લંડનઃ મોરકેમ્બેએ અશવિર સિંહ જોહલને નવા મેનેજર તરીકે નિયુક્ત કર્યાં છે. આમ જોહલ પ્રોફેશનલ બ્રિટિશ ક્લબના સૌપ્રથમ શીખ મેનેજર બન્યાં છે. તે ઉપરાંત ઇંગ્લિશ ફૂટબોલના ટોચના પાંચ ટાયરમાં તેઓ સૌથી યુવા મેનેજર બન્યાં છે.
પંજાબ વોરિયર્સે નેશનલ લીગ સાઇડનું ટેકઓવર કર્યાના 48 કલાક બાદ 30 વર્ષીય જોહલની નિયુક્તિની જાહેરાત કરાઇ હતી. મોરકેમ્બે લીગ કોમ્પિટિશનમાંથી બહાર કરાઇ તેના થોડા દિવસમાં જ આ નિયુક્તિ કરાઇ છે. જોહલે જણાવ્યું હતું કે, આવી સ્થિતિનું ફરી નિર્માણ ન થાય તે સુનિશ્ચિત કરવામાં મહત્વની ભુમિકા ભજવવાની મને આશા છે.
જોહલે જણાવ્યું હતું કે, મોરકેમ્બે ફૂટબોલ ક્લબના મેનેજર તરીકે નિયુક્ત થયાનું મને ગૌરવ છે. હું પ્રશંસકોને મળવા અત્યંત ઉત્સુક છું. હું તેમને એક એવી ટીમ આપવા માગુ છું જે તેમનું અને શહેરનું પ્રતિનિધિત્વ કરે.