બર્મિંગહામ એરડિંગ્ટન પેટાચૂંટણીમાં લેબર પાર્ટીના પૌલેટ હેમિલ્ટન વિજયી

Wednesday 09th March 2022 04:10 EST
 
 

લંડનઃ લેબર પાર્ટીએ બર્મિંગહામ એરડિંગ્ટન સંસદીય બેઠક જાળવી રાખી છે. લેબર ઉમેદવાર પૌલેટ હેમિલ્ટન 3,266 મતની સરસાઈથી પેટાચૂંટણીમાં વિજયી બન્યાં છે. છેક 2010થી આ બેઠક પર ચૂંટાતા લેબર સાંસદ જેક ડ્રોમીનું જાન્યુઆરીમાં અવસાન થવાથી આ પેટાચૂંટણી યોજાઈ હતી.

લેબર ઉમેદવાર પૌલેટ હેમિલ્ટન આ શહેરના સર્વપ્રથમ અશ્વેત સાંસદ બન્યાં છે. તેમણે 9,413 મત મેળવ્યાં હતાં જ્યારે નજીકના કન્ઝર્વેટિવ પ્રતિસ્પર્ધી રોબર્ટ એલ્ડન 6,147 મત મેળવી શક્યા હતા. સિટી કાઉન્સિલમાં ટોરી ગ્રૂપના નેતા એલ્ડન ગત 4 જનરલ ઈલેક્શનથી આ બેઠક પર લડી રહ્યા છે પરંતુ, સફળતા મળી નથી. બર્મિંગહામ સિટીમાં 35 વર્ષથી રહેતાં 59 વર્ષીય પૂર્વ નર્સ પૌલેટ હેમિલ્ટન લેબર પાર્ટીના અંકુશ હેઠળની બર્મિંગહામ કાઉન્સિલમાં હેલ્થ અને સોશિયલ કેર માટેના કેબિનેટ મેમ્બર છે.

બર્મિંગહામ એરડિંગ્ટન સંસદીય બેઠક પર 2010થી ચૂંટાતા લેબર સાંસદ જેક ડ્રોમીનું જાન્યુઆરીમાં અચાનક અવસાન થવાથી આ પેટાચૂંટણી યોજાઈ હતી. આ બેઠક લેબર પાર્ટી જાળવી રાખશે તે નિશ્ચિત હતું કારણકે 1974માં બેઠકની રચના થયા પછી લેબર પાર્ટી જ જીતતી આવી છે. જોકે, કન્ઝર્વેટિવ પાર્ટીએ તેમનો મતહિસ્સો વધાર્યો હતો.

આ પેટાચૂંટણીમાં 27 ટકા જેટલું ઓછું મતદાન થયું હતું અને કુલ માત્ર 17,016 મત અપાયા હતા. જેક ડ્રોમીએ જ 2019ની ચૂંટણીમાં આનાથી વધુ મત 17,720 મેળવ્યા હતા. લેબર પાર્ટીના પુરાણા ગઢ બર્મિંગહામ નોર્થફિલ્ડને હસ્તગત કરવા સાથે કન્ઝર્વેટિવ પાર્ટીનું જોર વધ્યું હતું ત્યારે પૂર્વ લેબર કેબિનેટ મિનિસ્ટર હેરિયેટ હરમાનના પતિ જેક ડ્રોમીએ 3,601 મતની સરસાઈ સાથે આ બેઠક પર વિજય મેળવ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter