રોયલ મિન્ટે પાંચ કિલો વજનનો £૫૦૦૦નો બહુમૂલ્ય સિક્કો બનાવ્યો

સોનાનો ડિનર પ્લેટની સાઈઝનો વિક્રમજનક વિશાળ સિક્કોઃ બે કિલો વજનના સોનાના માત્ર ચાર નાના કોઈન ઉપરાંત,બે ઔંસ ચાંદીના નાના અને સસ્તાં ૨૯૮૦ કોઈન્સ પણ તૈયાર કરાશે

Tuesday 26th November 2019 08:32 EST
 
 

લંડનઃ બ્રિટિશ રોયલ મિન્ટ દ્વારા ૫૦૦૦ પાઉન્ડના મૂલ્યનો સોનાનો ડિનર પ્લેટની સાઈઝનો વિક્રમજનક વિશાળ સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. જોકે, પાંચ કિલો વજનનો માત્ર એક જ સિક્કો તૈયાર કરાયો હતો અને તેનું વેચાણ અનામી વ્યક્તિને જાહેર નહિ કરાયેલી કિંમતે કરી દેવાયું હતું. રોયલ મિન્ટે નવજાત શિશુના વજન કરતા પણ લગભગ બમણા વજનના સિક્કાનું પ્રથમ વખત ઉત્પાદન કર્યું છે. આ સિક્કાએ વિશ્વના કળાસંગ્રાહકોમાં ઉત્સાહ અને રોમાંચ ઉભો કર્યો છે.

રોયલ મિન્ટ દ્વારા બ્રિટિશ સિક્કાઓ પર કામ કરનારા કળાકારોના બહુમાન માટે નવી ‘Great Engravers’ શ્રેણીમાં ૫૦૦૦ પાઉન્ડના મૂલ્ય અને ૫૦૧૦ ગ્રામ વજન અને ૧૭૫ મિમિ. ડાયામીટરના એકમાત્ર કોઈનનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જોકે, તેનું તત્કાલ વેચાણ થઈ ગયું હતું અને તેની વેચાણકિંમત જાહેર કરાઈ નથી. આ શ્રેણીમાં બે કિલો વજનના સોનાના માત્ર ચાર નાના સિક્કા પણ તૈયાર કરાયા છે. આ એક સિક્કાની કિંમત ૧૧૯,૯૫૦ પાઉન્ડ રખાઈ છે. આ શ્રેણીના ભાગરુપે બે ઔંસ ચાંદીના નાના અને સસ્તાં ૨૯૮૦ કોઈન્સ પણ તૈયાર કરાશે, જેની કિંમત ૧૮૦ પાઉન્ડ રહેશે.

નવી ‘Great Engravers’ શ્રેણીનો આરંભ રોયલ એકેડેમિશિયન વિલિયમ વ્યોનની ‘Una And The Lion’ ડિઝાઈન સાથે કરાયો છે. ક્વીન વિક્ટોરિયાના કોઈન અને મેડલ પોર્ટ્રેટ્સ માટે પ્રસિદ્ધ વ્યોન ૧૮૨૮થી ૧૮૫૧ના ગાળામાં મિન્ટના મુખ્ય એન્ગ્રેવર હતા. તેમની ઉના એન્ડ ધ લાયન ડિઝાઈનને વિશ્વના સંગ્રાહકો સૌથી સુંદર સિક્કાઓમાં એક ગણાવે છે.

પાંચ કિલો વજનનો એકમાત્ર સિક્કો તૈયાર કરવામાં પરંપરાગત નકશીકામ પદ્ધતિ અને આધુનિક લેસર ટેક્નિક્સનો ઉપયોગ કરાયો છે. ચીફ એન્ગ્રેવર ગોર્ડન સમર્સની દેખરેખ હેઠળ ૨૦૦ વર્ષ અગાઉ ઉપયોગમાં લેવાયેલી મૂળ ડાઈનું ડિજિટલ સ્કેનિંગ કરાયું હતું. લેસર ટેકનિક વડે તેને સુક્ષ્મ ઢાળ આપી સર્વોચ્ચ માપદંડ જાળવી ફિનિશિંગ માટે હાથ વડે પોલીશિંગ કરવામાં આવ્યું છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter