પીટરબરો મંદિર વિવાદઃ સમાજ અને અગ્રણીઓના મંતવ્યો અને અપીલ

Tuesday 03rd March 2026 12:10 EST
 
 

પીટરબરો હિન્દુ સમાજની સંવેદનાઓને માન આપેઃ લોર્ડ રેમી રેન્જર

લોર્ડ રેમી રેન્જરે જણાવ્યું હતું કે, પીટરબરો કાઉન્સિલ અને કાઉન્સિલર શબિના કય્યુમના નેતૃત્વમાં છેલ્લા 40 વર્ષથી હિન્દુઓની આસ્થાના એકમાત્ર કેન્દ્રનું વેચાણ દુર્ભાગ્યની વાત છે. જો આપણે સાચે જ એમ માનીએ છીએ કે ઇશ્વર એક છે તો આપણે એ પણ સ્વીકારવું રહ્યું કે અન્ય ધર્મના સમુદાયની લાગણીઓ દુભાવવાથી પરમેશ્વરને ખુશ  કરી શકીશું નહીં.

મેં વારંવાર કાઉન્સિલની નેતાગીરીને વેચાણની પદ્ધતિ મુદ્દે વિવાદથી દૂર રહેવા અપીલ કરી હતી. દુર્ભાગ્યે તેમણે રજૂઆતો ધ્યાનમાં લીધા વિના હિન્દુ સમુદાયની ગાઢ લાગણીઓની અવગણના કરી છે. આપણે સહમત થઇશું કે આપણને તર્ક અને વિચારશક્તિનો આશીર્વાદ મળ્યો છે પરંતુ બહુ ઓછા લોકો દૂરંદેશી ધરાવતા હોય છે. કાનૂની વિજય હાંસલ થયો હોય ત્યારે નૈતિક સવાલ હજુ વણઉકલ્યો છે. લઘુમતી સમુદાય પ્રત્યેનો અસંવેદનશીલ નિર્ણય કોર્ટના ચુકાદા કરતાં પણ લાંબાગાળાના પરિણામ લાવી શકે છે. આ મંદિર પીટરબરોના હિન્દુ સમાજની લાગણીઓમાં છેલ્લા 40 વર્ષથી વણાયેલું છે. આ વિસ્તારમાં મુસ્લિમ સમાજ પાસે આસ્થાના ઘણા કેન્દ્રો છે ત્યારે એકમાત્ર હિન્દુ મંદિરને સંપાદિત કરવું નૈતિક રીતે વિચલિત કરનારું અને બિનજરૂરી વિભાજનવાદી છે. એક સમાજ માટે તે આકર્ષક ખરીદી હોઇ શકે છે પરંતુ બીજા સમાજ માટે તે વારસા, ઓળખ અને પોતીકાપણાનું નુકસાન છે.

હું તમને ઉદારતા દર્શાવીને આ વિવાદાસ્પદ મામલામાંથી ખસી જવાની અપીલ કરું છું. તેમ કરીને તમે ન કેવળ હિન્દુ સમાજનું સન્માન હાંસલ કરી શકશો પરંતુ કોમી ભાઇચારાને મૂલવતા લોકોમાં પણ માન પ્રાપ્ત કરી શક્શો. આ પ્રકારનું માન ખરીદી શકાતું નથી. કોર્ટે વચગાળાની રાહત આપી દીધી છે પરંતુ જો તમે સ્વૈચ્છિક રીતે ઓફર આપશો તો તે પરસ્પર સન્માનનો એક શક્તિશાળી સંદેશ બની રહેશે.

તેમણે જણાવ્યું હતું કે, હું એક હિન્દુ અને શીખ છું. અમારું શિક્ષણ કહે છે કે આપણે બધા એક દૈવી રચયિતાનું સર્જન અને બાળકો છીએ. અમારા ગ્રંથો ઇસ્લામ સહિતના તમામ ધર્મોના શિક્ષણને આદર આપે છે.

000000000000000000000000000000000000000000000000000000

કાઉન્સિલે સંકુચિત નાણાકીય માપદંડ આધારિત નિર્ણય લેવો જોઇએ નહીઃ પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્મા

પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્માએ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હાઉસિંગ સ્ટીવ રીડને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, હું પીટરબરો હિન્દુ મંદિરના મામલામાં તાત્કાલિક પગલાંની અપીલ કરું છું. કોર્ટ દ્વારા મંદિર આવેલું છે તે કોમ્પ્લેક્સના વેચાણ પર હંગામી રોક લગાવી દીધી છે. જે હિન્દુ સમાજ માટે પાવરફૂલ લાઇફલાઇન છે.

હું ઘણા વર્ષોથી રાજકીય અને નાગરિક જીવનમાં સક્રિય રીતે સંકળાયેલો છું, ન્યાય, સામાજિક એકતા અને સમુદાય સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે સતત કામ કરી રહ્યો છું. જાહેર સેવા અને સમુદાય હિમાયતમાં મારી પોતાની લાંબા સમયથી સક્રિયતા રહી છે જેમાં પૂજા સ્થાનોનું રક્ષણ કરવા, આંતર-ધાર્મિક સંવાદિતાને પ્રોત્સાહન આપવા અને લઘુમતી જૂથો માટે સમાનતા સુનિશ્ચિત કરવા માટેની પહેલનો સમાવેશ થાય છે – મારો વિશ્વાસ છે કે આપણા સમુદાયોના સાંસ્કૃતિક માળખાને અસર કરતા નિર્ણયો ફક્ત સંકુચિત નાણાકીય માપદંડો દ્વારા જ નહીં પરંતુ તેમના દ્વારા રજૂ કરાયેલા કાયમી સામાજિક મૂલ્ય દ્વારા લેવા જોઇએ.

પીટરબરોના હિન્દુ સમાજે આ પ્રોપર્ટીની ખરીદી માટે હાઇએસ્ટ ઓફર આપી છે જેથી કાઉન્સિલને કોઇ નુકસાન ન થાય. પરંતુ તેનો સ્વીકાર કરાયો નહોતો. કોર્ટના વચગાળાના આદેશથી અંતિમ નિર્ણય નક્કી થતો નથી. તેથી હું આપને તમારી સત્તામાં કાઉન્સિલના નિર્ણયની સમીક્ષા કરવા વિનંતી કરું છું. હાલમાં સરકારે વિવિધ સમુદાયો મધ્યે વિશ્વાસ સંપાદિત કરવા, પારદર્શિતા ઉપલબ્ધ કરાવવા અને સરકારની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરવા જેવા પગલાં લેવા જોઇએ.

000000000000000000000000000000000000000000000000000000

ભક્તિવેદાંતા મેનોર પીટરબરોના હિન્દુઓની પડખેઃ વિશાખા દાસી, મંદિર પ્રમુખ

ભક્તિવેદાંતાના પ્રમુખ વિશાખા દાસીએ જણાવ્યું હતું કે, હિન્દુ સમુદાય તેનું એકમાત્ર મંદિર ગુમાવી રહ્યો હોવાનું જાણીને ઘણું દુઃખ થયું છે. આ મુશ્કેલ સમયમાં ભક્તિવેદાંતા મેનોર પીટરબરો અને આસપાસના હજારો હિન્દુઓના સમર્થનમાં છે. અમે આશા રાખીએ છીએ કે કાઉન્સિલ સાથે મળીને હિન્દુ સમુદાય રચનાત્મક કામ કરી શકશે અને કાઉન્સિલ સકારાત્મક ઉકેલ લાવી શકશે.

000000000000000000000000000000000000000000000000000000

યુકેની સરકારને હિન્દુઓની પરવા નથીઃ કે વી પટેલ

કે વી પટેલે જણાવ્યું છે કે લાંબી લડત બાદ પણ કાઉન્સિલનો નિર્ણય હિન્દુઓ માટે ભયભીત કરનારો છે. યુકેની સરકારને હિન્દુઓની પરવા નથી કે તેમનું સાંભળતી નથી. અમે તમામ હિન્દુ સંગઠનો, બિઝનેસ અને અન્ય સમુદાયોને આ મામલામાં સપોર્ટ કરવા અપીલ કરીએ છીએ. આપણે આ મામલામાં એકજૂથ થવું જોઇએ. દરેક હિન્દુ સંગઠન કાઉન્સિલ અને સાંસદને પત્રો લખે.

000000000000000000000000000000000000000000000000000000

(ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના પ્રકાશક-તંત્રી સી બી પટેલને લખાયેલો પત્ર)

ફરી એકવાર સનાતન ધર્મ અને સંસ્કૃતિની જાળવણી અને તમારા માર્ગદર્શન હેઠળ મંદિરને બચાવવા લડત આપવાનો સમય આવી ગયો છે. આ મામલામાં પણ આપણે હરે ક્રિશ્ના મંદિર- ભક્તિવેદાંતા મેનોરને બચાવવા આપેલી લડત જેવી જ લડત આપવી પડશે પરંતુ સવાલ ફક્ત આપણી વયમર્યાદાનો છે. હિન્દુ સમાજની મદદ અને તમારા માર્ગદર્શનમાં આપણે પીટરબરોના મંદિરને બચાવવા લડીશું. ભગવાનના આશીર્વાદથી આપણે તમામ અવરોધો પાર કરી શકીશું. અમે તમારી લડતને સંપુર્ણ સમર્થન આપીએ છીએ.

-          બાબુ ગોવિંદ ગરાલા એમબીઇ

-------------------------

બાબુ ગરાલાને સી બી પટેલનો જવાબ

બાબુલાલ ગરાલા વ્યાવસાયિક અને કોવેન્ટ્રી તથા મિડલેન્ડ્સના આપણા સમાજના જાણીતા અગ્રણી છે. છેલ્લા 4 દિવસમાં મને યુકેના વિવિધ વિસ્તારોમાંથી 30 કરતાં વધુ સંદેશા પ્રાપ્ત થયાં છે. કોઇ વ્યક્તિ વૃદ્ધ હોઇ શકે છે પરંતુ તે આપણી ક્ષમતા અને જવાબદારીનો અંત નથી. આપણે બધા સેવા કરવા માટે જ જન્મ લીધો છે. સારા વિચાર પ્રદાન કરવા, પ્રોત્સાહનજનક અને પ્રેરણાદાયી સમર્થન આપણો જુસ્સો અને તક છે. તમારા સપોર્ટ માટે આભાર.

-          સી બી પટેલ, પ્રકાશક અને તંત્રી, ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ

000000000000000000000000000000000000000000000000000000

અમારી પીટિશનમાં જોડાવા આહવાન

ભારત હિન્દુ સમાજ મંદિર/પીટરબરો મંદિરને બચાવવા માટેની ઝુંબેશ હિન્દુ સમુદાય દ્વારા જ ચલાવવામાં આવી રહી છે. જો તમે મંદિરને બંધ થતું બચાવવાના પ્રયાસને સમર્થન આપો છો અને તેને બચાવવા માટે લડી રહેલા લોકો સાથે ઊભા રહેવા તૈયાર છો, તો કૃપા કરીને કાઉન્સિલને અમારી અરજીના ભાગ રૂપે તમારો સંદેશ, સંપૂર્ણ નામ, ફોન નંબર અને ઇમેઇલઃ [email protected] પર શેયર કરો.

અંતિમ તારીખ 9 માર્ચ 2026.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter