લંડનઃ એક્સએલ બુલી શ્વાનને ડેન્જરસ ડોગ્સ એક્ટ અંતર્ગત વર્ષના અંતથી પ્રતિબંધિત પ્રાણીઓની યાદીમાં સમાવવાની જાહેરાત સરકાર દ્વારા કરાઇ છે. તાજેતરના સમયગાળામાં અમેરિકન એક્સએલ બુલી શ્વાન દ્વારા લોકો પર કરાયેલા હુમલાઓને ધ્યાનમાં લેતાં સરકારે આ નિર્ણય કર્યો છે. સ્ટફોર્ડશાયરમાં એક્સએલ બુલી શ્વાનોના હુમલામાં એક વ્યક્તિનું મોત થયા બાદ સપ્ટેમ્બરમાં વડાપ્રધાન રિશી સુનાકે આ પ્રકારના શ્વાનને ભયજનક ગણાવ્યા હતા.
ડેન્જરસ ડોગ્સ એક્ટમાં સુધારા આગામી મહિનામાં તબક્કાવાર કરાશે. 31 ડિસેમ્બર 2023થી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં એક્સએલ બુલી શ્વાનના બ્રિડિંગ, વેચાણ, જાહેરાત, પાલન, રખડતા છોડી દેવાને ગેરકાયદેસર ગણાશે તેમ સરકારે જણાવ્યું છે.
1 ફેબ્રુઆરી 2024થી એક્સએલ બુલી શ્વાનની માલિકી ગેરકાયદેસર ગણાશે સિવાય કે તેના માલિકે એક્ઝમ્પ્ટેડ ડોગ્સની ઇન્ડેક્સ પર તેનું રજિસ્ટ્રેશન કરાવ્યું હોય. તેમણે આ માટેના આકરા નિયમોનું પાલન કરવાનું રહેશે.