લંડનઃ સભ્ય સમાજમાં વાછૂટ થવાને અસભ્ય માનવામાં આવે છે અને આવી વ્યક્તિ તરફ અલગ રીતે જોવામાં આવે છે અને ઘણી વખત તેને હેરાનગતિનો સામનો પણ કરવો પડે છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં અપરાધીઓ સામે કાનૂની કાર્યવાહી કરતી ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ (CPS)ને જ વાછૂટ સંબંધિત કેસમાં પ્રતિવાદી બનવાનો વારો આવ્યો હતો. CPSની નાનકડી ઓફિસમાં બધાની સાથે કાર્યરત વકીલ તારિક મોહમ્મદને વાછૂટ વધુ થવાની સમસ્યાના કારણે સાથી વકીલો પરેશાન થઈ ગયા હતા અને તેમાંથી કાનૂની કેસ પણ ઉભો થઈ ગયો હતો.
તારિક મોહમ્મદના સાથી વકીલે તેને બહાર જઈને વાછૂટ કરવા જણાવ્યુ ત્યારે તેણે હેરેસમેન્ટ-કનડગતની કાનૂની કાર્યવાહી આરંભી હતી. તારિકે એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે હાર્ટ એટેક આવ્યા પછી લેવાતી મેડિસીન્સના લીધે તેને વાછૂટની સમસ્યા થઈ છે. તબીબી રજાઓથી પાછા ફર્યા પછી તેના બોસ અને સાથીઓ આ બાબતે તેને નિશાન બનાવતા રહેવાથી તેને ભારે ક્ષોભ થાય છે અને તેનું માન પણ ઘવાય છે.
રીડિંગસ્થિત ટ્રિબ્યુનલે તેનો દાવો ફગાવી દેતા સ્પષ્ટ કર્યું હતું કે નાની ઓફિસ તેમજ વારંવાર વાછૂટ થવાના લીધે સાથીદારે બહાર જઈ વાછૂટ કરવાની વિનંતી કરી હોય તેમાં જરા પણ ખોટું નથી. ટ્રિબ્યુનલે તેના બધા દાવા ફગાવી દીધા હતા. જોકે, તેની સાથે સારો વ્યવહાર કરાયો નથી અને સપ્તાહમાં બે દિવસ ઘેર રહીને કામ કરવાની પરવાનગી આપી નથી તેથી ડિસેબિલિટી ભેદભાવનો મુદ્દો ટ્રિબ્યુનલે સ્વીકાર્યો હતો અને CPS દ્વારા તેને વળતર આપી સમાધાન કરી લેવા જણાવ્યું હતું.
તારિક મોહમ્મદે તેના બોસ અને સાથી વકીલો વિરુદ્ધ ભેદભાવનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે તેની પાણીની બોટલ્સ ઈરાદાપૂર્વક ફેંકી દેવાય છે અને કામના વર્તમાન સ્થળેથી ૬૦ માઈલ દૂરના સ્થળે સપ્તાહમાં એક દિવસ કામ કરવા જવાનું કહેવાય છે.