મનીલોન્ડરિંગઃ £૧૮૦ મિલિયનના મૂલ્યની વિક્રમી ક્રિપ્ટો કરન્સીઝ જપ્ત

Wednesday 21st July 2021 04:58 EDT
 
 

લંડનઃ મેટ્રોપોલીટન પોલીસે ૧૦ જુલાઈ શનિવારે લંડનમાં આંતરરાષ્ટ્રીય મનીલોન્ડરિંગ સાથે સંકળાયેલી ૧૮૦ મિલિયન પાઉન્ડ (આશરે ૨૫૦ મિલિયન ડોલર)ના મૂલ્યની વિક્રમજનક ક્રિપ્ટો કરન્સી જપ્ત કરી છે. જોકે પોલીસે ચોક્કસ કઇ ક્રિપ્ટો કરન્સીઝ જપ્ત કરાઈ તેન જાહેર કર્યું નથી. અગાઉ, ૨૪ જૂને ૧૧૪ મિલિયન પાઉન્ડ (આશરે ૧૫૮ મિલિયન ડોલર) ક્રિપ્ટો કરન્સીઝ જપ્ત કરી હતી. આમ પોલીસે ત્રણ સપ્તાહના ગાળામાં કુલ ૨૯૪ મિલિયન પાઉન્ડ (આશરે ૪૦૮ મિલિયન ડોલર) ક્રિપ્ટો કરન્સીઝ જપ્ત કરી છે.

મેટ્રોપોલીટન પોલીસના ઇકોનોમિક ક્રાઇમ કમાન્ડ ડિવિઝન દ્વારા આંતરરાષ્ટ્રીય મની લોન્ડરિંગ તપાસના ભાગરુપે ક્રિપ્ટોને જપ્ત કરવામાં આવી હતી. અગાઉ, પોલીસે ૨૪મી જૂનની ક્રિપ્ટો કરન્સીઝ જપ્તી સંદર્ભે મની લોન્ડરિંગની શંકાના આધારે ૩૯ વર્ષીય મહિલાની ધરપકડ કરી હતી અને જામીન પર મુક્ત કરી હતી. આ નવી બાબતે પણ તેની પૂછપરછ કરવામાં આવી હતી.

ક્રિપ્ટો કરન્સીઝ બેન્ક દ્વારા જારી નહિ કરાયેલું ચલણ છે. અન્ય કરન્સીઝની માફક તેનો વેપાર અને રોકાણો થઈ શકે છે. તેના પર નિયંત્રણો નહિ હોવાથી તેનું માર્કેટ ઊંચું રહે છે. ક્રિપ્ટો કરન્સીઝના ઉપયોગથી કરાયેલા કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ નાણા મોકલનારા અને મેળવનારાઓની ઓળખ ખુલ્લી કરતા નથી. લોકડાઉન દરમિયાન તમામ ક્રિપ્ટો કરન્સીઝનું કૂલ મૂલ્ય ૧૭૫ બિલિયન પાઉન્ડથી વધીને ૧.૭૫ ટ્રિલિયન પાઉન્ડ પહોંચી ગયું હતું. યુકેના ફાઈનાન્સિયલ વોચડોગના જણાવ્યા અનુસાર દેશના હજારો લોકો આ ડિજિટલ કરન્સી ધરાવે છે.

યુકેમાં ક્રિપ્ટો કરન્સીઝની આ સૌથી મોટી જપ્તી છે અને વિશ્વમાં અનેક મોટી જપ્તીઓમાં એક છે. મેટના ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશનર ગ્રેહામ મેકનલ્ટીએ જણાવ્યું હતું કે ‘અપરાધની રકમોનું વિવિધ રીતે મનીલોન્ડરિંગ કરાય છે. રોકડનું વિશેષ મહત્ત્વ તો છે જ પરંતુ, હવે અપરાધીઓ ક્રિપ્ટો કરન્સીઝનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. આ શંકાસ્પદ મનીલોન્ડરિંગ તપાસની કામગીરી મહિનાઓ સુધી ચાલુ રહેશે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter