બીબીસીની ડોક્યુમેન્ટરીમાં સંસ્થાનવાદી માનસિકતા સ્પષ્ટપણે જોઇ શકાય છે – ભારત

બીબીસીની નરેન્દ્ર મોદી પરની દસ્તાવેજી ફિલ્મ પ્રોપેગેન્ડા પીસ છે – ભારતનું વિદેશ મંત્રાલય, આ ફિલ્મ તૈયાર કરવા પાછળનો હેતૂ અને એજન્ડા શું છે. અમે તેને વધુ મહત્વ આપવા માગતા નથી – અરિંદમ બાગચી

Saturday 21st January 2023 05:44 EST
 

લંડન

બીબીસીની ભારતના વડાપ્રધાન નરેનદ્ર મોદી પરની દસ્તાવેજી ફિલ્મ પર સર્જાયેલા વિવાદનો જવાબ આપતાં ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ એક પ્રોપેગેન્ડા પીસ છે. બીબીસીની દસ્તાવેજી ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચારિત્ર્યહનનની ચર્ચા જગાવવા માટેનો હીન પ્રયાસ છે. બીબીસીની આ દસ્તાવેજી ફિલ્મમાં સંસ્થાનવાદી માનસિકતા સ્પષ્ટપણે જોઇ શકાય છે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ દસ્તાવેજી ફિલ્મના હેતૂ અને તેની પાછળ રહેલા એજન્ડા પર પણ આશ્ચર્ય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, નિખાલસતાથી કહું તો અમે આ પ્રકારના પ્રયાસોને વધુ ચર્ચાના ચગડોળે ચડાવવા માગતા નથી.

તેમણે જણાવ્યું હતું કે, મને સ્પષ્ટતા કરી લેવા દો કે અમે માનીએ છીએ કે આ પ્રોપેગેન્ડા ડોક્યુમેન્ટરી ફિલ્મ ચોક્કસ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચારિત્ર્યહનનનો હીન પ્રયાસ છે. તે પક્ષપાતથી ભરેલી, કોઇપણ પ્રકારના તર્ક વિનાની અને સંસ્થાનવાદી માનસિકતા ધરાવતી ફિલ્મ છે તે સ્પષ્ટ દેખાઇ આવે છે. આ ફિલ્મ ફક્ત વિવાદ ચગાવવાનો જ પ્રયાસ છે. અમને આશ્ચર્ય છે કે આ ફિલ્મ તૈયાર કરવા પાછળનો હેતૂ અને એજન્ડા શું છે. અમે તેને વધુ મહત્વ આપવા માગતા નથી.

બ્રિટનના પૂર્વ વિદેશમંત્રી જેક સ્ટ્રોની રમખાણો પરની ટિપ્પણી પરના સવાલના જવાબમાં બાગચીએ જણાવ્યું હતું કે, તેઓ બ્રિટિશ સરકારના કોઇ આંતરિક રિપોર્ટની વાત કરતા હોય તેમ લાગી રહ્યું છે. મારી પાસે એ રિપોર્ટ કેવી રીતે હોઇ શકે. આ 20 વર્ષ જૂનો રિપોર્ટ છે અને હું તેના પર અત્યારે કેવી રીતે ટિપ્પણી કરી શકું. ફક્ત જેક સ્ટ્રોના કહી દેવાથી તેને કાયદેસરતા પ્રાપ્ત થઇ જતી નથી.

બાગચીએ જણાવ્યું હતું કે, મેં ઇન્કવાયરી અને ઇન્વસ્ટિગેશન જેવા શબ્દો સાંભળ્યાં છે. તેથી જ અમે સંસ્થાનવાદી માનસિકતા જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. અમે શબ્દોનો બેફામ ઉપયોગ કરતા નથી. કેવી તપાસ.. તેઓ અહીં ફક્ત એક રાજદ્વારી તરીકે ફરજ બજાવતા હતા નહીં કે આ દેશ પર શાસન કરતાં હતાં. હું આ પ્રકારના ચરિત્ર ચિત્રણ સાથે સહમત થતો નથી. આ દસ્તાવેજી ફિલ્મને ભારતમાં દર્શાવવામાં પણ આવી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter