બે વર્ષની મહેનત અને ૭૦,૦૦૦ દિવાસળીથી મેફ્લાવર શિપની પ્રતિકૃતિનું સર્જન

Saturday 29th February 2020 06:03 EST
 
 

લંડનઃ વિશ્વમાં ધૂની લોકોની સંખ્યા ઓછી નથી જેઓ કશું અદ્વિતીય સર્જન કરવા માગે છે અને પરિપૂર્ણ પણ કરે છે. સાઉધમ્પ્ટનના સ્વેથલિંગના ૬૧ વર્ષીય નિવાસી અને પૂર્વ નાવિક ડેવિડ રેનોલ્ડ્સે બે વર્ષમાં ૯૦૦ કલાકની મહેનત અને ૭૦,૦૦૦ દિવાસળીની મદદથી મેફ્લાવર શિપની ચાર ફૂટની ઊંચાઈ, પાંચ ફૂટ લંબાઈ અને ૧૬ પાઉન્ડ વજનની પ્રતિકૃતિ બનાવી છે, જેમાં નાનકડા લંગર અને રિગિંગ બ્લોક્સનો પણ સમાવેશ થાય છે. નોંધપાત્ર બાબત એ છે કે રેનોલ્ડ્સ વિવિધ વહાણોની ૪૦ પ્રતિકૃતિઓનો કાફલો ધરાવે છે

ઐતિહાસિક મેફ્લાવર શિપે ૪૦૦ વર્ષ અગાઉ છઠ્ઠી સપ્ટેમ્બર ૧૬૨૦માં પ્લીમથ બંદરેથી પિલગ્રીમ ફાધર્સ સાથે એટલાન્ટિક મહાસાગરમાં નોર્થ અમેરિકાની પોતાની પ્રથમ ખેપ લગાવી હતી અને બે મહિનાની સફર પછી વર્તમાન માસાચ્યુસેટ્સના તટે પહોંચ્યું હતું. આ શિપની પ્રતિકૃતિમાં રેનોલ્ડ્સે તેના નિશાનને કોતરવા ઉપરાંત, નાની લાઈફબોટ, હલેસાં અને બેઠકો પણ બનાવી છે. આ વહાણ બનાવવામાં તેમણે યાર્ન, PVA ગુંદર અને દોરીનો પણ ઉપયોગ કર્યો છે.

રેનોલ્ડ્સ મર્ચન્ટ નેવીમાં હતા ત્યારથી તેમણે દિવાસળીમાંથી વહાણો બનાવવાની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,‘ હું હવે નિવૃત્ત હોવાથી મેં મારા શોખને ફરી કામે લગાવવા નિર્ણય કર્યો હતો. હું તેને માત્ર શોખ તરીકે જ નિહાળું છું તેનાથી મને કશું કરતા રહેવાની પ્રેરણા મળે છે. મારી પત્ની જૂલી કહે છે કે આ શોખ ઓછામાં ઓછું મને શરાબના પીઠાંથી તો દૂર રાખે છે.’

મેફ્લાવર શિપની પ્રતિકૃતિ સાથે ૪૦ જેટલા વહાણોની પ્રતિકૃતિઓથી તેમના સાઉધમ્પ્ટન નિવાસનો એક રુમ ભરાયેલો છે. તેમણે દિવાસળીથી બનાવાયેલા વિશ્વના સૌથી મોટા મોડેલનો રેકોર્ડ બનાવતી ૨૧ ફૂટની નોર્થ સી ઓઈલ પ્લેટફોર્મ – બ્રેન્ટ બ્રેવો ઓઈલ રિગની પ્રતિકૃતિ પણ ૨૦૦૯માં બનાવેલી છે, જેના સર્જનમાં તેમને ૧૫ વર્ષ લાગ્યા હતા અને તેમાં ૧.૪ મિલિયન મેચસ્ટીકનો ઉપયોગ થયો છે. તેમણે પોતાના શોખમાં અત્યાર સુધી આશરે છ મિલિયન દિવાસળીનો ઉપયોગ કર્યો છે. તેમની ૧૫મી સદીના ટુડોર હાઉસ મ્યુઝિયમ સહિતની પ્રતિકૃતિઓનાં સંગ્રહનું પ્રદર્શન સાઉધમ્પ્ટન મ્યુઝિયમમાં પણ યોજાયેલું છે. તેમણે મૂળ ફોટોગ્રાફ્સ અને ઓઈલ પેઈન્ટિંગ્સ નિહાળી અત્યાર સુધીમાં કમનસીબ જહાજ ટાઈટનિક, નેલ્સનના મુખ્ય જહાજ HMS વિક્ટરી, દરિયાના પેટાળમાંથી કઢાયેલાં ટુડોર યુદ્ધજહાજ મેરી રોઝ તેમજ સમુદ્રી જહાજો ક્વીન મેરી અને QE2 સહિતના વહાણોની પ્રતિકૃતિઓ બનાવી છે. દરેક વહાણની પ્રતિકૃતિ પાછળ સરેરાશ આશરે ૪૦,૦૦૦ દિવાસળી વપરાય છે અને નવ મહિના જેટલો સમય લાગે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter