લંડનઃ એક નવા સરવે પ્રમાણે પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટન બ્રિટિશ રાજવી પરિવારની સૌથી લોકપ્રિય સભ્ય છે. 18થી 75 વર્ષની વયજૂથમાં કરાયેલા આ સરવે પ્રમાણે 66 ટકા લોકોએ પ્રિન્સેસ કેટને સૌથી વધુ પસંદ કર્યાં હતાં. 42 વર્ષીય પ્રિન્સેસ કેટે તાજેતરમાં જ કેન્સરની સારવાર પૂરી કરી છે અને તેઓ પહેલીવાર પ્રિન્સ વિલિયમ, કિંગ ચાર્લ્સ, ક્વીન કેમિલા સાથે ચર્ચ સર્વિસમાં સામેલ થયાં હતાં.
રાજવી પરિવારના બીજા ક્રમના લોકપ્રિય સભ્ય પ્રિન્સ વિલિયમને 65 ટકા લોકોએ પસંદ કર્યાં હતાં. તેઓ જનહૃદયમાં મજબૂત સ્થાન ધરાવતા રાજવી તરીકે ઉભરી રહ્યાં છે. ત્રીજા સ્થાને 62 ટકાની પસંદગી પ્રિન્સેસ એન રહ્યાં છે. આ યાદીમાં કિંગ ચાર્લ્સને ટોચનું સ્થાન પ્રાપ્ત થયું નથી. 56 ટકા લોકો કિંગ ચાર્લ્સને પસંદ કરી રહ્યાં છે.
બીજીતરફ પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલની તરફેણમાં ફક્ત 28 ટકા લોકો સામે આવ્યાં હતાં જ્યારે 46 ટકા લોકો આ દંપતીને પસંદ કરતાં નથી. પ્રિન્સ એન્ડ્રુ પણ 10 ટકા સાથે જનતામાં અસ્વીકાર્ય બની રહ્યાં છે.
રાજવીઓની લોકપ્રિયતા
પ્રિન્સેસ કેટ – 66 ટકા
પ્રિન્સ વિલિયમ – 65 ટકા
પ્રિન્સેસ એન – 62 ટકા
કિંગ ચાર્લ્સ – 56 ટકા
પ્રિન્સ હેરી દંપતી – 28 ટકા
પ્રિન્સ એન્ડ્રુ – 10 ટકા
પ્રિન્સેસ કેટ મિડલટને રાજવી ફરજોનો પ્રારંભ કર્યો
પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટન કેન્સરની સારવાર પૂરી કરી રાજવી ફરજોમાં જોડાઇ ગયાં છે. ગયા મંગળવારે તેમણે રોયલ ફાઉન્ડેશન સેન્ટર ફોર અર્લી ચાઇલ્ડહૂડના સભ્યો સાથે વિન્ડસર કેસલમાં મુલાકાત કરી હતી. આ બેઠકમાં પ્રિન્સ વિલિયમ હાજર રહ્યા નહોતા કારણ કે તેઓ સ્પેશિયલ ફોર્સિસ સાથે મુલાકાત કરી રહ્યા હતા. સપ્ટેમ્બરના પ્રારંભમાં પ્રિન્સેસ કેટે જણાવ્યું હતું કે, મારી કિમોથેરાપીની સારવાર પૂરી થઇ છે. આગામી મહિનાઓમાં હું કામ પર પરત ફરવા અને વધુ જાહેર કાર્યો સાથે સંકળાવા ઇચ્છું છું.