ફેસિયલ રેકોગ્નિશન સોફ્ટવેરનો છબરડોઃ ભળતા એશિયનને જ પોલીસ ઉઠાવી ગઇ
લંડનઃ યુકેમાં ફેસ સ્કેનિંગ સોફ્ટવેરના પ્રારંભ બાદ પોલીસે લૂટના આરોપસર એક સાઉથ એશિયનની ધરપકડ કરી હતી. જોકે આ વ્યક્તિ ક્યારેય તે શહેરની મુલાકાતે ગયો નહોતો. 26 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર અલવી ચૌધરી જાન્યુઆરી મહિનામાં સાઉધમ્પટન ખાતેના તેના નિવાસસ્થાનમાં કામ કરી રહ્યો હતો ત્યારે પોલીસ આવીને તેને ઉઠાવી ગઇ હતી. 10 કલાક કસ્ટડીમાં રાખ્યા બાદ તેને મુક્ત કરાયો હતો. અલવીના ઘરથી 100 માઇલ દૂર મિલ્ટન કીન્સમાં 3000 પાઉન્ડની લૂટ થઇ હતી જે અંતર્ગત થેમ્સ વેલી પોલીસે ઓટોમેટેડ ફેસિયલ રેકોગ્નિશન સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો અને અલવીની સાથે ફૂટેજ મેચ થયાં હતાં.
000000000000000000000000
પાકિસ્તાનીઓની ધમકીઓના કારણે હરમનસિંહ 16 વર્ષ જૂની રેસ્ટોરન્ટ બંધ કરશે
લંડનઃ પાકિસ્તાની જૂથોની ધમકીઓના કારણે ભારતીય મૂળના હરમનસિંહ કપૂરે તેમની 16 વર્ષ જૂની રેસ્ટોરન્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેમનો આરોપ છે કે મેટ્રોપોલિટન પોલીસ પણ પુરતી મદદ કરી રહી નથી. લંડનના હેમરસ્મિથમાં રંગરેઝ રેસ્ટોરન્ટના માલિક હરમનસિંહ કપૂરે જણાવ્યું હતું કે 16 વર્ષ બાદ મારી રેસ્ટોરન્ટના શટર પડી જશે. મારા પર જે રીતે દબાણ થઇ રહ્યું છે તેના કારણે રેસ્ટોરન્ટ ચલાવવી શક્ય નથી.
000000000000000000000000
બર્મિંગહામમાં પોલીસ ડિટેક્ટિવ તૈયબ મલિક મૃત અવસ્થામાં મળી આવ્યા
લંડનઃ બર્મિંગહામમા વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસનો એક અધિકારી એક પ્રોપર્ટીની બહાર મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. 24 ફેબ્રુઆરીના રોજ બપોરે બે કલાકે યાર્ડલી વૂડ રોડ પરથી 35 વર્ષીય ડિટેક્ટિવ કોન્સ્ટેબલ તૈયબ મલિકનો મૃતદેહ તેના ઘરની બહાર પાર્ક કરેલી કારમાંથી મળ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ શંકાસ્પદ મૃત્યુ નથી.
000000000000000000000000
બર્મિંગહામના ડ્રગ ડીલર મોહમ્મદ એહમદને 9 વર્ષની કેદ
લંડનઃ બર્મિંગહામમાં ડ્રગ્સનો વેપાર કરનાર 27 વર્ષીય મોહમ્મદ એહમદને બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા 9 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. જેસન કાઉન્ટીમાં ડ્રગ્સના વેચાણ માટે તેણે પોતાના બિઝનેસ કાર્ડ પણ છપાવી રાખ્યા હતા. અધિકારીઓએ એહમદની કાર અને ઠેકાણા ખાતેથી ક્લાસ એ ડ્રગ્સ જપ્ત કર્યાં હતાં. તેના નિવાસ ખાતેથી શસ્ત્રો અને રોકડ પણ મળી આવી હતી.
000000000000000000000000
હાઇજિન નિયમોના ઉલ્લંઘન માટે હાર્લિંગ્ટનના ટેક અવેને 24000 પાઉન્ડનો દંડ
લંડનઃ ગંદકી, અસુરક્ષિત રીતે ભોજન તૈયાર કરવા અને પ્રિમાઇસિસ ખાતે નિયમોના ગંભીર ઉલ્લંઘન માટે ભારતીય અને પાકિસ્તાની ટેકઅવેનું સંચાલન કરતા 65 વર્ષીય મોહમ્મદ સિદ્દિકી અને 52 વર્ષીય આયેશા સિદ્દિકીને 24000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે તેઓ હાર્લિંગ્ટનમાં હોલી ઝમ ઝમ ટેક અવેનું સંચાલન કરતા હતા. હિલિંગડન કાઉન્સિલે મૂકેલા આઠ આરોપની દંપતીએ કબૂલાત કરી હતી. અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટે મોહમ્મદને દંડ પેટે 1404 પાઉન્ડ, વિક્ટિમ સરચાર્જ પેટે 562 પાઉન્ડ અને કાઉન્સિલ પ્રોસિક્યુશન કોસ્ટ પેટે 3358 પાઉન્ડ ચૂકવવા આદેશ આપ્યો હતો. તેવી જ રીતે આયશાને દંડ પેટે 1487 પાઉન્ડ, વિક્ટિમ સરચાર્જ પેટે 595 પાઉન્ડ અને કાઉન્સિલ પ્રોસિક્યુશન કોસ્ટ પેટે 3358 પાઉન્ડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. તેમનીકંપની લાડલા બાબુ લિમિટેડને પણ દંડ પેટે 8000 પાઉન્ડ, વિક્ટિમ સરચાર્જ પેટે 2000 પાઉન્ડ અને કાઉન્સિલ પ્રોસિક્યુશન કોસ્ટ પેટે 3358 પાઉન્ડ ચૂકવવાનો આદેશ અપાયો હતો.
000000000000000000000000
બનાવટી બિઝનેસો દ્વારા કોરોના લોન પ્રાપ્ત કરનાર ઇલફોર્ડનો પરિવાર જેલભેગો કરાયો
લંડનઃ કોરોના મહામારી દરમિયાન વૈભવી જીવનશૈલી માટે 1,50,000 પાન્ડનો બોગસ બાઉન્સ બેક લોનમાં ઉપયોગ કરવા માટે ઇલફોર્ડના એક પરિવારને સજા આપવામાં આવી છે. સરકારની મદદ મેળવવા માટે 53 વર્ષીય કાશિદ રશિદ, તેની 46 વર્ષીય પત્ની નોરીન મલિક, 32 વર્ષીય ભત્રીજા રેહાન મોહમ્મદ અને 61 વર્ષીય ભાઇ રિઝવાન હૈદરે સંખ્યાબંધ બનાવટી બિઝનેસ ઊભા કરી દીધા હતા. તેમણે આ નાણાનો ઉપયોગ મકાનની મરામત, પ્રાઇવેટ સ્કૂલની ફીની ચૂકવણી અને પરિવારના અન્ય સભ્યોને મદદ માટે કર્યો હતો. સાઉથવાર્ક ક્રાઉન કોર્ટ દ્વારા રશિદને સાડા 6 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સજા પૂકી થયા બાદ તેને રોમાનિયામાં ફ્રોડ માટે 4 વર્ષની કેદની સજા ભોગવવા મોકલી અપાશે. રેહાન મોહમ્મદને 3 વર્ષ, મલિક અને હૈદરને બે-બે વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.
-------------------------------------------------------------------------------------------------------------


