લંડનઃ થેમ્સ વેલીના પોલીસવડા મેથ્યૂ બાર્બરે જણાવ્યું છે કે શોપ લિફ્ટિંગની ઘટનાઓ અટકાવવા માત્ર પોલીસ પર આધાર રાખવાને બદલે જનતાએ આ દુષણ અટકાવવા પહેલ કરવી જોઇએ. આ તેની પણ ફરજ છે.
બાર્બરે જણાવ્યું હતું કે, એ માન્યતા ખોટી છે કે ચોરી અટકાવવાનું કામ માત્ર પોલીસનું છે. જો તમે ચોરોને પડકારતા નથી કે ચોરી અટકાવવાનો પ્રયાસ કરતા નથી તો આ દુષણ રોકી શકાશે નહીં. આ દુષણ ફક્ત પોલીસ માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ મોટી સમસ્યા છે. જે લોકો આ અટકાવવાનો પ્રયાસ કરતા નથી તેઓ પણ આ સમસ્યાનો હિસ્સો છે.
શોપલિફ્ટિંગની ઘટનાઓ રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ પોલીસ પર દબાણ વધી રહ્યું છે. રિટેલર્સ આ સમસ્યાના ઉકેલ માટે પોલીસની નિષ્ફળતાને જવાબદાર ગણાવી રહ્યાં છે. બાર્બરે જણાવ્યું હતું કે શોપ લિફ્ટિંગ અટકાવવા માટે પોલીસ અને પબ્લિકની સામુહિક જવાબદારી છે. આપણે આપણા સમાજના જવાબદાર નાગરિક બનવું જોઇએ. જ્યારે શોપ લિફ્ટિંગની ઘટના બને ત્યારે 999ને કોલ કરો પરંતુ સાથે સાથે ચોરને અટકાવવાનો પણ પ્રયાસ કરો. બાજુમાં ઊભા રહીને તમાશો જોશો નહીં.
શોપ લિફ્ટરની માહિતી આપનારને આઇસલેન્ડ 1 પાઉન્ડનું ઇનામ આપશે
એકતરફ એક પોલીસ વડા શોપ લિફ્ટિંગ અટકાવવા માટે જનતાની મદદ માગી રહ્યાં છે તો બીજીતરફ સુપરમાર્કેટ ચેઇન આઇસલેન્ડે જાહેરાત કરી છે કે શોપ લિફ્ટરને પકડાવવામાં મદદ કરનાર વ્યક્તિને 1 પાઉન્ડનું ઇનામ અપાશે. એમ લાગી રહ્યું છે કે પોલીસ અને રિટેલર્સ શોપ લિફ્ટિંગના અપરાધીઓને ઝડપવાની જવાબદારી જાણે કે જનતા પર લાદી રહ્યાં છે. આઇસલેન્ડિના સીઇઓ રિચર્ડ વોકરે જાહેરાત કરી છે કે જે ગ્રાહક શોપ લિફ્ટિંગ અંગેની જાણ અમારા સ્ટાફને કરશે તેને મેમ્બરશિપ કાર્ડમાં એક પાઉન્ડ અપાશે. સવાલ એ છે કે અપરાધી અંગે જાણ કરવાનું જોખમ કયો ગ્રાહક વહોરી લેશે.