રેસ્ટોરાં અને પબ્સ બિઝનેસમાં તેજીઃ હવે માત્ર ૮ ટકા વર્કર્સ ફર્લો પર

Wednesday 02nd June 2021 02:06 EDT
 
 

લંડનઃ યુકેમાં રેસ્ટોરાં અને પબ્સ બિઝનેસમાં તેજી આવી છે તેમજ કોરોના મહામારી અગાઉ લોકો બહાર ખોરાક લેતા હતા તેની સરખામણીએ વધુ પ્રમાણમાં બહાર ભોજન લે છે. ONSના આંકડા અનુસાર ૨૦૧૯ના મે મહિનાની સરખામણીએ ઈટરીઝ ૧૩૨ ટકા વધુ કાર્યરત છે. બીજી તરફ, યુકેની ફર્મ્સમાં ફર્લો ક્લેઈમ કરનારા વર્કર્સની સંખ્યા ઘટીને ૮ ટકા થવાં છતાં, ૨.૨ મિલિયન વર્કર્સ હજુ ફર્લો પર છે.

લાંબા સમયથી લોકડાઉનથી કંટાળેલા બ્રિટિશરોની સામાજિક મેળમિલાપની ભૂખ એટલી વધી છે કે લોકો બહાર આનંદ માણતા અને રેસ્ટોરાં-પબ્સમાં વધુ જતા થયા છે. રેસ્ટોરાંને ઈનડોર ટેબલ પર પીરસવાની ૧૭ મેએ છૂટછાટ અપાઈ ત્યારથી ૨૪ મે સુધીના સપ્તાહમાં ગ્રાહકોની સંખ્યામાં ૧૩૨ ટકાનો વધારો નોંધાયો હતો. માત્ર આઉટડોરની વ્યવસ્થા હતી તે સપ્તાહની સરખામણીએ ગ્રાહકોની સંખ્યામાં ૫૯ ટકાનો વધારો થયો હતો. અગાઉ ઓગસ્ટ મહિનામાં ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ સ્કીમ દરમિયાન પણ બહાર ખાનારા લોકોની સંખ્યામાં ઉછાળો આવ્યો હતો.

દરમિયાન, યુકેની ફર્મ્સમાં ફર્લો ક્લેઈમ કરનારા વર્કર્સની સંખ્યા ૨૪ મે સુધીના સપ્તાહમાં ઘટીને ૮ ટકા - ૨.૨ મિલિયન થઈ છે જે આ વર્ષમાં સૌથી નીચો દર છે અને અગાઉના સપ્તાહ કરતાં બે ટકા ઓછો છે. લોકડાઉનના નિયંત્રણો ઉઠાવવાના ત્રીજા તબક્કાથી અર્થતંત્રની સફળતા સાથે રોડમેપ મુજબ ૨૧ જૂને તમામ નિયંત્રણો ઉઠાવી લેવાની દલીલોને પૂરતું બળ સાંપડ્યું છે.

ટેક્સી ફર્મ એડિસન લી દ્વારા લંડનના ૧૪૨ બિઝનેસીસના સર્વેમાં જણાયું છે કે લગભગ ૭૪ ટકા બિઝનેસીસ તેમનો સ્ટાફ કોઈ રીતે સપ્ટેમ્બર સુધીમાં ઓફિસીસમાં પરત આવે તેમ વિચારી રહ્યા છે. આમાંથી પણ અડધોઅડધ સ્ટાફ જૂન મહિનાના અંત સુધીમાં પરત આવે તેવી શક્યતા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter