બ્રિટિશ અર્થવ્યવસ્થામાં પ્રવાસી ભારતીયોનો સિંહફાળો

Wednesday 12th February 2020 03:22 EST
 
 

લંડનઃ ભારતીય લોકો દુનિયાના કોઈ પણ ખૂણે જાય, તે સ્થળોને ઉન્નત બનાવવામાં મોટું યોગદાન આપવામાં શિરમોર રહ્યા છે. તાજો કેસ બ્રિટનનો છે જ્યાં પ્રવાસી ભારતીય માલિકીની કંપનીઓએ બ્રિટિશ અર્થવ્યવસ્થામાં અનુકરણીય યોગદાન આપ્યુ છે. આ કંપનીઓએ એક બિલિયન પાઉન્ડ (૯૩૦૬ કરોડ રૂપિયા)થી પણ વધારે કોર્પોરેશન ટેક્ષ ચૂકવ્યો છે અને ૧.૭૪ લાખ લોકોને નોકરીઓ આપી છે.

‘ઈન્ડિયા ઈન ધ યુકેઃ ધ ડાયસ્પોરા ઈફેકટ’ નામે પ્રસિદ્ધ આ પ્રકારના પહેલા રિપોર્ટ અનુસાર આ કંપનીઓનું સંયુકતપણે બ્રિટિશ અર્થવ્યવસ્થામાં યોગદાન ૩૬.૮૪ બિલિયન પાઉન્ડ (૩.૪૨ લાખ કરોડ રૂપિયા) છે. રિપોર્ટમાં ભારતીય લોકોની માલિકીની ૬૫૪ બ્રિટિશ કંપનીઓના આંકડાઓનું વિશ્લેષણ કરાયુ છે. જેનુ ટર્નઓવર એક લાખ પાઉન્ડ છે.

આ રિપોર્ટ ગ્રાન્ટ થોર્નટન યુકે દ્વારા લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફિક્કી, યુકે)ની સાથે સંયુકતપણે તૈયાર કરીને રજૂ કરાયો છે. બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર શ્રીમતી રુચિ ઘનશ્યામે કહ્યું કે આ રિપોર્ટ ભારતીય માલિકી સાથેના તમામ બિઝનેસના સંપૂર્ણ યોગદાનનો રેકોર્ડ રાખવાનો દાવો નથી કરતો પણ તેમાં ૬૫૦થી વધારે મોટા બિઝનેસીસના સંપૂર્ણ લેખાજોખાં સામેલ છે. તેમણે જણાવ્યુ કે આ રિપોર્ટમાં ફકત વાર્ષિક એક લાખ પાઉન્ડથી વધુ ટર્નઓવર સાથેના બિઝનેસીસને સામેલ કરાયા છે. જ્યારે નાના ટર્નઓવર સાથેના બિઝનેસીસ આગામી રિપોર્ટમાં સામેલ કરાશે.

ગ્રાન્ટ થોર્નટન, યુકેના અધિકારી અનુજ ચંદેએ કહ્યુ કે આ રિપોર્ટ બ્રિટનની આર્થિક સમૃદ્ધિ જ નહિ પણ અર્થવ્યવસ્થામાં પ્રવાસી ભારતીયોના યોગદાન તરફ ઈશારો કરે છે. ૬૫૪ કંપનીઓના અભ્યાસના મહત્ત્વપૂર્ણ રિપોર્ટમાં જણાવાયું છે કે લગભગ ૩૬ ટકા કંપનીનાં બોર્ડમાં એક કે તેથી વધુ મહિલા ડાયરેકટર છે એટલુ જ નહિ, બ્રિટનમાં પ્રવાસી ભારતીય કંપનીઓ દ્વારા અપાયેલી કુલ ૧.૪૦ લાખ નોકરીમાંથી ૮૦ ટકા નોકરી ૨૩ કંપનીઓએ આપી છે.

બ્રિટનમાં પ્રવાસી ભારતીયોની માલિકીવાળી કંપનીઓના પાંચ મુખ્ય નોકરીદાતાઓમાં પ્રથમ ક્રમની બી એન્ડ એમ રિટેલ લિમિટેડે ૨૬૪૯૬ લોકોને નોકરી આપી છે. જ્યારે, વેદાંત રિસોર્સીઝ લિમિટેડે ૨૫૦૮૩, બોપારાન હોલ્ડકો લિમિટેડે ૨૧૯૪૯, હિંદુજા ઓટોમોટીવે ૧૯૬૦૧ અને એચસી-વન લિમિટેડે ૧૦૯૪૯ લોકોને નોકરી આપી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter