લંડનઃ મધ્ય લંડનમાં સપ્તાહાંતમાં પેલેસ્ટાઇન સમર્થકો દ્વારા આયોજિત રેલીમાં દેખાવકારો દ્વારા પોલીસ પર ફટાકડા ફેંકાતા ચાર પોલીસ અધિકારીને ઇજા થઇ હતી. પોલીસે વંશીય ઇરાદાથી કરાયેલા અપરાધોની શંકાના આધારે 29 લોકોની ધરપકડ કરી હતી. મેટ પોલીસે જણાવ્યું હતું કે, શનિવારે ફરી એકવાર હજારો લોકો ઇઝરાયેલ-ગાઝા યુદ્ધના વિરોધમાં સડકો પર ઉતરી આવતાં 1300 કરતાં વધુ પોલીસ અધિકારી તહેનાત કરાયાં હતાં. પોલીસે આ પ્રકારના દેખાવોમાં થતા કાયદાના ઉલ્લંઘન સામે વધુ આકરું વલણ અપનાવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાના ઉલ્લંઘન માટે 6 વ્યક્તિ સામે આરોપ ઘડાયાં છે.
બીજીતરફ વડાપ્રધાન રિશી સુનાક અને હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને કોઇપણ પ્રકારના કટ્ટરવાદી કૃત્ય સામે કડક હાથે કામ લેવા પોલીસને આદેશ આપ્યા છે. આગામી સપ્તાહાંતમાં આર્મિટાઇસ ડે નિમિત્તે કરાયેલા દેખાવોના આયોજન સામે બંને નેતાએ ઉગ્ર નારાજગી પણ વ્યક્ત કરી હતી.