વધુ ૧૨ સબ-પોસ્ટમાસ્ટર્સ નિર્દોષ

Wednesday 21st July 2021 05:03 EDT
 
(ડાબેથી) સામી સાબેત, કરીના પ્રાઈસ, હસમુખ શેંગાડીઆ, જેરી હોસી અને ટિમોથી બ્રેન્ટનાલ
 

લંડનઃ સમગ્ર યુકેને હચમચાવી દેનારા પોસ્ટ ઓફિસ કૌભાંડમાં ખામીપૂર્ણ IT સિસ્ટમનો ભોગ બની નાણાકીય ગોટાળાના કારણે સજા કરાયેલા વધુ ૧૨ સબ-પોસ્ટમાસ્ટર્સને ક્રિમિનલ કોર્ટ ઓફ અપીલે નિર્દોષ જાહેર કરી તેમની સજા ફગાવી દીધી છે. લોર્ડ જસ્ટિસ ટિમોથી હોલરોઈડે ૨૦૦૨થી ૨૦૧૨ સુધીના ગાળામાં દોષિત ઠરાવેલા સબ પોસ્ટમાસ્ટર્સને નિર્ધોષ ઠરાવી જણાવ્યું હતું કે તેઓ ચુકાદાના કારણો પાછળથી જાહેર કરશે.

બ્રિટિશ ઈતિહાસમાં ન્યાય માટે કલંક સમાન આ કૌભાંડમાં અત્યાર સુધી કુલ ૫૯ સબ-પોસ્ટમાસ્ટર્સને નિર્દોષ જાહેર કરાયા છે. પોસ્ટ ઓફિસ દ્વારા લગાવાયેલી હોરાઈઝન કોમ્પ્યુટર સિસ્ટમના કારણે હિસાબોમાં ભૂલો આવતી હતી તેના કારણે ૧૯૯૯ પછી સેંકડો સબ-પોસ્ટમાસ્ટર્સના માથે બદનામીનો ડાઘ લાગ્યો હતો. હાઈ કોર્ટના જજે ૨૦૧૯માં કોમ્પ્યુટર સિસ્ટમમાં ખામીનો શિકાર નિર્દોષ લોકો બન્યા હોવાનો ચુકાદો આપ્યો હતો. આ પછી પોસ્ટ ઓફિસ આશરે ૬૫૦ પોસ્ટમાસ્ટર્સની સજાની સમીક્ષા કરી રહી છે.

ઘણા લોકોએ સજા સામે અપીલો કરી હતી અને પોસ્ટ ઓફિસે પોતાની ભૂલો સ્વીકારી તેનો વિરોધ કર્યો ન હતો અને ભૂતકાળની નિષ્ફળતા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter