વિજય માલ્યા શરાબ ઉત્પાદક બ્રિટિશ કંપની ડિઆજીઓ વિરુદ્ધ કેસ હાર્યા

માલ્યા સામે ૧૭૫ મિલિયન ડોલર લેણાંના કેસમાં બ્રિટિશ કંપનીનો વિજયઃ ૧૩૫ મિલિયન ડોલર અને કાનૂની ખર્ચના ૨૦૦,૦૦૦ પાઉન્ડ ૨૮ દિવસમાં ચૂકવી દેવા આદેશ

Monday 27th May 2019 02:54 EDT
 
 

લંડનઃ ભારતીય બેન્કોની આશરે ૯,૦૦૦ કરોડ રૂપિયાની લોન્સની ચુકવણી કર્યા વિના બ્રિટન ભાગી ગયેલા વિજય માલ્યાની હાલત બ્રિટનમાં પણ કફોડી બની છે. ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા વિરુદ્ધ બ્રિટિશ શરાબ ઉત્પાદક કંપની ડિઆજીઓના ૧૭૫ મિલિયન ડોલરની વસૂલાત દાવા પર હાઇકોર્ટના બિઝનેસ એન્ડ પ્રોપર્ટી ડિવિઝનમાં ૨૪ મે, શુક્રવારે સુનાવણીમાં કોર્ટે ડિઆજીઓની તરફેણમાં ચુકાદો આપી માલ્યાને ૧૭૫ મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે, જેમાંથી ૧૩૫ મિલિયન ડોલર અને કાનૂની ખર્ચના ૨૦૦,૦૦૦ પાઉન્ડ ૨૮ દિવસમાં ચૂકવી દેવાના રહેશે. બાકીના ૪૦ મિલિયન ડોલર મુદ્દે વર્ષના ઉત્તરાર્ધમાં થનારી સુનાવણીમાં નિર્ણય લેવાશે.

ન્યાયમૂર્તિ રોબિન નોલ્સની ખંડપીઠ સમક્ષ ડિઆજીઓ તરફથી દાવો કરાયો હતો કે માલ્યા, તેના પુત્ર સિદ્ધાર્થ અને માલ્યા પરિવારથી જોડાયેલી બે કંપનીઓ પાસેથી તેના નાણાની વસૂલાત બાકી છે. આ કંપનીઓએ ICICI બેન્ક પાસેથી મેળવેલી લોન સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કે રિફાયનાન્સ કરી હતી. આ સમયે ડિઆજીઓનો બેકસ્ટોપ તરીકે પ્રવેશ થયો હતો. ડિઆજીઓ અને માલ્યા વચ્ચે કરારથી ડિઆજીઓને યુનાઈટેડ સ્પિરિટ્સ કંપનીમાં અંકુશ મળ્યો હતો અને નાણાકીય વળતર મેળવી માલ્યાએ હોદ્દો છોડ્યો હતો. માલ્યાએ ડિઆજીઓને શેર્સ ટ્રાન્સફર કર્યા હતા.

ડેટ રિકવરી ટ્રિબ્યૂનલે માલ્યાના શેર પોતાના કબજામાં લીધા હોવાથી ડિઆજીઓ તેનો કબજો મેળવી શકી ન હતી. આથી, કંપનીએ નાણા પરત મેળવવા કોર્ટનો સહારો લીધો હતો. એગ્રીમેન્ટ સમયે ભારતમાં વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી પોતાની રકમ ચૂકવવા માટે દાવો નહિ કરવાનો ડિઆજીઓએ માલ્યાને મૌખિક ભરોસો આપ્યો હોવાની દલીલને જજે ‘હોપલેસ આર્ગ્યૂમેન્ટ’ ગણાવી ફગાવી હતી.

ભારતીય બેન્કોએ માલ્યાની સંપત્તિ અને બેન્કખાતાઓનો કબજો મેળવવા તેના વિરુદ્ધ નાદારી પ્રક્રિયા પણ આરંભી છે. રુપિયા ૯૦૦૦ કરોડના કિંગફિશર એરલાઈન્સ કૌભાંડ માટે તેના પ્રત્યાર્પણ સંદર્ભે કાર્યવાહીમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે ભારતની વિનંતી સ્વીકારી લીધી છે, જેના પગલે હોમ સેક્રેટરી સાજિદ જાવિદે પ્રત્યાર્પણ આદેશ પર સહી પણ કરી છે. જોકે, તેના પ્રત્યાર્પણ આદેશ સામે માલ્યાની અપીલની હાઈ કોર્ટમાં સુનાવણી જુલાઈમાં થવાની છે.

અગાઉ, માલ્યાને લંડનસ્થિત ગીરવી રાખેલુ મકાન છોડાવવા આગામી એપ્રિલ સુધીનો સમય મળ્યો છે. માલ્યાએ આ મકાન ગીરવી મૂકીને સ્વિટ્ઝરલેન્ડની યુબીએસ બેંક પાસેથી લોન લીધી હતી. બેંકે ૨૦.૪ મિલિયન પાઉન્ડની ચૂકવણી ન કરવા બદલ માલ્યાના આ મકાનનો કબજો લેવાની માગ કરી હતી. જોકે, બંને પક્ષો વચ્ચે સમજૂતી થયા પછી કોર્ટે માલ્યાને લોનની રકમ ચૂકવવા આગામી એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter