ભારતના રાષ્ટ્રપતિભવનમાંથી એડવિન લુટિયન્સની પ્રતિમા હટાવવાની પ્રપૌત્ર દ્વારા આકરી ટીકા

મારા પરદાદા વાઇસરોય નહીં પરંતુ આર્કિટેક્ટ હતાઃ મેટ રિડલી

Tuesday 03rd March 2026 11:53 EST
 
 

લંડનઃ ભારતના રાષ્ટ્રપતિભવનમાંથી પોતાના પૂર્વજની પ્રતિમા હટાવી દેવાની બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સના પ્રપૌત્ર મેટ રિડલીએ આકરી ટીકા કરી છે. ગયા સોમવારે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ એડવિન લુટિયન્સની પ્રતિમાના સ્થાને આઝાદ ભારતના પ્રથમ અને છેલ્લા ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

સાયન્સ રાઇટર એવા રિડલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે મારા પરદાદા લુટિયન્સની પ્રતિમા ભારતના રાષ્ટ્રપતિભવનમાંથી હટાવી લેવામાં આવી હોવાનું જાણીને ઘણુ દુઃખ થયું. ભારતના રાષ્ટ્રપતિભવનની ડિઝાઇન એડવિન લુટિયન્સે તૈયાર કરી હતી. મેં ગયા વર્ષે તેની મુલાકાત લીધી હતી. તે સમયે મને આશ્ચર્ય થયું હતું કે, પ્લિન્થ પરથી તેમનું નામ પણ હટાવી દેવાયું હતું.

રિડલીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાંથી હટાવી દેવાયેલી પ્રતિમા મને સોંપી દેવી જોઇએ. હું તેને મારા ઘરમાં રાખીશ. સંસ્થાનવાદી પ્રતિમાઓ હટાવવાની ભારતની ઇચ્છા હું સમજી શકું છું પરંતુ મારા પરદાદા વાઇસરોય નહીં પરંતુ આર્કિટેક્ટ હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter