ભાગેડુ વિજ્ય માલ્યાનું પ્રત્યર્પણ હાથવેંતમાઃ હાઈ કોર્ટે અરજી ફગાવી

Sunday 17th May 2020 09:13 EDT
 
 

લંડનઃ ભાગેડુ લીકરકિંગ વિજય માલ્યાનું બ્રિટનમાંથી પ્રત્યર્પણ હાથવેંતમાં છે. બ્રિટિશ હાઈ કોર્ટે તેની અરજી ફગાવી દીધા સાથે ૬૪ વર્ષીય માલ્યાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાનો અધિકાર ગુમાવી દીધો છે. માલ્યાને હવે આગામી ૨૮ દિવસમાં ભારતને સોંપાય તેવી સંભાવના છે. વિજય માલ્યા પાસે પ્રત્યર્પણ અટકાવવા માટે હવે કોઈ કાનૂની વિકલ્પ રહ્યો નહિ હોવાનું મનાય છે. યુકે-ભારત પ્રત્યર્પણ સંધિ હેઠળ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ પ્રત્યર્પણ દસ્તાવેજો પર હસ્તાક્ષર કરે તે પછી ૨૮ દિવસમાં વિજય માલ્યાને ભારત લાવી શકાશે. માલ્યાએ ફરી એક વખત વિના શરતે પોતાનું સંપૂર્ણ દેવું ચૂકવી દેવાની ઓફર પણ કરી હતી.

હાઈ કોર્ટે ગયા મહિને વિજય માલ્યાની પ્રત્યર્પણ વિરુદ્ધ દાખલ અરજી ફગાવી દીધી હતી. ન્યાયમૂર્તિઓ લોર્ડ જસ્ટિસ ઈરવિન અને જસ્ટિસ એલિઝાબેથ લેઈંગે ચૂકાદામાં જણાવ્યું હતું કે, માલ્યાના કેસમાં કાવતરાં અને ખોટા પ્રતિનિધિત્વ બંનેના પ્રથમદર્શી પૂરાવા મળે છે અને તેની સામે મની લોન્ડરિંગનો કેસ પણ બને છે. માલ્યા ૧૭મી એપ્રિલથી ૬,૫૦,૦૦૦ પાઉન્ડના બોન્ડ પર જામીન પર મુક્ત છે.

ભાગેડૂ જાહેર કરાયેલા વિજય માલ્યા સામે રુપિયા ૯,૦૦૦ કરોડથી વધુની બેંક લોન નહીં ચૂકવવા અને મની લોન્ડરિંગનો આરોપ છે. માલ્યા તેની કિંગફિશર એરલાઈનનું દેવાળુ ફૂંકાઈ જતાં ભારતમાંથી ભાગી ગયો હતો અને મે મહિનાની શરુઆતમાં લીકર કિંગે બ્રિટિશ સુપ્રીમ કોર્ટમાં ભારતમાં પ્રત્યર્પણના આદેશ વિરુદ્ધ અરજી કરી હતી. આ અરજી પણ ફગાવી દેવાઈ છે. અગાઉ લંડનની હાઈ કોર્ટમાં તેની અરજી ફગાવી દેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં વેસ્ટમિન્સ્ટર કોર્ટના ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા આર્બુથ્નોટે લોન ન ચૂકવવા અને મની લોન્ડરિંગના આરોપમાં વિજય માલ્યાના ભારતમાં પ્રત્યર્પણનો ચુકાદો આપ્યો હતો.

જોકે, માલ્યા પાસે  પ્રત્યર્પણ અટકાવવા સૈદ્ધાંતિક રીતે યુરોપીયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સ (ઈસીએચઆર)માં અરજી કરવાનો વિકલ્પ રહે છે. તે બ્રિટનની કોર્ટમાં તેને મુક્ત અને ન્યાયી ટ્રાયલની તક મળી નથી, જે માનવાધિકારો પર યુરોપિયન કન્વેન્શનની કલમનો ભંગ છે તેવી દલીલ કરી શકે છે. બ્રિટન ઈસીએચઆરનો આદેશ માનવા બંધાયેલું છે. જો આમ થાય તો પ્રત્યર્પણની પ્રક્રિયા લંબાઈ શકે છે, પરંતુ ઈસીએચઆરમાં માલ્યાની તરફેણમાં નિર્ણયની સંભાવના ઓછી છે કારણકે માલ્યાએ તેમાં યુકેની અદાલતોમાં તેની કઈ દલીલો નકારાઈ હતી તેનો આધાર પણ દર્શાવવો પડશે.

દરમિયાન, માલ્યાએ ફરી એક વખત પોતાનું સંપૂર્ણ દેવું ચૂકવી દેવાની ઓફર કરી હતી. તેણે એક ટ્વીટમાં કહ્યું હતું કે સરકારે કોઈ શરત વિના લેણી રકમ સ્વીકારી લેવી જોઈએ અને કેસ બંધ કરી દેવો જોઈએ. તેણે સરકારને કોવિડ-૧૯ના રાહત પેકેજ માટે અભિનંદન પણ આપ્યા હતા. માલ્યાએ અગાઉ પણ કિંગફિશર એરલાઈન્સ દ્વારા લેવાયેલા કરજની ૧૦૦ ટકા રકમ પરત કરવાની ઓફર કરી જણાવ્યું હતું કે બેન્કો અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ કોઈ જવાબ વાળતું નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter