યુકેની એકપણ સરકારનું નેતૃત્વ શ્વેતના હાથમાં ન રહ્યું, વેલ્સમાં વોઘન ગેથિંગ ફર્સ્ટ મિનિસ્ટર

વેલ્સમાં પ્રથમ અશ્વેત ફર્સ્ટ મિનિસ્ટર ચૂંટાયા

Tuesday 26th March 2024 10:31 EDT
 
 

લંડનઃ વોઘન ગેથિંગ બુધવાર 20 માર્ચના રોજ વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટરપદે ચૂંટાઇ આવ્યા છે. તેઓ યુકેમાં સરકારના પ્રથમ અશ્વેત નેતા બન્યાં છે. વેલ્સની સત્તાધારી લેબર પાર્ટીના નેતાપદે ચૂંટાઇ આવ્યાના ચાર દિવસ બાદ કાર્ડિફમાં વેલ્શ સરકારના સભ્યો દ્વારા સરકારના વડાપદે ગેથિંગને ચૂંટી કઢાયા હતા.

વેલ્શ પિતા અને ઝામ્બિયન માતાના સંતાન એવા ગેથિંગે જણાવ્યું હતું કે, યુરોપમાં વેલ્સ પહેલો દેશ છે જ્યાં સરકારનું નેતૃત્વ એક અશ્વેત વ્યક્તિ કરી રહી છે. આધુનિક વેલ્સ માટે આ ગૌરવની ક્ષણ છે પરંતુ મારા પર ગંભીર જવાબદારી પણ આવી પડી છે. હું મારી જવાબદારીઓને હળવાશથી લેતો નથી. હું આપણને એકજૂથ કરનારી તમામ બાબતોમાં ગૌરવ અનુભવુ છું.

નોર્ધન આયર્લેન્ડમાં સરકારનું નેતૃત્વ મિચિલી ઓનિલ અને એમ્મા લિટન પેનજેલી સંયુક્ત રીતે કરી રહ્યાં છે. તેનો અર્થ એ થયો કે હાલ યુકેમાં એકપણ સરકારનું નેતૃત્વ શ્વેત વ્યક્તિના હાથમાં નથી. સ્કોટલેન્ડમાં એશિયન મૂળના યુસુફ હમઝા ફર્સ્ટ મિનિસ્ટર છે તો બ્રિટનમાં રિશી સુનાક વડાપ્રધાનપદ સંભાળી રહ્યાં છે.

આયર્લેન્ડના વડાપ્રધાન વરાડકરનું ચૂંટણી પહેલાં રાજીનામુ

લંડનઃ આયર્લેન્ડના વડાપ્રધાન લિઓ વરાડકર આગામી સંસદની ચૂંટણી પહેલાં વડાપ્રધાનપદેથી રાજીનામુ આપી દેશે. કેબિનેટ મિટિંગ બાદ મીડિયાને સંબોધન કરતાં વરાડકરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન તરીકેનો મારો કાર્યકાળ મારા જીવનનો સૌથી સંતોષજનક સમય રહ્યો છે. રાજીનામુ આપવાનો નિર્ણય અંગત અને રાજકીય છે. હું માનુ છું કે આ સરકાર પુનઃચૂંટાઇ આવશે અને મારી પાર્ટી સંસદની આગામી ચૂંટણીમાં વધુ બેઠકો પ્રાપ્ત કરશે. આ સરકારની પુનઃચૂંટણી દેશના ભવિષ્ય માટે જરૂરી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter