યુકે-ભારત વચ્ચે £૯૦૦ મિલિયનનો સોદો

Wednesday 08th September 2021 04:57 EDT
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે મુક્ત વેપારસંધિનો પાયો મૂકતા ભારત સાથે ૯૦૦ મિલિયન પાઉન્ડના સોદાની જાહેરાત કરી છે. ભારત અને બ્રિટન વચ્ચે બીજી સપ્ટેમ્બર, ગુરુવારે હાથ ધરાયેલા ૧૧મા આર્થિક અને નાણાકીય સંવાદ કાર્યક્રમ દરમિયાન બ્રિટિશ સરકારે ભારતના ગ્રીન એન્ડ રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટમાં ૧.૨ બિલિયન ડોલરના જાહેર અને ખાનગી રોકાણની જાહેરાત કરી હતી. બ્રિટન નવેમ્બર મહિનામાં COP26 ક્લાઇમેટ કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે તે પહેલાં જ ભારતમાં રોકાણ સંબંધે બ્રિટનની જાહેરાતને પગલે ભારતના ગ્રીન ગ્રોથને વેગ મળશે.

બ્રિટને ભારતમાં ગ્રીન પ્રોજેક્ટ્સ ક્ષેત્રે જે પેકેજના રોકાણની જાહેરાત કરી છે તેમાં બ્રિટનની વિકાસ નાણાકીય સંસ્થા દ્વારા થનારા ૧ અબજ ડોલરના થનારા રોકાણનો પણ સમાવેશ થાય છે. ઇનોવેટિવ ગ્રીન ટેક સોલ્યુશન પુરા પાડી શકે તેવી કંપનીઓને ટેકો આપવા બ્રિટનના વિકાસ સંસ્થા ઉપરાંત બંને દેશોની સરકારો પણ રોકાણ કરશે. આ ઈન્વેસ્ટમેન્ટ ભારતના ૨૦૩૦ સુધીમાં ૪૫૦ GW રીન્યુએબલ એનર્જીના લક્ષ્યને સપોર્ટ કરશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સોદાથી યુકેમાં ભારત દ્વારા નવું ૫૫૩ મિલિયનનું રોકાણ આવશે.

ચાન્સેલર સુનાક અને ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને વીડિયો કોલ દરમિયાન બે દેશોના સંબંધો મજબૂત બનાવવાની ચર્ચા સાથે  બંને દેશો માટે સર્વિસ સેક્ટર વિશેષ મહત્ત્વ ધરાવે છે. યુકે અને ભારતના જીડીપીમાં સર્વિસ સેક્ટરનું અનુક્રમે ૭૧ ટકા અને ૫૪ ટકાનું યોગદાન છે.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષની શરૂઆતમાં બંને દેશો માટે મહત્ત્વના ક્ષેત્રોમાં સહકાર વધારવા યુકે-ઈન્ડિયા ૨૦૨૦ રોડમેપ લોન્ચ કર્યા પછી આ પેકેજની જાહેરાત કરાઈ છે. આ રોડમેપના ભાગરુપે બંને વડા પ્રધાનો આ વર્ષના અંત સુધીમાં વચગાળાની વેપારસંધિ પર હસ્તાક્ષર કરવા ધારે છે. બે કોમનવેલ્થ દેશ વચ્ચે વાર્ષિક ૧૮ બિલિયન પાઉન્ડથી વધુનો વેપાર થાય છે અને બંને અર્થતંત્રોમાં લગભગ પાંચ લાખ નોકરીઓને સપોર્ટ કરે છે. નવી વેપારસંધિ વધારાની ૬,૫૦૦ બ્રિટિશ નોકરીઓ ઉભી કરશે.

યુકેએ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળ્યા પછી કુલ ૬૭ વેપારસંધિઓ કરી છે. યુકે જ્યારે સિંગલ માર્કેટમાં હતું ત્યારે ટ્રેડ સેક્રેટરી લિઝ ટ્રસ દ્વારા ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા ગાઢ સાથીઓ સાથે કરારો થયા છે. આગામી સપ્તાહોમાં ન્યૂ ઝીલેન્ડ સાથે પણ નવો વેપાર કરાર થવાની સંભાવના છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter