લેસ્ટરઃ આવશ્યક કારણ વિના પેશન્ટના ગુપ્તાંગની તપાસ કરનારા લેસ્ટરના ડોક્ટર ભાવિન દોશી વિરુદ્ધ ટ્રિબ્યુનલમાં સુનાવણીનો આરંભ થયો છે. ડોક્ટર સામે આક્ષેપ લગાવાયો છે કે પેશન્ટની તપાસ સેક્સ્યુઅલ ઈરાદા પર આધારિત હતી. હવે સુનાવણી 1 જુલાઈ સુધી ચાલતી રહેશે.
લેસ્ટરમાં વધારાના કલાકોમાં કન્સલ્ટેશન હાથ ધરનારા ડોક્ટર ભાવિન દોશીએ જૂન 20, 2019ના દિવસે પેશન્ટ Aની તપાસ હાથ ધરી હતી જે મહિલાની ફર્ટિલિટી સંબંધિત ન હતી. પરંતુ, પેશન્ટની સંમતિથી ડોક્ટરે યોનિપ્રદેશની તપાસ કરી હતી જેથી ફેલોપિયન ટ્યૂબ્સ બંધ છે કે કેમ તેની જાણ થઈ શકે. તેઓ જાણતા હતા કે માત્ર યોનિપ્રદેશની તપાસથી ફર્ટિલિટીની સંભવિત સમસ્યાનું નિદાન થઈ શકે નહિ છતાં તેમણે પાછળથી પેશન્ટને જણાવ્યું હતું કે તેને બાળક થવાની ક્ષમતા બાબતે કોઈ સમસ્યા હોવાનું તપાસમાં જણાયું નથી.
મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસ (MPTS) દ્વારા જણાવાયું છે કોઈ પણ કિસ્સામાં મહિલાની ફર્ટિલિટીની બાબત કન્સલ્ટેશનના દાયરામાં આવતી નથી અને પેશન્ટAની સમસ્યા સાથે તેને કોઈ જ સંબંધ ન હતો. ડોક્ટર ભાવિન દોશી મહિલાની ફર્ટિલિટી બાબતે તેના પોતાના GPને રીફર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ડોક્ટર દોશીએ આ તપાસની નોંધ પણ કરી ન હતી અને તેમની વર્તણૂક સેક્સ્યુઅલ ઈરાદા આધારિત અને અપ્રામાણિક હતી તેમ MPTSએ જણાવ્યું હતું.