મહારાણી પંચમહાભૂતમાં વિલિન

'May flights of Angels sing thee to thy rest': Royal family

Wednesday 21st September 2022 05:32 EDT
 
 

લંડન

બ્રિટને તેના પ્રિય મહારાણી એલિઝાબેથ બીજાને 19 સપ્ટેમ્બરના સોમવારે અશ્રુભિની આંખે વિદાય આપી. સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક અંતિમવિધિનું સાક્ષી બન્યું. મહાત્મા ગાંધી પછી પહેલીવાર મહારાણીના ફ્યુનરલમાં આટલી મોટી સંખ્યામાં લોકો પોતાના પ્રિય નેતાને અંતિમ વિદાય આપવા ઉમટી પડ્યાં. વેસ્ટમિન્સ્ટર હોલથી વેસ્ટમિન્સ્ટર એબે સુધી અને ત્યાંથી વિન્ડસર સ્થિત સેન્ટ જ્યોર્જ ચેપલ સુધી આટલી શિસ્તબદ્ધ અને સંપુર્ણ રાજકીય અને લશ્કરી સન્માન સાથે કોઇ વૈશ્વિક નેતાને અંતિમ વિદાય અપાઇ નહીં હોય. મહારાણીની અંતિમ વિધિ બાદ રાજવી પરિવારે મહારાણી માટે અંતિમ સંદેશમાં જણાવ્યું હતું કે, દેવદૂતો તેમના અનંતકાલિન વિશ્રામ માટે ગીતો ગાશે.....

મહારાણી અનંતકાલિન વિશ્રામને સુપ્રત
8મી સપ્ટેમ્બર 2022ના રોજ સ્કોટલેન્ડના બાલમોરલ કેસલ ખાતે અંતિમ શ્વાસ લેનાર બ્રિટનના સૌથી લાંબો સમય રાજગાદીને શોભાયમાન કરનાર રાજવી ક્વીન એલિઝાબેથ બીજાને 19 સપ્ટેમ્બર 2022ના રોજ વેસ્ટમિન્સટર એબે ખાતે સંપુર્ણ રાજવી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. 3 દિવસ સુધી વેસ્ટમિન્સ્ટર હોલ ખાતે જાહેર જનતાના દર્શનાર્થે રખાયેલા મહારાણીના પાર્થિવ દેહને સ્ટેટ ગન કેરેજ પર વેસ્ટમિન્સ્ટર એબે ખાતે લઇ જવાયાં હતાં. તેમની આ અંતિમ યાત્રામાં કિંગ ચાર્લ્સ ત્રીજા સહિત તેમના ભાઇ-બહેન અને પુત્રો સહિત પરિવારના સભ્યો જોડાયાં હતાં. આ પ્રસંગે વેસ્ટ મિન્સ્ટર હોલથી વેસ્ટમિન્સ્ટર એબે સુધીના રૂટ પર સડકોની બંને તરફ પોતાની પ્રિય મહારાણીને અંતિમ વિદાય આપવા લાખો બ્રિટનવાસીઓ ઉમટી પડ્યાં હતાં. મહારાણીનો પાર્થિવ દેહ 10-45 કલાકે વેસ્ટમિન્સ્ટર એબે ખાતે આવેલા ચર્ચમાં પહોંચ્યો હતો. 11 કલાકે બિગ બેનમાં એક ટકોરાની સાથે ચર્ચમાં મહારાણીની અંતિમ વિધિનો પ્રારંભ કરાયો હતો. અંતિમ વિધિમાં કિંગ ચાર્લ્સ ત્રીજા સહિત રાજવી પરિવારના સભ્યો, 2000 જેટલા અન્ય દેશોના રાજવીઓ અને વૈશ્વિક નેતાઓ સામેલ થયાં હતાં.

ચર્ચમાં મહારાણીના પાર્થિવ દેહને ઓલ્ટરની નજીક મૂકવામાં આવ્યો હતો. કોફિન પર મહારાણીનો ક્રાઉન અને રાજદંડ મૂકાયાં હતાં. અંતિમ વિધિનું સંચાલન કરતાં આર્ચબિશપ ઓફ કેન્ટરબરીએ મહારાણીના જીવન પર પ્રકાશ ફેંકતા સંદેશો આપ્યો હતો. આર્ચબિશપના સંબોધન બાદ હાઉસહોલ્ડ કેવેલરીના ટ્રમ્પટર્સે સૂર રેલાવ્યાં ત્યારે વાતાવરણ ગમગીન બની ગયું હતું. ડીન ઓફ વેસ્ટમિન્સ્ટર દ્વારા આશીર્વચન ઉચ્ચારાયા બાદ રાષ્ટ્રગીતના ગાયન પછી સમગ્ર બ્રિટનમાં બે મિનિટનું મૌન પળાયું હતું.

ચર્ચ સર્વિસ બાદ મહારાણીના પાર્થિવ દેહને વિન્ડસર કેસલ લઇ જવાયો હતો. જ્યાં સેન્ટ જ્યોર્જ ચેપલમાં આવેલા કિંગ જ્યોર્જ છઠ્ઠા મેમોરિયલ ચેપલ ખાતે રાજવી પરિવાર માટે વિશેષ ફ્યુનરલ સર્વિસનું આયોજન કરાયું હતું જેમાં મહારાણી એલિઝાબેથ બીજાને ચેપલમાં જ આવેલા રોયલ વોલ્ટમાં તેમના પતિ પ્રિન્સ ફિલિપની બાજુમાં અને પિતા, માતા તથા બહેનની સાથે દફન કરાયાં હતાં. ક્વીન એલિઝાબેથ બીજા વિન્ડસર કેસલ ખાતે દફનાવવામાં આવેલાં 12મા બ્રિટિશ શાસક હતા. પિતા કિંગ જ્યોર્જ છઠ્ઠાના સિદ્ધાંત પ્રમાણે તેમણે પોતાના પરિવાર સાથે દફન થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી જે પૂરી કરાઇ હતી.

રાજવી પરિવાર હજુ એક સપ્તાહનો શોક પાળશે. બકિંગહામ પેલેસના જણાવ્યા અનુસાર કિંગ ચાર્લ્સની ઇચ્છા છે કે મહારાણીની અંતિમવિધિ બાદ રાજવી પરિવાર સાત દિવસ શોક પાળે. તેથી રાજવી પરિવારના તમામ સભ્યો, રોયલ હાઉસહોલ્ડ સ્ટાફ અને સેરેમોરિયલ ડ્યુટીઝ સાથે સંકળાયેલા દળો સંપુર્ણ શોક પાળશે.

કિંગ ચાર્લ્સ દ્વારા માતાને અશ્રુભરી વિદાય

સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતેના પ્રાઇવેટ ફ્યુનરલમાં માતાના પાર્થિવ દેહ નજીક બેઠેલા કિંગ ચાર્લ્સ ત્રીજા પોતાની લાગણીઓને નિયંત્રિત કરી શક્યા નહોતા અને તેમના ચહેરા પર આંસુની ધાર વહેતી જોઇ શકાતી હતી. પૌરાણિક ચર્ચ ખાતે જ્યારે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું ત્યારે કિંગ ચાર્લ્સ ગળગળા થઇ ગયા હતા. કિંગ ચાર્લ્સ માતા ક્વીન એલિઝાબેથ સાથે અત્યંત ગાઢ સંબંધ ધરાવતા હતા તેથી આ દિવસ તેમના માટે અત્યંત સંવેદનશીલ હતો. ક્વીનના નિધન બાદ બાલમોરલથી વિન્ડસર સુધીની અંતિમવિધિની તમામ પ્રક્રિયામાં રાજવી પરિવાર એકજૂથ દેખાયો હતો અને સમગ્ર પરિવારે અશ્રુભિની આંખે મહારાણીને અંતિમ વિદાય આપી હતી.

કિંગ ચાર્લ્સે હાથે લખેલી નોંધ કોફિન પર મૂકી

બ્રિટનના કિંગ ચાર્લ્સ ત્રીજાએ અંતિમ વિદાય પહેલાં તેમના માતા મહારાણી એલિઝાબેથ બીજાને પોતાના હાથથી લખેલી નોંધ તેમના કોફિન પર મૂકીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, "In loving and devoted memory, Charles R.". આ નોંધ કિંગ ચાર્લ્સના કહેવાથી કોફિન પર મૂકવામાં આવી હતી. તે ઉપરાંત તેમની વિનંતીને પગલે રાજવી નિવાસસ્થાનોના બગીચાઓમાંથી એકત્ર કરેલા મહારાણીની પસંદગીના પુષ્પોનો ગુચ્છ પણ કોફિન પર મૂકવામાં આવ્યો હતો.

કોફિન પાસે રોયલ ગાર્ડ બેભાન થઈને પડી ગયો

ક્વીન એલિઝાબેથ દ્વિતીયના કોફિનને 14 સપ્ટેમ્બર બુધવારની સાંજથી લોકોના દર્શનાર્થે લંડનના વેસ્ટમિન્સ્ટર હોલમાં રાખવામાં આવેલ છે ત્યાં પહેરા પર રહેલા એક રોયલ ગાર્ડના અચાનક જમીન પર પડી જવાની ઘટનાએ ભારે ચકચાર ફેલાવી છે. આ ઘટનાના કારણે ટેલિવિઝન બ્રોડકાસ્ટ બંધ કરી દેવાયું હતું. સોમવાર 19 સપ્ટેમ્બરે ફ્યુનરલ થાય તે પહેલા સવાર સુધી લોકો તેમનું દર્શન કરી શકશે.
ક્વીન એલિઝાબેથ દ્વિતીયના કોફિનને લંડનમાં રાખવામાં આવેલ છે અને લોકોએ તેમના દર્શન કરવા લાંબી કતારો લગાવી હતી. 14 સપ્ટેમ્બરની મોડી રાત્રે આશરે એક વાગ્યાના સુમારે ત્યાં પ્લેટફોર્મ પર તહેનાત રોયલ ગાર્ડ્સમાંથી એક ગાર્ડ જમીન પર પડી ગયો હતો. બીબીસી પર લાઈંગ-ઈન-સ્ટેટનું જીવંત પ્રસારણ કરાઈ રહ્યું હતું ત્યારે તેના ફૂટેજમાં આ ઘટના જોવા મળી છે. કાળા વસ્ત્રોમાં સજ્જ રોયલ ગાર્ડ બેભાન થઈને પડ્યો ત્યારે તેના હાથમાં સેરેમોનિયલ સ્ટાફ-દંડ હતો. નજીકના અધિકારીઓ તત્કાળ તેની મદદે દોડી ગયા હતા અને આ રુમનું જીવંત ટેલિ પ્રસારણ બંધ કરી બહારના દૃશ્યો દેખાડાયા હતા. એક કલાક પછી પણ હોલનું અંદરનું પ્રસારણ ચાલુ કરાયું ન હતું. જોકે, આ ફૂટેજ સોશિયલ મીડિયા પર ફરી વળ્યું હતું.
ક્વીન એલિઝાબેથ દ્વિતીયના કોફિનને દર્શનાર્થે રખાયું છે ત્યાં સેરેમોનિયલ યુનિફોર્મમાં સૌનિકો 24 કલાક નજર રાખી રહ્યા છે. આ સ્થળે સોવરિનના બોડીગાર્ડ્સ, ધ હાઉસહોલ્ડ ડિવિઝન અથવા યેઓમીન વોર્ડ્સ ઓફ ધ ટાવર ઓફ લંડન યુનિટ્સના ગાર્ડ્સે શબપેટીના ચાર ખૂણે સતત સીધા ઉભા રહેવાનું હોય છે. દર 20 મિનિટે ગાર્ડ બદલાય છે પરંતુ, છ કલાકની તેમની ડ્યૂટી રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter