વોરન બફેટ અરાજક બ્રેક્ઝિટ છતાં યુકેમાં રોકાણ માટે તૈયાર

Wednesday 15th May 2019 03:04 EDT
 
 

લંડનઃ ઈયુ સાથે યુકેના ભાવિ સંબંધો વિશે અનિશ્ચિતતા પ્રવર્તતી હોવા છતાં અમેરિકાના ઈન્વેસ્ટમેન્ટ ગુરુ વોરન બફેટે જણાવ્યું હતું કે તેઓ યુકે અને યુરોપના અન્ય ભાગોમાં વધુ મૂડીરોકાણ કરવા ઈચ્છે છે. બિલિયોનેર બફેટે ૪થી મેએ શેરહોલ્ડરોની વાર્ષિક સભામાં જણાવ્યું હતું કે બ્રેક્ઝિટનું પરિણામ ગમે તે આવે પરંતુ, તેમને યુકે અને/અથવા યુરોપમાં ડિલ થશે તેવી આશા છે.

ઈયુમાંથી છૂટાં પડવાના યુકેના વોટ ટુ લીવ વિશે બફેટે કહ્યું હતું,‘ મને એવું લાગે છે કે તે એક ભૂલ હતી. જોકે, તેને લીધે યુકેમાં મોટા પાયે સંપાદન કરવાની મારી ઈચ્છામાં કોઈ ઘટાડો થયો નથી.’

‘સેજ ઓફ ઓમાહા’ તરીકે જાણીતા બફેટ અમેરિકાના ડઝન કરતાં વધુ સ્ટોકની માલિકી ધરાવતી બર્કશાયર હેથવેના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ છે. કંપનીએ ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૧.૧ બિલિયન ડોલરના નુક્સાનની સામે આ વર્ષે પ્રથમ ત્રિમાસિક ગાળામાં £૧૬.૫ બિલિયન (૨૧.૭ બિલિયન ડોલર)નો નફો નોંધાવ્યો હતો.

જોકે, આ ગણતરીમાં ફૂડ જાયન્ટ ક્રાફ્ટ હેઈન્ઝની કામગીરીનો સમાવેશ થતો નથી. આ કંપનીમાં બફેટનો ૨૬.૭ ટકા હિસ્સો છે. કંપનીએ ૨૦૧૮માં ૧૦.૨ બિલિયન ડોલરનું નુક્સાન કર્યું હતું. બેઠકમાં બફેટે સંકેત આપ્યો હતો કે તેઓ હજુ આ કંપનીની સાથે જોડાયેલા રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter