લંડનઃ રોયલ મેઇલની લેટર ડિલિવરી સમસ્યાઓ અંગેના સવાલોના જવાબ આપવા રોયલ મેઇલના એક્ઝિક્યુટિવોને સંસદમાં બોલાવવામાં આવશે. હાઉસ ઓફ કોમન્સની બિઝનેસ એન્ડ ટ્રેડ કમિટીએ રોયલ મેઇલને તેના પર મૂકાયેલા આરોપોનો જવાબ આપવા બે સપ્તાહનો સમય અપાયો છે. રોયલ મેઇલ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તે લેટર્સના સ્થાને પાર્સલની ડિલિવરીને પ્રાથમિકતા આપી રહી છે જેથી મહત્વના લેટર્સની ડિલિવરીમાં વિલંબ થાય છે. કમિટીના ચેરમેન લિયામ બાયર્નનું માનવું છે કે રોયલ મેઇલની સેવાઓ અત્યંત નબળી છે તેથી તેના ઉચ્ચ અધિકારીઓએ સાંસદોના સવાલના જવાબ આપવા જોઇએ. બીજીતરફ રોયલ મેઇલે જણાવ્યું હતું કે, કમિટી સમક્ષ હાજર થઇને અમે કંપનીમાં કરાઇ રહેલા સુધારા પર ચર્ચા કરી શકીશું.


