બ્રિટન ક્રાઇમ ફાઇલ્સ

Tuesday 12th September 2023 12:27 EDT
 

100 માઇલ દૂર જઇ સગીરા પર બળાત્કાર કરનાર જીપી રૂપેશ શેઠ પર પ્રતિબંધ

લંડનઃ 10 વર્ષની સગીરા પર બળાત્કાર માટે 100 માઇલનું અંતર કાપનાર જીપીને મેડિકલ રજિસ્ટર પરથી હટાવી દેવાયા છે. જીપી રૂપેશ શેઠને માર્ચ મહિનામાં 10 વર્ષની સગીરા પર બળાત્કારના આરોપસર 3 વર્ષ કરતાં વધુની કેદની સજા કરાઇ હતી. હવે તેમને મૂળભૂત રીતે ડોક્ટર રહેવા માટે ગેરલાયક ઠેરવાયા છે. મેડિકલ ટ્રિબ્યુનલ પેનલે જણાવ્યું હતું કે, રૂપેશ શેઠને મેડિકલ ક્ષેત્રમાં પ્રેકટિસ કરતા અટકાવીને જ જનતાને સુરક્ષા આપી શકાય તેમ છે. ડોરસેટના વોરહેમમાં રહેતા 39 વર્ષીય રૂપેશ શેઠ સગીરા પર બળાત્કાર કરવા માટે 100 માઇલ દૂર સરેના ઇઘામ ખાતે પહોંચી ગયા હતા. 2020માં તેમની ધરપકડ કરાઇ હતી.

બનાવટી મેડિસિન બનાવીને વેચવાના આરોપસર 3ને કેદની સજા

લંડનઃ 2 મિલિયન પાઉન્ડની બનાવટી મેડિસિન બનાવીને વેચવાના આરોપસર ઝડપાયેલા રોશન વેલેન્ટાઇન, તેના પિતા એલેન વેલેન્ટાઇન અને તેના બાળપણના મિત્ર કૃનાલ પટેલને જેલની સજા કરાઇ છે. આ ત્રણે અપરાધી તેમની ગુપ્ત પ્રયોગશાળામાં બનાવટી ફાર્માસ્યુટિક્લ ડ્રગ્સ તૈયાર કરી ડાર્ક વેબ પર વેચાણ કરતાં હતાં. અદાલતે કૃનાલ પટેલને 6 વર્ષ, રોશન વેલેન્ટાઇનને 7 વર્ષ અને એલેન વેલેન્ટાઇનને 11 વર્ષ કેદની સજા ફટકારી છે.

બંદૂકની અણીએ લૂટ ચલાવનાર અમરદીપ રાણાને બે વર્ષની કેદ

લંડનઃ સ્મિથવિક ખાતે વહેલી સવારે બંદૂકની અણીએ લૂટ ચલાવનાર અમરદીપ રાણાને વૂલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટ દ્વારા બે વર્ષ અને એક માસની કેદ ફટકારવામાં આવી છે. 24 માર્ચના રોજ એક ઘરમાં ઘૂસીને અમરદીપ રાણાએ બંદૂકની અણીએ બેન્ક કાર્ડ અને રોકડની લૂટ ચલાવી હતી. જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતાં તેને ઝડપી લેવામાં સફળતા મળી હતી. રાણાએ અદાલતમાં પોતાનો અપરાધ કબૂલી લેતાં 30મી ઓગસ્ટના રોજ અદાલતે તેને બે વર્ષ અને એક માસ કેદની સજા ફટકારી હતી.

લેસ્ટરમાં વૃદ્ધને માર મારી રેન્જ રોવર કારની લૂટ ચલાવાઇ

લંડનઃ લેસ્ટરના બેલગ્રેવ ખાતે 54 વર્ષીય એક વ્યક્તિ પર હુમલો કરીને તેની રેન્જ રોવર કાર લૂટી જવાની ઘટના પ્રકાશમાં આવી છે. બીજી સપ્ટેમ્બરના રોજ પીડિત બેલગ્રેવમાં બેર્રિજ લેન ખાતેથી પસાર થિ રહ્યો હતો ત્યારે એશિયન જેવા દેખાતા એક વ્યક્તિએ તેને અટકાવ્યો હતો અને તેની સાથે બોલાચાલી કરી મુક્કા મારી દીધા હતા. જેના કારણે પીડિતના જડબા અને કોણીમાં ફ્રેક્ચર થયું હતું. પીડિતને માર માર્યા બાદ હુમલાખોર અને તેનો એક સાથી પીડિતની રેન્જ રોવર કાર લૂટી ગયાં હતાં. પાછળથી આ કાર લેસ્ટરમાં બાથ લેન ખાતેથી મળી આવી હતી.

કોન્સ્ટેબલ મનદીપ ધરનીની સ્કોટલેન્ડ યાર્ડમાંથી હકાલપટ્ટી

લંડનઃ બે વર્ષ પહેલાં ઉત્તર લંડનમાં એક વ્યક્તિની ધરપકડ કરતી વખતે બિનજરૂરી શક્તિનો ઉપયોગ કરવાના આરોપસર દોષી ઠરેલા ભારતીય મૂળના પોલીસ અધિકારીને સ્કોટલેન્ડ યાર્ડમાંથી ડિસમિસ કરી દેવાયાં છે. લંડનમાં નોર્થ વેસ્ટ બેઝિક કમાન્ડ યુનિટમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનદીપ ધરનીના કેસની સુનાવણી ગયા સપ્તાહમાં હાથ ધરાઇ હતી. આ ઘટના બાર્નેટના કાર પાર્કિંગમાં સપ્ટેમ્બર 2021માં બની હતી. તેમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓ પોતાની સત્તાની રૂએ ફરજ બજાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter