બ્રિટનમાં ઇશ્વરનું અસ્તિત્વ સ્વીકારતા લોકોની સંખ્યા ઘટીને 49 ટકા થઇ ગઇ

સ્વીડનમાં 27 ટકા, દક્ષિણ કોરિયામાં 16 ટકા, ચીનમાં 16 ટકા અને જાપાનમાં 16 ટકા લોકો જ પોતાને ધાર્મિક ગણાવે છે

Tuesday 23rd May 2023 16:12 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં નાસ્તિકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. 1981માં ઇશ્વરમાં માનતા લોકોની સંખ્યા 75 ટકા હતી જે 2022માં ઘટીને ફક્ત 49 ટકા રહી ગઇ છે. વૈશ્વિક દ્રષ્ટિએ જોઇએ તો ઇશ્વરમાં ન માનતા હોય તેવા લોકોમાં બ્રિટિશ જનતા પણ સામેલ થઇ ગઇ છે. કિંગ્સ કોલેજ લંડનના પોલિસી ઇન્સ્ટિટ્યુટ દ્વારા કરાયેલા એક નવા અભ્યાસ અનુસાર બ્રિટિશ યુવાઓમાં નાસ્તિકતા વ્યાપક બની રહી છે. જોકે શ્વેત યુવાઓ પરમેશ્વર અને સ્વર્ગની માન્યતાઓમાં વિશ્વાસ ધરાવત નથી પરંતુ મૃત્યુ પછીના જીવન  અને નર્કમાં માન્યતા ધરાવે છે. 1981માં 57 ટકા બ્રિટિશર પોતાને ધાર્મિક ગણાવતા હતા પરંતુ 2022માં આ સંખ્યા ઘટીને 32 ટકા પર આવી ગઇ હતી.

હવે બ્રિટન પણ એવા દેશોની યાદીમાં આવી ગયો છે જ્યાંના લોકો પોતાને ધાર્મિક ગણાવતા નથી. સ્વીડનમાં ફક્ત 27 ટકા, દક્ષિણ કોરિયામાં 16 ટકા, ચીનમાં 16 ટકા અને જાપાનમાં 16 ટકા લોકો જ પોતાને ધાર્મિક ગણાવે છે. અભ્યાસમાં સામેલ કરાયેલા 24 પૈકીના ફક્ત પાંચ દેશ જ એવા છે જ્યાંની જનતા યુકે કરતાં ઇશ્વરમાં ઓછી માન્યતા ધરાવે છે. ચીનમાં ફક્ત 17 ટકા લોકો જ માને છે કે ઇશ્વર અસ્તિત્વ ધરાવે છે.

યુકેમાં 1981માં ફક્ત 4 ટકા લોકો પોતાને નાસ્તિક ગણાવતા હતા પરંતુ 2022માં તેમની સંખ્યા 21 ટકા પર પહોંચી ગઇ હતી. યુકેમાં ભલે ધર્મમાં વિશ્વાસ ધરાવનારા લોકોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો હોય પરંતુ સ્વીડન પછી યુકે જ એક એવો દેશ છે જ્યાં વિવિધ ધર્મના લોકોમાં વિશ્વાસ કરાય છે અને ધાર્મિક સહિષ્ણુતા વ્યાપક પ્રમાણમાં છે. યુકેમાં 82 ટકા લોકો અન્ય ધર્મના લોકો પર વિશ્વાસ ધરાવે છે. સ્વીડનમાં 87 ટકા અને નોર્વેમાં 82 ટકા લોકો અન્યધર્મીઓ પર વિશ્વાસ રાખે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter