ચ બાદ જજ નક્કી કરશે કે વેચાણ અટકાવતો વચગાળાનો આદેશ જારી રાખવો કે કેમ. કોર્ટ એ પણ નિર્ણય લેશે કે કાઉન્સિલે કાયદા મુજબ ન્યાયી પ્રક્રિયા અપનાવી છે કે કેમ.
હાલ પુરતું તો કેસ પર વિચારણા ચાલશે ત્યાં સુધી ઇમારત મંદિરના ઉપયોગ માટે ખુલ્લી છે. દરમિયાન સાંસદો, લોર્ડ્સ, સમાજના આગેવાનો અને સમગ્ર યુકેના હિન્દુ મંદિરો ભારત હિન્દુ સમાજના મંદિરને બચાવવાના અભિયાનને સમર્થન આપવા આગળ આવ્યા છે. સાંસદ બોબ બ્લેકમેને ચિંતા વ્યક્ત કરી જવાબો માગતો પત્ર પીટરબરો કાઉન્સિલના લીડરને લખ્યો છે. પરંતુ કાઉન્સિલર શબિના કય્યુમે બોબ બ્લેકમેનને કોઇપણ સ્પષ્ટતા આપવાનો ઇનકાર કરી દીધો છે.


