યુકેમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦૭ ટકા વધી એક લાખને પાર

Wednesday 12th February 2020 03:25 EST
 
 

લંડનઃ અભ્યાસ માટે બ્રિટન જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વર્તમાન સત્રમાં એક લાખને પાર પહોંચી ગઇ છે. બ્રિટનની મુખ્ય ૧૨૦ શૈક્ષણિક સંસ્થાઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા આશરે ૧૦૭ ટકા વધી છે.

યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઇંગ્લેન્ડ (UWE)માં ઇન્ટરનેશનલ ડાયરેક્ટર (એશિયા-પેસિફિક) પ્રોફેસર રે પ્રીસ્ટના જણાવ્યા મુજબ ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં હજુ વધારો થવાની આશા છે. મુખ્ય ૧૨૦ બ્રિટિશ શૈક્ષણિક સંસ્થાઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. તેમાં ૩૦ હજાર વિદ્યાર્થી તો UWE બ્રિસ્ટોલમાં છે. વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી ૫૦૦થી વધુ કોર્સ ઓફર કરી રહેલી યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઇંગ્લેન્ડ ભારતમાં આ વર્ષે પોતાની કાયમી ઓફિસ પણ ખોલી રહી છે.

બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓ ચીનની સરખામણીએ ત્રણ ગણા અને ગ્લોબલ ટ્રેન્ડ કરતા ચાર ગણા વધુ છે. બ્રિટનની સરકારે સપ્ટેમ્બર ૨૦૧૯માં ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે અભ્યાસ બાદ બે વર્ષનો વર્ક વિઝા આપવા સહિત ઘણી સુવિધાઓની જાહેરાત કરી હતી. તેનાથી વિદ્યાર્થીઓને બ્રિટનમાં સફળ કારકીર્દિ બનાવવામાં મદદ મળશે.

બ્રિટનમાં અભ્યાસાર્થે જતા ભારતીય વિદ્યાર્થીઓએ બ્રિટનમાં આશરે ૧૨૦ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવ્યો છે. તેમની સૌથી વધુ પસંદગીના વિષય બિઝનેસ મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ, સોશિયલ લાઇફ, નર્સિંગ અને હેલ્થ છે. બીજી તરફ, સ્ટડીપોર્ટલ મુજબ વિદેશી યુનિવર્સિટીઓ ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપતી હોવાથી ભારતીય જોબ માર્કેટમાં પણ બેચલર કે માસ્ટર ડિગ્રી ધરાવતા સ્થાનિક વિદ્યાર્થીઓની સરખામણીએ વિદેશી ડિગ્રી સાથેના વિદ્યાર્થીઓને વધુ મહત્ત્વ અપાય છે.

વિશ્વભરમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦ લાખથી વધુ છે જેમાં યુએસએ (૪૦૦,૦૦૦), યુકે (૧૦૦,૦૦૦), કેનેડા (૩૭,૦૦૦), ઓસ્ટ્રેલિયા (૨૭,૦૦૦), ન્યૂ ઝીલેન્ડ (૨૧,૦૦૦) અને જર્મની યુએસએ (૧૧,૦૦૦) મુખ્ય છે. આ સિવાય ભારતીય વિદ્યાર્થીઓ ચીન, રશિયા, યુક્રેન અને ફિલિપાઈન્સ જેવા દેશોમાં પણ અભ્યાસ કરવા જાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter