વોલ સ્ટ્રીટ કડાકામાં ભૂમિકા બદલ બ્રિટિશ ટ્રેડર નજરકેદ

Wednesday 05th February 2020 05:39 EST
 
 

લંડનઃ અમેરિકાના વોલ સ્ટ્રીટ પર ૨૦૧૦માં બોલાયેલા ૧ ટ્રિલિયનના કડાકામાં ભૂમિકા ભજવનારા ‘હાઉન્ડ ઓફ હંસલો’ તરીકે ઓળખાતા ૪૧ વર્ષીય બ્રિટિશ ટ્રેડર નવીન્દર સિંઘ સરાઓ જેલ જતા બચી ગયો હતો. તેને તેના લંડનના નિવાસસ્થાને એક વર્ષ માટે નજરકેદ રાખવાનો શિકાગોના જજે ચૂકાદો આપ્યો હતો. જજ વર્જિનિયા કેન્ડલે જણાવ્યું હતું કે તેને માત્ર ફ્યુનરલ, મેડિકલ વિઝિટ્સ અને અન્ય અસાધારણ સંજોગોમાં જ ઘરની બહાર નીકળવા દેવાશે. જોકે, તેને અમેરિકા બહાર આ સજા લાગૂ પડશે કે નહિ તે તત્કાળ સ્પષ્ટ થયું ન હતું.

એસ્પર્જર્સ સિન્ડ્રોમથી પીડાતા સરાઓએ વેસ્ટ લંડનમાં પોતાના પેરન્ટ્સના બેડરૂમમાંથી ગેરકાયદેસર સોદા દ્વારા ૪૫ મિલિયન પાઉન્ડ ઉભા કરવા સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો. અમેરિકાના પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે ૨૦૧૦ના મેમાં આવેલા કડાકામાં તેની આ પ્રવૃત્તિએ પણ ભાગ ભજવ્યો હતો. તેને લીધે વોલસ્ટ્રીટના મુખ્ય ત્રણ ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાયો હતો.

સ્ટોક માર્કેટમાં ગેરરીતિના ૨૨ કાઉન્ટ પર ૨૦૧૫માં તેની ધરપકડ કરાયા પછી ૨૦૧૬માં અમેરિકાને તેનું પ્રત્યાર્પણ કરાયું હતું. તે વર્ષે જ નવેમ્બરમાં તેને વાયર ફ્રોડના એક કાઉન્ટ અને નકલી ઓર્ડરો પોસ્ટ કરવાની ટેક્નિક સ્પૂફિંગના એક કાઉન્ટ પર દોષી ઠેરવાયો હતો. સજા સંભળાવવામાં આવે ત્યાં સુધી તેને બ્રિટન પરત ફરવાની પરવાનગી અપાઈ હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter