લંડનઃ ભિવાનીની ધરતીથી બ્રિટિશ સંસદ સુધીની લોર્ડ સ્વરાજ પોલની જીવનયાત્રા સંઘર્ષ, મહેનત અને સંવેદનશીલતાનો અરીસો બની રહી હતી. તેમણે ન કેવળ એક ઔદ્યોગિક સામ્રાજ્ય ઉભું કર્યું પરંતુ સાથે સાથે માદરે વતનના ચાંગ, ચરખી દાદરી ગામો સાથેના પોતાના જોડાણને જીવંત રાખ્યું હતું.
18 ફેબ્રુઆરી 1931ના રોજ જલંધરના એક સામાન્ય પરિવારમાં જન્મેલા લોર્ડ સ્વરાજ પોલના પિતા પ્યારે લાલ એક નાનકડી ફાઉન્ડ્રી ચલાવતા હતા. પિતા પાસેથી તેમણે પ્રમાણિકતા અને આકરી મહેનતના પાઠ ભણ્યાં હતાં. ફોરમેન ક્રિશ્ચિયન કોલેજ અને દોઆબા કોલેજમાં અભ્યાસ બાદ લોર્ડ પોલે અમેરિકાની પ્રતિષ્ઠિત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કર્યો હતો.
1966માં પુત્રી અંબિકાનું કેન્સરના કારણે અકાળ અવસાન થયું પરંતુ લોર્ડ પોલે આ આઘાતથી ભાંગી પડવાને બદલે દ્રઢ સંકલ્પ સાથે આગળ વધવાનો નિર્ણય લીધો. 1968માં તેમણે લંડનમાં કેપારો ગ્રુપની સ્થાપના કરી જે પાછળથી વૈશ્વિક ઔદ્યોગિક ગ્રુપ બન્યું. પુત્રી અંબિકાની સ્મૃતિમાં તેમણે અંબિકા પોલ ફાઉન્ડેશનનો પ્રારંભ કર્યો હતો. આ સંસ્થાએ શિક્ષણ અને આરોગ્ય માટે, વિશ્વભરમાં બાળકો અને યુવાઓના કલ્યાણ માટે લાખો ડોલરનું દાન આપ્યું છે. લંડન પ્રાણી સંગ્રહાલયમાં અંબિકા પોલ ચિલ્ડ્રન્સ ઝૂ તેનું ઉદાહરણ છે. 2015માં પુત્ર અંગદ પોલના નિધને તેમને ફરી હચમચાવી દીધાં પરંતુ દુઃખને સામાજિક સેવામાં પરિવર્તિત કરતાં રહ્યાં હતાં
લોર્ડ સ્વરાજ પોલ સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટમાં સતત સ્થાન પામતા રહ્યાં છે. આ વર્ષે તેમની સંપત્તિ બે બિલિયન પાઉન્ડ આંકવામાં આવી હતી. આ યાદીમાં તેઓ 81મા સ્થાને રહ્યાં હતાં.
લોર્ડ સ્વરાજ પોલ ફક્ત ઉદ્યોગપતિ જ નહીં પરંતુ માનવતાનું પ્રતીક હતા. 1978માં બ્રિટિશ સરકાર દ્વારા તેમને નાઇટહૂડથી સન્માનિત કરાયાં હતાં. બ્રિટન અને ભારત વચ્ચેના સંબંધો મજબૂત બનાવવામાં લોર્ડ સ્વરાજ પોલનો સિંહફાળો રહ્યો હતો.