ભોપાલ ગેસ કરૂણાંતિકાએ ક્લાઇમેટ ચેન્જ સામે લડવાની પ્રેરણા આપી – શર્મા

કાર્બન ક્લીનના અનિરુદ્ધ શર્માને કિંગ ચાર્લ્સે તેમના ટાસ્ક ફોર્સમાં સામેલ કર્યા, સીઓપી 27 ખાતે શર્માએ કિંગ ચાર્લ્સનો સંદેશો પહોંચાડ્યો

Wednesday 23rd November 2022 04:59 EST
 
 

લંડન

ઇજિપ્તના શર્મ એલ શેખ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય ક્લાઇમેટ કોન્ફરન્સમાં બ્રિટનના રાજવીનો સંદેશ લઇને ભારતના અનિરુદ્ધ શર્માને હાજર રહેવાની તક મળી હતી. કાર્બન ક્લીન કંપનીના સહસ્થાપક એવા 36 વર્ષીય શર્મા મૂળ ભારતના ભોપાલના વતની છે જ્યાં ગેસ લીક હોનારતે હજારો લોકોને મોતના મુખમાં ધકેલી દીધાં હતાં. શર્માનો ઉછેર બ્રિટન સાથે કોઇ અનુસંધાન વિના થયો હોવા છતાં તેમને ઇજિપ્તમાં આયોજિત સીઓપી 27 કોન્ફરન્સ પહેલાં બકિંગહામ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સ તૃતિય દ્વારા આમંત્રિત કરાયેલા બ્રિટન સ્થિત બિઝનેસ લીડર્સમાં સામેલ કરાયા હતા. શર્મા કિંગ ચાર્લ્સના પ્રાઇવેટ સેક્ટરને મદદરૂપ થતા કિંગ ચાર્લ્સના ટાસ્કફોર્સ એસએમઆઇનો હિસ્સો છે.

શર્માએ જણાવ્યું હતું કે, એસએમઆઇ સીઓપી ખાતે એવો સંદેશ લઇ જાય કે અમારી પાસે ક્લાઇમેટ ચેન્જના પડકારો ઝીલવા કેટલાક ઉકેલ છે તેમાં કિંગને ઘણો રસ હતો. કાર્બન ક્લીન બ્રિટનમાં ઘણી સફળ કંપની છે. આ વર્ષે તેણે 150 મિલિયન પાઉન્ડનું ભંડોળ એકઠું કર્યું હતું. લંડનમાં મુખ્ય મથક ધરાવતી આ કંપની સમગ્ર વિશ્વમાં 49 પ્લાન્ટ ધરાવે છે અને અત્યાર સુધીમાં 1.7 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ કરવામાં સફળ રહી છે.

કાર્બન ક્લીનને ભંડોળ આપનારી કંપનીઓમાં શેવરોન અને સાઉદી અરામ્કો જેવી મહાકાય કંપનીઓ પણ છે. કંપની દ્વારા વિકસાવાયેલી સીસીએસ ટેકનોલોજી સરકારો અને પ્રદૂષણ ફેલાવતી કંપનીમાં ઘણી સ્વીકૃત બની રહી છે કારણ કે તે પર્યાવરણને નુકસાન કરતા કાર્બન ડાયોક્સાઇડનો વાતાવરણમાં પહોંચે તે પહેલાં જ નિકાલ કરે છે.

શર્મા અને તેમના સહયોગી પ્રતીક બમ્બે 2009માં ખડગપુરમાં પોતાના અભ્યાસ દરમિયાન આ સ્ટાર્ટઅપની સ્થાપના કરી હતી. 2012માં તેઓ બ્રિટનમાં સ્થાયી થયાં હતાં. શર્મા કહે છે કે ભોપાલની ગેસ કરૂણાંતિકાએ અમને પર્યાવરણ માટેની આ કંપની સ્થાપવા પ્રોત્સાહિત કર્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter