માલ્યાએ ફરી નાકલીટી તાણીઃ નાણાં ચૂકવવા તૈયારી દર્શાવી

Wednesday 01st May 2019 02:33 EDT
 
 

લંડનઃ ભાગેડુ લિકરકિંગ અને કિંગફિશર એરલાઇન્સના પૂર્વ વડા વિજય માલ્યાએ ફરી એકવાર બેન્કોના નાણાં ચૂકવી આપવાની તૈયારી દર્શાવી છે. સોમવાર, ૨૯ એપ્રિલે સોશિયલ મીડિયા પર જેટ એરવેઝ ઠપ થઈ જવા અંગે દુઃખ રજૂ કરતાં તેમણે ફરી લોન ચૂકવવાનો પુનરુચ્ચાર કર્યો હતો. વિજય માલ્યા હાલમાં ભારતીય બેન્કો સાથે રુપિયા ૯૦૦૦ કરોડની છેતરપિંડી અને મની લોન્ડરિંગ જેવા કેસમાં ભાગેડુ છે. તેમના પ્રત્યાર્પણ આદેશ વિરુદ્ધ અપીલ માટે બીજી જુલાઈએ હાઈ કોર્ટમાં ટુંકી સુનાવણી થવાની છે.

હાલ જામીન પર રહેલા માલ્યાએ કહ્યું કે કિંગફિશર એરલાઇન્સ ડૂબી જવી એ એક વ્યવસાયિક નિષ્ફળતા હતી પરંતુ, સીબીઆઇ અને ઇડીએ તેમના પર વિવિધ આક્ષેપ કરી તેમને મુશ્કેલીમાં મૂકી દીધા છે. તેઓ ૧૦૦ ટકા નાણાં પરત કરવા તૈયાર હોવા છતાં તેમની સાથે આવો વ્યવહાર થઈ રહ્યો છે.

ભારત દ્વારા વિજય માલ્યાના પ્રત્યાર્પણની કરાયેલી માગણીને બ્રિટિશ હોમ સેક્રેટરી સાજિદ જાવિદે ફેબ્રુઆરીમાં સ્વીકૃતિનો આદેશ આપ્યો છે પરંતુ, માલ્યાએ આ આદેશને કોર્ટમાં પડકાર્યો છે. માલ્યાને હાઈ કોર્ટે ટુંકી સનાવણી માટે બીજી જુલાઈની તારીખ આપી છે. આ સુનાવણીમાં તેમણે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટના ગત ડિસેમ્બરના ભારતમાં પ્રત્યાર્પણની તરફેણમાં ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા આર્બુથ્નોટના ચુકાદા સામે સંપૂર્ણ અપીલ કરવાની પરવાનગી શા માટે અપાવી જોઈએ તે હાઈ કોર્ટના ગળે ઉતારવાનું રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter