લંડન
લોર્ડ રામી રેન્જરે બીબીસીના વડાને પત્ર લખીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપો મૂકતી એકપક્ષીય દસ્તાવેજી ફિલ્મનો ઉગ્ર વિરોધ કર્યો છે. બ્રિટિશ સંસદના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય એવા લોર્ડ રામી રેન્જરે બીબીસી સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યો છે, ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર કામ ચાલી રહ્યું છે અને બ્રિટનના વડાપ્રધાનપદે ભારતીય મૂળના વડાપ્રધાન બિરાજમાન છે તેવા સમયે આ પ્રકારની દસ્તાવેજી ફિલ્મનું પ્રસારણ શંકાઓ ઉપજાવે છે.
દસ્તાવેજી ફિલ્મના બીજા ભાગને અટકાવી દેવાની માગ કરતાં લોર્ડ રેન્જરે બીબીસીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે બીજો ભાગ યુકેના ઘણા શહેરોમાં બ્રિટિશ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે પ્રવર્તતા તણાવને વધુ વકરાવશે. શું આ પ્રકારના બકવાસ માટે બીબીસીના પાકિસ્તાની મૂળના કર્મચારીઓ જવાબદાર છે?
લોર્ડ રેન્જરે જણાવ્યું છે કે આ દસ્તાવેજી ફિલ્મ ભારતના લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડાપ્રધાન, ન્યાયતંત્ર અને સંસદનું અપમાન છે. હું આ દસ્તાવેજી ફિલ્મથી ઘણો વિચલિત થયો છું. ફિલ્મના નિર્માતામાં વિઝન, સામાન્ય બુદ્ધિ અને જજમેન્ટનો અભાવ જણાય છે. હું વિશ્વમાં ગમે ત્યાં થતી હિંસા અને હત્યાને વખોડું છું. હું ભારતની રાજનીતિને યુકેમાં લાવીને ધાર્મિક ધિક્કાર ફેલાવવાના પ્રયાસોને પણ નકારું છું. બીબીસીની ફિલ્મે બ્રિટિશ હિન્દુ અને મુસ્લિમો વચ્ચેના જૂના ઘા ફરી તાજા કરી દીધાં છે. બીબીસીએ ભારતને અસહિષ્ણુ દેશ તરીકે ચિતરવાનો પ્રયાસ કર્યો છે. જો ભારતમાં આવી સ્થિતિ હોત તો આજે મુસ્લિમો ભારત છોડી ચૂક્યાં હોત. ભારતમાં પાકિસ્તાન કરતાં પણ વધુ મુસ્લિમો વસવાટ કરે છે.