લંડનઃ શાળાની પરવાનગી વિના બાળકોને વેકેશન પર લઇ જનારા વાલીઓને ગયા એક વર્ષમાં રેકોર્ડ 19 મિલિયન પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. છેલ્લા એક દાયકામાં આ પ્રકારના દંડની રકમમાં પાંચ ગણો વધારો થયો છે.
2022-23માં શાળાની પરવાનગી વિના બાળકોને વેકેશન પર લઇ જનારા વાલીઓને કરાયેલી પેનલ્ટીની સંખ્યા રેકોર્ડ 3,56,000 પર પહોંચી હતી. સૌથી આકરું વલણ ડોન્કેસ્ટર કાઉન્સિલ દ્વારા અપનાવાયું હતું. અહીં 6233 વાલીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. મંજૂરી વિના રજા પાડનારા સંતાનો માટે ડોન્કેસ્ટરના વાલીઓએ દંડ પેટે 1.5 મિલિયન પાઉન્ડની ચૂકવણી કરી હતી. લેન્કેશાયર કાઉન્સિલે વાલીઓ પાસેથી 2.8 મિલિયન પાઉન્ડ દંડ વસૂલ્યો હતો.
શાળામાં વેકેશન હોય ત્યારે બાળકોને બહાર લઇ જવા વાલીઓને મોંઘા પડે છે તેથી હવે તેઓ શાળામાં રજા ન હોય ત્યારે વેકેશન માણવા સંતાનોને લઇ જતાં હોય છે. આ સમયગાળામાં ખર્ચ ઓછો થતો હોવાથી વાલીઓને લાભ થતો હોય છે.