બ્રિટન ડાયરી

Tuesday 14th March 2023 15:02 EDT
 

બ્રિટન ડાયરી

યુકે દ્વારા ભારતને અપાતી સહાય પર બ્રિટિશ વોચડોગ દ્વારા સવાલો ઉઠાવાયાં

લંડન - બ્રિટન દ્વારા વિદેશોને અપાતી સહાય પર નજર રાખતી વોચડોગ ઇન્ડિપેન્ડન્ટ કમિશન ફોર એઇડ ઇમ્પેક્ટે જણાવ્યું છે કે બ્રિટન દ્વારા ભારતને અપાતી સહાયનો પ્રોગ્રામ ભંગિત સ્થિતિમાં છે, તેમાં કોઇ વ્યાજબી કારણ જણાતા નથી અને આ સહાય ભારતમાં માનવ અધિકારો અને લોકશાહી સામેના નકારાત્મક વલણોને ડામવામાં સહાયરૂપ થઇ રહી નથી. બ્રિટનની સહાય મૂળ તો ગરીબી નાબૂદી માટે આપવામાં આવે છે પરંતુ મુક્ત વેપાર કરારો સહિત ભારત સાથે સંબંધ મજબૂત બનાવવા પોતાના સહાય પ્રોગ્રામનો ઉપયોગ કરી યુકે સરકાર જોખમ વહોરી રહી હોવાનો દાવો કરનારા દ્વારા આ તારણોનો ઉપયોગ કરાય તેવી સંભાવના છે. વોચડોગે તેની સમીક્ષામાં જણાવ્યું છે કે યુકે સરકારે ભારતને 2016થી 2021 વચ્ચે 2.7 બિલિયન પાઉન્ડની સહાય આપી છે. આ સહાય વિવિધ પ્રવૃત્તિઓમાં વિભાજિત થયેલો છે. ભારતે પોતાના ફાઇનાન્સિયલ માર્કેટ વિકસાવી લીધાં છે ત્યારે આ પ્રકારની સહાયની યથાર્થતા પર સવાલો ઉઠે છે.

---------------------------------------------------------------------------------------------------

 લંડનમાં સાયકલચાલકોની સંખ્યામાં સતત વધારો

લંડન - લંડનમાં પીક અવર્સ દરમિયાન સડકો પર મોટરચાલકો કરતાં સાયકલચાલકોની સંખ્યા વધુ હોય છે. લંડનની પ્લાનિંગ એન્ડ ટ્રાન્સપોર્ટેશન કમિટીના એક રિપોર્ટ અનુસાર પીક અવર્સ દરમિયાન લંડનની સડકો પર સૌથી વધુ સાયકલ જોવા મળે છે. એક સરવે અનુસાર કોરોના મહામારી પહેલાંના સ્તર કરતાં લંડનની સડકો પર મોટરવાહનો 80 ટકા, રાહદારીઓ 63 ટકા અને સાયકલચાલકો 102 ટકા જોવા મળી રહ્યાં છે. પીક અવર્સમાં લંડનના રોડ ટ્રાફિકમાં સાયકલચાલકોની સંખ્યા 40 ટકા અને દિવસના બાકીના સમયમાં 27 ટકા જોવા મળે છે. મોટરચાલકોની સંખ્યા 1999 પછી ઘટીને 64 ટકા પર આવી ગઇ છે જ્યારે આજ સમયગાળામાં સાયકલચાલકોની સંખ્યા 386 ટકા વધી છે. શહેરના 12 સ્થળો ખાતે કરાયેલા અભ્યાસ અનુસાર મોટરવાહનોની સંખ્યામાં સતત ઘટાડો અને સાયકલની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

---------------------------------------------------------------------------------------------------

એપ્રિલથી વૃદ્ધો અને ગંભીર બીમારી ધરાવનારાને કોરોનાનો બૂસ્ટર ડોઝ અપાશે

લંડન

આગામી ઉનાળામાં ગંભીર બિમારીઓ ધરાવતા લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે સ્પ્રિંગ બૂસ્ટર ડોઝ અપાશે. યુકેના વેક્સિન નિષ્ણાતોએ જણાવ્યું છે કે આ બૂસ્ટર ડોઝ 75 વર્ષથી વધુના તમામ લોકો, કેર હોમમાં રહેતા લોકો અને અત્યંત ગંભીર બીમારી ધરાવતા પાંચ વર્ષથી મોટા તમામ લોકોને આ બૂસ્ટર ડોઝ આપવો જોઇએ. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં બૂસ્ટર ડોઝનો પ્રારંભ એપ્રિલના પ્રારંભથી કરાશે. સ્કોટલેન્ડમાં બૂસ્ટર કેમ્પેન માર્ચના અંતિમ સપ્તાહથી જ શરૂ કરી દેવાશે. ગયા વર્ષનો અનુભવ ધરાવે છે કે 75 વર્ષથી વધુ વયના લોકોને કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ થવાની વધુ જરૂર પડી હતી. તેથી તેમને બૂસ્ટર ડોઝ આપીને વધુ સંરક્ષણ આપવાનો નિર્ણય લેવાયો છે.

--------------------------------------------------------------------------------------------------

હવે જીપી દર્દીને એપોઇન્ટમેન્ટ આપવામાં ઠાગાઠૈયા કરી શકશે નહીં

લંડન - નવા જીપી કોન્ટ્રાક્ટ અનુસાર હવે ફેમિંલી ડોક્ટર દર્દીને એપોઇન્ટમેન્ટ માટે પછી કોલ કરજો એમ કહીને ટાળી શકશે નહીં. એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર ન હોય તેવી સર્જરી માટે દર્દીને તાત્કાલિક ચકાસવાનો રહેશે અને તેને યોગ્ય મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવવાની રહેશે. દર્દીને કન્સ્લટેશન માટે કોમ્યુનિટી ફાર્માસિસ્ટને રીફર કરવાનો રહેશે. એનએચએસને આશા છે કે આ બદલાવ દર્દીઓને તેમની આશા પ્રમાણેની સારવાર ઉપલબ્ધ કરાવશે. જોકે મેડિકલ સેક્ટરના અગ્રણીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આ પ્રકારના બદલાવના કારણે ઘણા જીપી તેમના વ્યવસાયનો ત્યાગ કરે તેવું જોખમ સર્જાયું છે. તેના કારણે દર્દીઓને સારવારમાં વિલંબ થઇ શકે છે. જીપી કમિટીના એક્ટિંગ ચેરમેન ડો. કિરેન શેર્રોકે જણાવ્યું હતું કે, સરકાર જરૂરી સ્ત્રોતો ઉપલબ્ધ કરાવ્યા વિના જ ડોક્ટરો પાસે વધુ કામ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સરકારના આ નિર્ણયને કારણે જીપીના વર્કલોડમાં વધારો થશે જેના કારણે વધુ જીપી વ્યવસાયનો ત્યાગ કરે તેવી સંભાવના છે. અંતે તો દર્દીઓને જ સહન કરવાનું આવશે. તેમને ઇમર્જન્સીમાં પણ સારવાર માટે રાહ જોવી પડશે. જોકે આરોગ્ય વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે જીપીને તમામ પ્રકારની સહાય આપવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે તેમની કામગીરી માટે આભારી છીએ.

-------------------------------------------------------------------------------------------------

ગાંજાના પાન અને ફૂલના વેચાણ માટે ભારતીય મૂળના વ્યક્તિને 14 મહિનાની કેદ

લંડન - યુકેમાં ગાંજાના વાવેતર પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરનાર ભારતીય મૂળના એક વ્યક્તિને 14 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડના સ્વિન્ડોનમાં રહેતા 38 વર્ષીય દર્શન પટેલને 14 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. જોકે આ સજા બે વર્ષ માટે સસ્પેન્ડ રખાઇ છે પરંતુ જો તે આ સમયગાળામાં આકરી શરતોનું કોઇપણ પ્રકારનું ઉલ્લંઘન કરશે તો તેને જેલની હવા ખાવી પડશે. કેસની તપાસ કરનાર વિલ્ટશાયર પોલીસે જણાવ્યું હતું કે, પ્રતિબંધિત વસ્તુઓનો વેપાર કરનારા અન્ય લોકો માટે કોર્ટનો આ ચુકાદો ચેતવણી સમાન છે.

પોલીસે જણાવ્યું હતું કે, પટેલ હાલના કાયદાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ડ્રગ્સ એક્ટ 1971 અનુસાર ગાંજાના છોડમાં ટીએચસી લેવલ 0.2 ટકા હોય ત્યારે તેના પાંદડા અને ફૂલનું વેચાણ ગેરકાયદેસર છે. અમે પટેલને આ ગેરકાયદેસર પ્રવૃતિ કરતાં ઝડપી લીધો હતો. નિયંત્રિત ડ્રગ્સનું કોઇપણ સ્વરૂપમાં વેચાણ નુકસાનકારક છે. અમે કાયદાનું કડક હાથે પાલન કરાવતા રહીશું.

-------------------------------------------------------------------------------------------

વિવાદાસ્પદ ઉલેઝ વિસ્તરણ માટે સાદિક ખાને બોરિસને જવાબદાર ગણાવ્યા

લંડન - સમગ્ર ગ્રેટર લંડનમાં કાર ચાર્જિંગ ઝોનના વિસ્તરણ માટે પોતાના વિવાદાસ્પદ ઉલેઝ પ્લાન માટે મેયર સાદિક ખાને તેમના પુરોગામી બોરિસ જ્હોન્સનને જવાબદાર ગણાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, મારા રોજિંદા પ્રવાસમાં લોકો મારા પ્રત્યે ધ્યાન આપતા નથી. આ એક સામાન્ય બ્રિટિશ લક્ષણ છે. લોકો ક્યાંતો અખબાર વાંચવામાં અથવા તો તેમના ફોનમાં વ્યસ્ત રહેતા હોય છે. કોઇકવાર કોઇ વ્યક્તિ મને સેલ્ફી માટે કહે છે અથવા તો થમ્સ અપ કરે છે. આર્શ્ચર્યની વાત તો એ છે કે મારી સાથે ઉલેઝના વિસ્તરણ અંગે કોઇ વાત કરતું નથી. ગયા સપ્તાહમાં ઇલિંગ હોલ ખાતે મેયર સાદિક ખાનને કેટલાક વિરોધીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ સાદિક ખાને તેમને કટ્ટર જમણેરી ગણાવ્યા હતા. જોકે દેખાવકારોએ નારાબાજી કરી હતી કે અમે કટ્ટર જમણેરી નથી. અમે સામાન્ય જનતા છીએ. સામાન્ય જનતા કટ્ટર જમણેરી હોતી નથી.

-----------------------------------------------------------------------------------------------

મોંઘવારીના કારણે દર પાંચમાંથી એક વિદ્યાર્થી અભ્યાસ પડતો મૂકવા તૈયાર

લંડન - કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના કારણે દર પાંચમાંથી એક વિદ્યાર્થી ડ્રોપ આઉટ લેવાનો વિચાર કરી રહ્યો છે. 25 ટકા વિદ્યાર્થી ભોજન અને અન્ય જીવનજરૂરી વસ્તુઓની અછતનો સામનો કરી રહ્યાં છે. બ્રિટનના 24 સૌથી વધુ નામાંકિત શિક્ષણ સંસ્થાનોનું પ્રતિનિધિત્વ કરતા રસેલ ગ્રુપ સ્ટુડન્ટ યુનિયનના તાજેતરના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસની અસર અમીર વિદ્યાર્થીઓ પર પણ પડી રહી છે. 50 ટકા કરતાં વધુ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના કારણે તેમના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. ખર્ચને પહોંચી વળવા માટે વિદ્યાર્થીઓએ વધારાના કામ કરવા પડે છે. અપુરતા પોષણના કારણે તેઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શક્તા નથી. પરિવહનના ભાડાં પોષાતા ન હોવાના કારણે તેમને ઘણીવાર લેક્ચર છોડવાની ફરજ પડે છે.

રિસર્ચરોનું કહેવું છે કે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો યુનિવર્સિટીઓ ફક્ત ઇજારાદારો માટેની જ બની રહેશે. રસેલ ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ડો. ટીમ બ્રાડશોએ જણાવ્યું હતું કે, આ તારણો ખરેખર ખેદજનક છે. સરકારે આ માટે તાત્કાલિક પગલાં લેવાં જોઇએ. ગ્રુપે ગરીબ વિદ્યાર્થીઓ માટે મેન્ટેનન્સ ગ્રાન્ટ ફરી શરૂ કરવાની પણ માગ કરી છે.

-----------------------------------------------------------------------------------------------

ઉનાળા પહેલાં જ યુકેની નદીઓમાં જળસપાટી રેકોર્ડ નીચી સપાટીએ

લંડન - સમગ્ર યુકેમાં નદીઓના પાણીના સ્તર રેકોર્ડ સ્તરે નીચી સપાટી પર પહોંચી ગયાં છે. મે મહિના સુધી વરસાદની કોઇ સંભાવના ન હોવાથી ચિંતામાં વધારો થયો છે. એક્ટિવિસ્ટોએ ચેતવણી આપી છે કે સરકાર અને વોટર કંપનીઓએ જળાશયોના નિર્માણ, લીકેજની મરામત જેવા પગલાં લઇને પાણીનો જથ્થો સંગ્રહ કરવા માટે કોઇ કામગીરી કરી નથી. જો વરસાદ ઓછો થશે તો દેશના સંખ્યાબંધ વિસ્તારોમાં પાણીની અછત સર્જાશે. યુકે સેન્ટર ફોર ઇકોલોજી એન્ડ હાઇડ્રોલોજીએ ચેતવણી ઉચ્ચારી છે કે વરસાદ ખેંચાય તેવી પ્રબળ સંભાવના છે અને નદીઓ અત્યારથી સુકાઇ રહી છે.

એક રિપોર્ટ અનુસાર યુકેની તમામ નદીઓમાં પાણીના પ્રવાહમાં ઘટાડો થયો છે. માર્ચથી મે મહિના સુધી આ પ્રકારની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. દુકાળની સ્થિતિની સમીક્ષા માટે ભૂજળના સ્તરને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આગામી 3 મહિના સુધી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ભૂમિગત જળની સપાટી પણ નીચી રહેવાની સંભાવના છે. નદીના જળસ્તરમાં ઘટાડાના કારણે સેવર્ન ટ્રેન્ટ, થેમ્સ અને એન્ગ્લિયન પ્રદેશોમાં પણ પાણીની અછત સર્જાશે.

-----------------------------------------------------------------------------------------------

બ્રિટનમાં નોકરીઓમાં સતત ઘટાડો છતાં હજુ 11 લાખ નોકરી ઉપલબ્ધ

લંડન - યુકેમાં નોકરીઓની સંખ્યામાં સતત આઠમીવાર ઘટાડો નોંધાયો છે. કંપનીઓ નવી ભરતી નહીં કરવા માટે તેમના પર પ્રવર્તી રહેલા આર્થિક દબાણને જવાબદાર ગણાવી રહી છે. બજેટ પહેલાં બહાર આવેલા સત્તાવાર આંકડા અનુસાર ડિસેમ્બરથી ફેબ્રારી સુધીમાં તેના અગાઉના 3 મહિનાની સરખામણીમાં નોકરીની સંખ્યામાં 51000નો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડા છતાં યુકેમાં હાલ 11 લાખ નોકરીઓ ખાલી પડી છે. કોરોના મહામારી પહેલાના સમયની સરખામણીમાં 3,28,000 નોકરી ખાલી પડી છે. જોકે નવેમ્બરથી જાન્યુઆરીના 3 મહિનામાં નોકરી નહીં કરવા ઇચ્છતા લોકોની સંખ્યા ઘટીને 21.3 ટકા થઇ ગઇ છે. તેની પાછળ 16થી 24 વર્ષના યુવાઓ નોકરીઓ મેળવી રહ્યાં છે અથવા તો નોકરીની શોધ કરી રહ્યાં હોવાના કારણો જવાબદાર છે. જોકે હજુ 90 લાખ બ્રિટિશર આર્થિક રીતે નિષ્ક્રિય છે. ક્યાં તો તેઓ વિદ્યાર્થી છે અથવા તો લાંબાગાળાની બીમારીથી પીડાય છે અથવા તો નિવૃત્ત થઇ ચૂક્યાં છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter