ફ્લેટમાંથી £૫.૪ મિલિયન રોકડની જપ્તીના કેસમાં ત્રણને સજા જાહેર

Wednesday 09th June 2021 07:35 EDT
 
 

લંડનઃ મેટ્રોપોલીટન પોલીસને સૌથી મોટી રોકડ જપ્તીમાં ફૂલહામસ્થિત એક ફ્લેટમાંથી ૫.૪ મિલિયન પાઉન્ડની જંગી રકમ મળી આવી હતી. નવાઈની વાત એ છે કે ધરપકડ અને સજા કરાયેલા ત્રણ અપરાધીઓને આ રોકડ રકમનું શું કરવું તેની ખબર પડતી ન હતી. હેરો ક્રાઉન કોર્ટે ૨૮ મે શુક્રવારે મની લોન્ડરર સર્જેસ ઓઝિન્સને ૩ વર્ષ ૪ મહિના, રુસ્લાન શમ્સુત્દિનોવને ૩ વર્ષ ૯ મહિના અને સેરવાન અહમદીને એક વર્ષ અને ૮ મહિનાની સસ્પેન્ડ જેલ તેમજ ૧૫૦ કલાકના અવેતન કામની સજા ફરમાવી હતી.

પોલીસ લંડનમાં ગન ક્રાઈમ અને ડ્રગ્સ સપ્લાયની તપાસ કરી રહી હતી ત્યારે ૪૬ વર્ષના મની લોન્ડરર સર્જેસ ઓઝિન્સની ભાળ મળવા સાથે મની લોન્ડરિંગનું  કૌભાંડ ઝડપાયું હતું. ગત વર્ષના જૂન મહિનામાં ૩૬ વર્ષીય રુસ્લાન શમ્સુત્દિનોવ ફૂલહામસ્થિત પોર્ટસ એપાર્ટમેન્ટમાંથી ભારે બેગ લઈ જવાની મહેનત કરી પાર્ક્ડ કારમાં ગોઠવી રહ્યો હતો ત્યારે  પોલીસે તેને અટકાવી તપાસ કરી હતી. બેગમાં મોટા પાયે રોકડ મળી આવતા તેના ફ્લેટની તપાસ કરાઈ હતી અને પોલીસને પાંચ મિલિયન પાઉન્ડથી વધુ રકમ હાથ લાગી હતી. આ નાણાના બંડલ્સ પ્લાસ્ટિકની શોપિંગ બેગ્સમાં ભરી બેડ નીચે અને ફ્લોર નીચે ઢાંકીને છુપાવાયા હતા. આ ઉપરાંત, રુસ્લાનના ઘેરથી ૩૯,૦૦૦ યુરો અને ૮,૦૦૦ પાઉન્ડ હાથ લાગ્યા હતા.

આ પછીના મહિને પોલીસે બેગમાં આશરે ૬૦,૦૦૦ પાઉન્ડની રોકડ સાથે ત્રીજા અપરાધી ૩૫ વર્ષીય સેરવાન અહમદીની ધરપકડ કરી હતી. તેના ઘરમાંથી વધુ ૧૪,૦૦૦ પાઉન્ડ મળ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ નાણા ફ્લેટમાં રખાયા હતા કારણકે તેનો નિકાલ કેવી રીતે કરવો તેની ગુનેગારોને ખબર પડતી ન હતી અને કોવિડ મહામારીએ આટલી વિશાળ માત્રામાં નિકાલની મુશ્કેલીમાં વધારો કર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter