બ્રિટન ડાયરી

Tuesday 12th September 2023 12:29 EDT
 

શરાબના નશામાં બળજબરીથી આલિંગન આપનાર સાંસદ પિન્ચરે રાજીનામુ આપ્યું

લંડનઃ કાર્લટન ક્લબ ખાતે શરાબના નશામાં બે પુરુષને આલિંગન કરી લેનારા કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ ડેપ્યુટી ચીફ વ્હિપ ક્રિસ્ટોફર પિન્ચરે રાજીનામાની જાહેરાત કરી છે. સંસદના સ્ટાન્ડર્ડ કમિશ્નરે આ મામલામાં પિન્ચરના વ્યવહારને સંપુર્ણ અયોગ્ય અને સત્તાના દુરુપયોગ સમાન ગણાવતા તેમને રાજીનામુ આપવાની ફરજ પડી છે. પિન્ચરે બળજબરીથી જે વ્યક્તિઓને આલિંગન આપ્યું હતું તેમાંથી એક સરકારી કર્મચારી હતો. બીજો વ્યક્તિ હાઉસ ઓફ લોર્ડ્સનો સ્ટાફ મેમ્બર હતો.

હિન્દુ વિરોધી તિરસ્કારને બ્રિટનમાં કોઇ સ્થાન નથીઃ લી રાઉલી

લંડનઃ યુકેના લોકલ ગવર્મેન્ટ મિનિસ્ટર, લેવલિંગ અપ, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ માટેના સેક્રેટરી ઓફ સ્ટેટ લી રાઉલીએ સાંસદ નવેન્દુ મિશ્રાના એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે "હિન્દુ વિરોધી તિરસ્કાર ઘૃણાજનક છે અને તેને બ્રિટિશ સમાજમાં કોઈ સ્થાન નથી".  યુકે સરકાર પોલીસ અને સમાજના લોકો  સાથે તેની પર દેખરેખ રાખવા અને તેનો સામનો કરવા માટે કામ કરી રહી છે. મિશ્રાએ યુકેમાં હિન્દુ વિરોધી તિરસ્કારના સ્તર અને વલણ અંગે રાઉલીના વિભાગ દ્વારા કરાયેલી સમીક્ષા પર સવાલ પૂછ્યો હતો.

લંડનમાં જેલ બ્રેકઃ આતંકવાદનો આરોપી પૂર્વ બ્રિટિશ સૈનિક ફરાર

લંડનઃ બ્રિટિશ પોલીસે શુક્રવારે એક સૈનિકની શોધખોળ માટે લંડનના એક પાર્કમાં મેગા સર્ચ ઓપરેશન કર્યું હતું. પૂર્વ સૈનિક આતંકવાદના આરોપ બાદ કેસની સુનાવણી પહેલા જેલમાંથી ભાગી ગયો હતો.
મેટ્રોપોલિટન પોલીસે લંડનના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા રિચમંડ પાર્કમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં ભાગેડુ ડેનિયલ અભેદ ખલીફની શોધખોળ માટે બે હેલિકોપ્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતાં. પોલીસના જણાવ્યા અનુસાર, 21 વર્ષીય આરોપી બુધવારે સવારે રસોઈ વિભાગમાં કામ કરતા સમયે વંસવર્થ જેલમાંથી બહાર ભાગી ગયો હતો.
એક રિપોર્ટ મુજબ, તે ભોજન વિતરણમાં સામેલ એક ટ્રકના નીચેના ભાગમાં ચોંટીને બહાર નીકળી ગયો હતો. ખલીફ પર દુશ્મનોને ઉપયોગી થઈ શકે તેવી સેનાની ગોપનીય માહિતી શેર કરવાની સાથે સેનાના અડ્ડા પર નકલી બોમ્બ લગાવવાનો આરોપ છે. આ વર્ષની શરૂઆતમાં તેની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ બ્રિટિશ સેનામાંથી તેની હકાલપટ્ટી કરાઈ હતી. ભાગેડુ ખલીફને પકડવા માટે એરપોર્ટ અને ઈંગ્લેન્ડથી ફ્રાંસ જનારી શિપની ખાસ તપાસ કરવામાં આવી હતી.

લેસ્ટરનો 60 વર્ષથી ચાલતો સાડીનો સ્ટોર બંધ થશે

લંડનઃ છેલ્લા 60 વર્ષથી ચાલતો પરંપરાગત એશિયન પરિધાનનો ફેમિલી બિઝનેસ બંધ કરવામાં આવી રહ્યો છે જેથી તેના માલિક નિવૃત્ત થઇ શકે. ભારત અને પાકિસ્તાનથી આવનારા નવા ઇમિગ્રન્ટ્સને પરંપરાગત એશિયન પરિધાન પ્રાપ્ત થઇ શકે તે માટે 1964માં લેસ્ટરના હાઇફિલ્ડ્સ વિસ્તારમાં મિલન્સ સ્ટોરનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ તેને હાલ ગોલ્ડન માઇલથી જાણીતા બેલગ્રેવ રોડ પર ખસેડવામાં આવ્યો હતો. આ સ્ટોર સાડીની ખરીદી માટે ભારતીય મહિલાઓમાં લોકપ્રિય સ્થળ બની રહ્યો હતો.

સ્ટોરના માલિક કિશોર ચૌહાણ કહે છે કે હવે આરામ કરવાનો સમય આવી ગયો છે. કિશોર ચૌહાણનો પરિવાર 1960ના દાયકામાં ઇસ્ટ આફ્રિકાથી યુકે આવ્યો હતો.

ચીન માટે જાસૂસીના આરોપસર કોમન્સના ટોરી રિસર્ચરની ધરપકડ

લંડનઃ હાઉસ ઓફ કોમન્સમાં ચીન માટે જાસૂસી કરવાના આરોપસર એક ટોરી રિસર્ચરની ધરપકડ કરાઇ છે. 28 વર્ષીય ક્રિસ કેશ સિક્યુરિટી મિનિસ્ટર ટોમ તુગેન્ધાત દ્વારા રચિત બેઇજિંગ પરના પોલિસી ગ્રુપમાં ડિરેક્ટર તરીકે સેવા આપતો હતો. તેની નિયુક્તિ કોમન્સ ફોરેન અફેર્સ કમિટીના ચેરવુમન એલિસિયા કીઅર્ન્સ દ્વારા કરાઇ હતી. જાસૂસીના આરોપસર ઝડપાયેલ ક્રિસ કેશ એક જીપીનો પુત્ર છે અને તેનો ઉછેર એડિનબરોના પરા વિસ્તારમાં થયો છે. માર્ચ મહિનામાં તેની ધરપકડ કરાઇ હતી પરંતુ તેની વિગતો આ સપ્તાહાંતમાં જાહેર કરાઇ છે. ચીન માટે જાસૂસીના આરોપસર ઝડપાયેલા પાર્લામેન્ટરી રિસર્ચરને લેસ્ટરની રુટલેન્ડ એન્ડ મેલ્ટન બેઠકના સાંસદ એલિસિયા કિઅર્ન્સ દ્વારા કામ પર રખાયો હોવાનો દાવો કરાયો છે. એલિસિયા હાલ વિદેશ મામલાઓની કમિટીના સભ્ય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter