સંજીવ ગુપ્તાએ ઔદ્યોગિક સામ્રાજ્યને બચાવવા સરકારી બેઈલઆઉટ માગ્યું

Wednesday 28th April 2021 05:44 EDT
 
 

લંડનઃ સ્ટીલ ટાઈકૂન સંજીવ ગુપ્તાએ બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વારટેન્ગને તેના પતનની ઘડીઓ ગણી રહેલા ઔદ્યોગિક સામ્રાજ્યને બચાવવા આગળ આવવાની અપીલ કરવા સાથે બેઈલઆઉટની માગણીઓ વધુ તીવ્ર બનાવી છે. બિઝનેસ સેક્રેટરીને લખેલા પત્રમાં કોમોડિટીઝના વેપારીમાંથી ઉદ્યોગપતિ બનેલા ગુપ્તાએ દાવો કર્યો હતો કે સંભવિત ધીરાણકારો સાથે તેની બચાવમંત્રણા પ્રગતિ કરી રહી છે અને ક્રેડિટર્સને સંપૂર્ણ રીપેમેન્ટ અને નવેસરથી ગ્રૂપ ફંડિંગ શક્ય બનશે.

જોકે, ક્વારટેન્ગે સાઉથ યોર્કશાયર અને સાઉથ વેલ્સમાં ૩,૦૦૦ કર્મચારી સાથેના યુકે ઓપરેશન્સ માટે ૧૭૦ મિલિયન પાઉન્ડના બેઈલઆઉટની માગણી ગત મહિને જ ફગાવી દીધી છે. ક્વારટેન્ગે સાંસદોને જણાવ્યું હતું કે ગુપ્તાનું GFG એલાયન્સ સૌથી પારદર્શક ઓર્ગેનાઈઝેશન નથી અને તેની નાણાકીય સમસ્યાઓના તળિયો સુધી પહોંચી શક્યા નથી. બ્રિટિસ સરકાર અથવા કોઈ મિનિસ્ટર સંપૂર્ણ ધૂંધળા સ્વરુપના ગ્રૂપને ૧૭૦ મિલિયન પાઉન્ડનો ચેક આપી દેશે તેવો વિચાર પણ બેજવાબદાર છે. જોકે, ગુપ્તાએ દાવો કર્યો છે કે તેના ૧૭૦ મિલિયન પાઉન્ડના બેઈલઆઉટ પત્રમાં  લિબર્ટી સ્ટીલ ગ્રૂપ અથવા GFG Alliance ની કોઈ કંપનીને જાહેર નાણા આપવાની વિનંતી કરાઈ નથી.

પાંચ વર્ષમાં ૨૦ બિલિયન ડોલરનું સામ્રાજ્ય

સન્ડે ટાઈમ્સના અહેવાલ મુજબ ૪૯ વર્ષના સંજીવ ગુપ્તાએ પાંચ જ વર્ષના ગાળામાં ઉદાર ટેક્સપેયર્સ સબસિડીઓ અને વિવાદાસ્પદ ઓસ્ટ્રેલિયન ફાઈનાન્સિયર લેક્સ ગ્રીનસિલના શંકાસ્પદ ઈનવોઈસ ફંડિંગના પરિણામે, ૩૫,૦૦૦ના સ્ટાફ સાથે ૨૦ બિલિયન ડોલરનું સામ્રાજ્ય જમાવ્યું હતું. સંખ્યાબંધ સોદાઓના કારણે કેમ્બ્રિજમાં ભણેલા ટાઈકૂનને બે પ્રાઈવેટ જેટ્સ અને બેલગ્રેવીઆમાં ૪૨ મિલિયન પાઉન્ડના ઘર સહિત લક્ઝરી પ્રોપર્ટીઝનો પોર્ટફોલીઓ ખરીદવામાં મદદ મળી હતી. સન્ડે ટાઈમ્સના અહેવાલમાં ગુપ્તાએ કેવી રીતે વેચાણ કરાયેલા સ્ટીલને ફરી પાછુ ખરીદવા થકી ગ્રીનસિલ પાસેથી ભંડોળ એકત્ર કર્યું અને ઈનવોઈસ ડિસ્કાઉન્ટથી નાણાપ્રવાહને તરતો રાખ્યો તેનો ઘટસ્ફોટ કરાયો હતો. ગુપ્તાને પાંચ બિલિયન ડોલરના ભંડોળથી ગ્રીનસિલનું પતન થયું હતું. ગ્રીનસિલની નાદારીના કારણે ફંડિંગ અટકી ગયું અને ક્રેડિટ સ્યુસ સહિતના લેણદારોની લાઈન લાગી ગઈ છે.

ગુપ્તાના પેરોલ પર વડા પ્રધાનના પ્રચાર સહાયક

બોરિસ જ્હોન્સનના કન્ઝર્વેટિવ પાર્ટીની નેતાગીરીના ૨૦૧૯ના સફળ અભિયાનમાં ૩૧ વર્ષીય અમેરિકી લોબિઈસ્ટ માલિન બોગ સંકળાયેલી હતી પરંતુ, તેનું વેતન ગુપ્તાના સામ્રાજ્ય દ્વારા ચૂકવાતું હતું. સન્ડે ટીમ્સના અહેવાલ મુજબ માલિન બોગ ઘણી વખત દેશની મુલાકાતો અને ક્રાયક્રમો પર નજર રાખવામાં જ્હોન્સનની સાથે દેખાઈ હતી તેમજ તેના વેસ્ટમિન્સ્ટર કેમ્પેઈન બેઝમાં બ્રેક્ઝિટતરફી ગીતો ગાતી હોવાનું ફિલ્માંકન પણ કરાયું હતું. આ ઘટસ્ફોટથી જ્હોન્સનની વર્તણૂક અને સરકાર પર ગુપ્તાની વગ બાબતે પણ પ્રશ્નો ઉઠ્યા છે. માલિન માર્ચ ૨૦૧૮થી ઓક્ટોબર ૨૦૧૯ દરમિયાન ગુપ્તાના  GFG  એલાયન્સમાં પબ્લિક એફેર્સ મેનેજર તરીકે નોકરીમાં હતી. ગુપ્તાએ દલીલ કરી છે કે સાન ફ્રાન્સિસ્કોના ઘનવાન બિઝનેસમેનની પુત્રી માલિન બોગ કેમ્પેઈનના સમયે છ મહિનાની રજા પર હતી. તે ૨૦૧૯ના મે મહિનામાં જ્હોન્સનની કેમ્પેઈન ટીમમાં જોડાઈ ત્યારે ફ્રી વોલન્ટીઅર હતી.

તાતાએ ગુપ્તા સામે દાવો કર્યો

તાતા જૂથે ૧૦૦ મિલિયન પાઉન્ડના સ્પેશિયાલિટી સ્ટીલ સોદા બાબતે સંજીવ ગુપ્તાના વ્યવસાયિક સામ્રાજ્ય સામે દાવો કર્યો છે. તાતાએ GFG  એલાયન્સની તમામ સહયોગી લિબર્ટી સ્પેશિયાલિટી સ્ટીલ્સ, લિબર્ટી હાઉસ ગ્રુપ પીટીઇ અને સ્પેશિયાલિટી સ્ટીલ યુકે વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. આ સોદાના કારણે ગુપ્તા બ્રિટનના સૌથી મોટા સ્ટીલ મેગ્નેટ પૈકીના એક બની ગયા હતા. સાથી સ્ટીલ કંપની તાતા દ્વારા ગુપ્તાની જીએફજી એલાયન્સ કંપની સામે એક કોમર્શિયલ કોર્ટમાં દાવો કરાયો છે. આ કેસ ૨૦૧૭માં તાતાના રોધરહામસ્થિત સ્પેશિયાલિટી સ્ટીલ વિભાગના ગુપ્તાને કરાયેલા વેચાણમાં કથિત રીતે ચૂકવણીમાં થયેલી ચૂક સાથે સંબંધિત છે. તાતાએ તેની યુકેની ખોટની સમીક્ષા પછી એરોસ્પેસ, ઓટોમોટિવ, ઓઇલ અને ગેસ કંપનીઓને સામગ્રી પૂરી પાડતું ડિવિઝન વેચવાનું નક્કી કર્યું હતું.  લિબર્ટીએ તેને ઓક્ટોબર ૨૦૧૬માં ખરીદવાની સંમતિ આપી હતી અને ચાર મહિના પછી ટ્રાન્સફર પૂર્ણ કર્યું હતુ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter