લંડનઃ રેન્ટર્સ રાઇટ્સ બિલે હાઉસ ઓફ કોમન્સમાં પ્રથમ અવરોધ પાર કરી લીધો છે અને હવે 4 ફેબ્રુઆરીના રોજ ખરડાનું સેકન્ડ રીડિંગ હાથ ધરાશે. આ ખરડો ભાડૂઆતો માટે રેન્ટેડ સેક્ટરમાં સુધારા લાવશે.
સરકાર દ્વારા રજૂ કરાયેલા ખરડા અનુસાર નો ફોલ્ટ ઇવિક્શન પર પ્રતિબંધ મૂકાશે. જોકે ભાડૂઆતને એક વર્ષ થાય ત્યાર પછી ચાર મહિનાની નોટિસ આપીને મકાન માલિક મકાન ખાલી કરાવી શકશે. મકાન માલિક વર્ષમાં એક જ વાર ભાડામાં વધારો કરી શકશે. લેટિંગ એજન્ટ અને મકાન માલિકે તેમની પ્રોપર્ટી માટેના ભાડાની જાહેરાત કરવી પડશે અને તેનાથી વધુ ભાડાની ઓફર સ્વીકારી શકશે નહીં.
ખરડા અનુસાર ભાડૂઆત પોતાની સાથે પોતાના પાલતુ પ્રાણીને રાખવાની વિનંતી કરી શકશે. મકાન માલિકો પાલતુ પ્રાણી રાખવા પર સંપુર્ણ પ્રતિબંધ લાદી શકશે નહીં. પ્રોપર્ટી માટે ડિસન્ટ હોમ સ્ટાન્ડર્ડ લાગુ કરાશે જે અંતર્ગત મકાન માલિકે પ્રોપર્ટીમાં રહેલી ખામીઓ નિશ્ચિત સમયમર્યાદામાં દૂર કરવાની રહેશે. તેમ નહીં કરવા પર ભાડૂઆત મકાન માલિક સામે કાયદાકીય પગલાં લઇ શકશે.
તે ઉપરાંત બેનિફિટ્સ મેળવતા અથવા બાળકો ધરાવતા ભાડૂઆતો પરનો પ્રતિબંધ ગેરકાયદેસર ઠરાવાશે. આ બદલાવો સૌથી પહેલાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં લાગુ કરાશે અને ત્યારબાદ તેનું વિસ્તરણ સ્કોટલેન્ડમાં પણ કરાશે.
રાઇટ ટુ બાય સ્કીમ પર લગામ કસવા સરકારના પ્રસ્તાવ
સરકારે રાઇટ ટુ બાય સ્કીમ પર તરાપ મારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેના પગલે લગભગ પાંચ લાખ ભાડૂઆત તેમના કાઉન્સિલ હોમ ખરીદવા માટે ગેરલાયક ઠરી જશે. પ્રસ્તાવ અનુસાર કાઉન્સિલ હોમમાં 10 કરતાં વધુ વર્ષથી વસવાટ કરતા હોય તેવા ભાડૂઆત જ તેની ખરીદી કરવા લાયક ગણાશે. આ અંગેનો ખરડો સરકાર લાવી રહી છે.
રિઝોલ્યૂશન ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર સરકારના આ પ્રસ્તાવ રાઇટ ટુ બાય સ્કીમની ધાર બુઠ્ઠી બનાવી દેશે. જોકે રિપોર્ટ એમ પણ કહે છે કે ભાડૂઆતો દ્વારા કાઉન્સિલ હોમની ખરીદીમાં પણ ઘટાડો થયો છે. 2022-23માં ફક્ત 11,000 કાઉન્સિલ હોમ ખરીદાયાં હતાં. સરકારે નવા નિર્માણ કરાયેલા મકાનોને પણ આ સ્કીમમાંથી બાકાત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.