સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટઃ હિન્દુજા અને રુબેન બીજા ક્રમે

Wednesday 20th May 2020 05:00 EDT
 
રિચ લિસ્ટમાં બીજા ક્રમે છે હિન્દુજાબંધુઓ
 

લંડનઃ બ્રિટનમાં ‘ધ સન્ડે ટાઇમ્સ’ દ્વારા જાહેર ‘ધ સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ’ સૌથી ધનવાનોની યાદીમાં ભારતીય મૂળના હિન્દુજા પરિવારે તેમનો પ્રથમ ક્રમ ગુમાવી બીજું સ્થાન મેળવ્યું છે. ઈન્વેન્ટર અને ઉદ્યોગપતિ જેમ્સ ડાયસન ૧૬.૨ બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે આ યાદીમાં પ્રથમ ક્રમે છે.
શ્રીચંદ અને ગોપી હિન્દુજા અને રુબેન બંધુઓ બ્રિટનના સૌથી ધનિકોમાં બીજા ક્રમે છે. બન્ને પરિવારોની સંપત્તિ ૧૬ બિલિયન પાઉન્ડ છે. બીજા ક્રમે આવવા છતાં હિન્દુજા બંધુઓ યુકેમાં સૌથી વધુ ધનવાન એશિયન છે. કોરોના મહામારીએ દેશના અર્થતંત્રને હલબલાવી નાખ્યું હોવાં છતાં, તાજા લિસ્ટમાં વંશીય લઘુમતીઓનું વિશ્લેષણ કરીએ તો બ્રિટિશ સંપત્તિ મોટા ભાગે એકના એક ધનવાનોને હસ્તક જ રહી છે.
જોકે, કોરોનાને કારણે બ્રિટનના ધનવાનોની સંપત્તિમાં ઘટાડો પણ થયો છે. આ બધાની સંપત્તિ પર કોરોના મહામારી અને લોકડાઉનની અસર જોવા મળી છે.

યાદીના સંપાદક રોબર્ટ વોટ્સે જણાવ્યું હતું કે બે મહિનામાં બ્રિટનના સુપર-રિચની સંપત્તિમાં ૫૪ બિલિયન પાઉન્ડનું ધોવાણ થયું હતું. જે ત્રણ ટાઈકૂન્સે સંપત્તિ ગુમાવી છે તેમાં બે એશિયન છે. સ્ટીલ માંધાતા લક્ષ્મી મિત્તલ, હિન્દુજાઓ અને રેટક્લિફની સંપત્તિના મૂલ્યમાં ૩.૯ થી ૬ બિલિયન પાઉન્ડનું ધોવાણ થયું છે. બ્રિટનના ૧૦ સૌથી ધનવાનોના ખિસ્સામાંથી બે મહિનામાં ૧૫ બિલિયન અદૃશ્ય થઈ જવાં સાથે સર જેમ્સ ડાયસન સૌપ્રથમ વખત રિચ લિસ્ટમાં પ્રથમ ક્રમે પહોંચ્યા છે.

વંશીય લઘુમતી પશ્ચાદભૂના ૮૫ ધનવાન

બ્રિટનના ૧,૦૦૦ સૌથી ધનવાનોની યાદીમાં વંશીય લઘુમતી પશ્ચાદભૂના ૮૫ ધનવાન છે. સંપત્તિ એકત્ર કરવામાં અને જાળવી રાખવામાં માહિર એશિયનોની સામાન્ય ખાસિયત તેમના બિઝનેસ સામ્રાજ્ય પરિવારમાં જ રાખવાની તેમજ ધંધાકીય વિસ્તરણ માટે તેમના ભાઈબહેનો અને સંતાનો પર વિશ્વાસ રાખવાની રહી છે.
આવું જ એક ઉદાહરણ મહમૂદ કામાણીનું છે જેમણે ૨૦૦૬માં ફાસ્ટ ફેશન જાયન્ટ Boohooની સ્થાપના કરી હતી. તેમણે ચાર વર્ષ પછી તેમના પુત્રો ઉમર, આદમ અને સમીરની સ્થાપેલી અન્ય ઓનલાઈન ફેશન રીટેઈલર PrettyLittleThing ને ૨૦૧૨માં ખરીદી લીધી હતી. આજે Boohoo ગ્રૂપ લગભગ ૨,૨૦૦નો સ્ટાફ ધરાવે છે અને તેની માર્કેટ સ્ટોક વેલ્યુ ૨.૩૮ બિલિયન પાઉન્ડ છે જે, માર્ક્સ એન્ડ સ્પેન્સર કરતા પણ વધુ છે.
ડ્રેગન્સ ડેનના સ્ટાર તેજ લાલવાણીએ તેમના પિતા કરતારના વિટાબાયોટિક્સ બિઝનેસમાં ઝંપલાવ્યુ ત્યારે ફોર્કલિફ્ટ ચલાવવા અને બોક્સીસને લેબલિંગનું કામ કર્યું હતુ. આજે તેઓ ચીફ એક્ઝિક્યુટિવ છે.

એશિયન બિઝનેસ લીડર્સ નેટવર્કના સ્થાપક મુઝાહિદ ખાન કહે છે કે,‘એશિયન મિલિયોનેર્સ અને બિલિયોનેર્સ સમજે છે કે તેમના પરિવાર વિના તેઓ એકલા કશું કરી શકે તેમ નથી. આ બિઝનેસીસમાં, પરિવારને ચલાવવામાં પત્નીઓના યોગદાન વિશે તમે આખું પુસ્તક લખી શકો છો. બાળકો ગ્રેજ્યુએટ થયાં પછી બિઝનેસીસમાં જોડાય છે. તેઓ તેમની સાથે બ્રિટિશ શિક્ષણ, એક્સપર્ટાઈઝ અને જ્ઞાન લાવે છે. તેમના પિતા જે કરી શક્યા ન હોય તેવા નવા માર્ગોથી અભૂતપૂર્વ વૃદ્ધિ સાધવામાં મદદ કરે છે.’

રિચ લિસ્ટમાં ૧૫મા ક્રમ અને ત્રીજા ક્રમના એશિયન ધનિક અનિલ અગ્રવાલની વેદાંતા રિસોર્સીસ ૨૦૦૩માં લંડન સ્ટોક એક્સચેન્જમાં મૂકાયેલી પ્રથમ ભારતીય કંપની હતી. જોકે, બે વર્ષ અગાઉ જ તેમણે એક બિલિયન ડોલરના શેર પરત ખરીદી પ્રાઈવેટ સ્વરુપ મેળવ્યું છે. ભારત, ઓસ્ટ્રેલિયા, ઝામ્બિયા અને આયર્લેન્ડમાં કાર્યરત તેમની કંપની કોપર, એલ્યુમિનિયમ, લેડ (સીસુ) અને અન્ય ધાતુઓનાં માઈનિંગમાં છે. તેમનો બિઝનેસ અલગ અને વધુ મોટી માઈનિંગ જાયન્ટ કંપની વેદાંતા લિમિટેડમાં અડધા હિસ્સા સાથે મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં ૩.૪૪ બિલિયન પાઉન્ડનું મૂલ્ય ધરાવે છે.
ચોથા ક્રમના એશિયન-ભારતીય ધનિક લક્ષ્મી મિત્તલ યુકે રિચ લિસ્ટમાં ૧૯મા ક્રમે છે. મિત્તલે ભારતમાં પ્રથમ સ્ટીલ પ્લાન્ટની ખરીદીના સોદાને ‘ઘરવાપસી’ ગણાવ્યો હતો. આર્સેલરમિત્તલ કંપનીએ નવેમ્બરમાં હજીરા ખાતે એસ્સાર સ્ટીલને હસ્તગત કરી છે. ૬૯ વર્ષના મિત્તલ કહે છે કે,‘હું ભારતમાં જન્મ્યો છું અને મારા મૂલિયાં ભારતમાં છે. મેં ગત ત્રણ દાયકા વિશ્વના વિવિધ માર્કેટ્સમાં સ્ટીલ બિઝનેસના નિર્માણમાં વીતાવ્યા છે.’ ચીન-અમેરિકાના વેપારયુદ્ધ, સ્ટીલની નીચી કિંમતો અને કાચી સામગ્રીની ઊંચી કિંમતોના લીધે શેરના ભાવ ગત વર્ષે ગગડ્યાં છે. તેમનો લક્ઝમબર્ગસ્થિત બિઝનેસ સ્ટોક માર્કેટમાં ૭.૯૭૪ બિલિયન પાઉન્ડનું મૂલ્ય ધરાવે છે. મિત્તલનો હિસ્સાનું મૂલ્ય ગયા વર્ષે ૩.૪૧૯ બિલિયન પાઉન્ડ હતું તે ઘટીને ૨.૯૮૧ બિલિયન પાઉન્ડ થયું છે.
લક્ષ્મી મિત્તલના બ્રધર-ઈન-લો પ્રકાશ લોહિયા ૨૬મા ક્રમે છે. તેઓ વિશ્વમાં સિન્થેટિક ગ્લોવ્ઝની સૌથી મોટી ઉત્પાદક કંપનીમાં એક સિંગાપોરસ્થિત ઈન્ડોરામા કોર્પની માલિકી ધરાવે છે. તેમણે ૨૦૧૭માં ૮.૪ બિલિયન ડોલરથી વધુના વેચાણ સામે એક બિલિયન ડોલરથી વધુ નફો હાંસલ કર્યો હતો. ‘મહારાજા ઓફ મેફેર’નું ઉપનામ ધરાવતા ૬૬ વર્ષના લોહિયા શેરિડન હાઉસમાં રહે છે અને હસ્તપ્રતો અને દુર્લભ ગ્રંથોનો વિશાળ સંગ્રહ ધરાવે છે.
૫૦મા ક્રમે લંડનસ્થિત બેસ્ટવે ગ્રૂપના ૮૫ વર્ષના માલિક સર અનવર પરવેઝ અને તેમનો પરિવાર છે, જેઓ બેસ્ટવે અને બેટલીઝ બ્રાન્ડ્સ હેઠળ વેપાર કરે છે. તેમનું ગ્રૂપ યુકેમાં બીજા ક્રમના સૌથી મોટા સ્વતંત્ર હોલસેલર અને ત્રીજા ક્રમની સૌથી મોટી ફાર્મસી છે. તેઓ તેમના વતન પાકિસ્તાનમાં સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક અને બીજા ક્રમની સૌથી મોટી ખાનગી બેન્કના માલિક પણ છે. જોકે, પાકિસ્તાન અને બ્રિટનમાં રાજકીય અસ્થિરતાએ ૨૦૧૭-૧૮માં ધંધાને ભારે ધક્કો પહોંચાડ્યો હતો. તેમની સંપત્તિ ૭૫૦ મિલિયનના ઘટાડા સાથે પાંચ બિલિયન પાઉન્ડ છે. સર પરવેઝ તેમના બે પુત્ર દાઉદ અને રિઝવાન તેમજ ભત્રીજા લોર્ડ ચૌધરી સાથે મળી બિઝનેસ સંભાળે છે.

નિર્વાસિતો ખાલી ખિસ્સે આવ્યા હતા

રિચ લિસ્ટમાં સામેલ એશિયનોની વધુ એક લાક્ષણિકતા જોઈએ તો, ઘણા લોકો નિર્વાસિતો તરીકે ખાલી ખિસ્સે અહીં આવ્યા હતા. ૮૨ વર્ષીય બિલિયોનેર ફાઈનાન્સિયર નાધૂમિ ઓચિ સહિત ઘણા લોકો બ્રિટનમાં નવાં જીવનનો આરંભ કરવા લોહિયાળ યુદ્ધો અને સરમુખત્યાર શાસનથી નાસીને આવ્યા હતા. નાધૂમિએ ઈરાકની જેલોમાં અત્યાચાર સહન કર્યા પછી ૧૯૭૯માં બ્રિટન આવ્યા હતા. બાંગલાદેશી સીફૂડ ટાઈકૂન ઈકબાલ અહમદે ૧૪ વર્ષની વયે દેશની આઝાદીની લડતમાં ૧૦૦ હિન્દુઓની કત્લેઆમ નિહાળી હતી.
ઘણા ભારતીયો ૧૯૭૦ના ગાળામાં યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીનની જંગાલિયતથી ત્રાસી દેશ છોડ્યો હતો. ઘણા લોકો ઉદ્યોગસાહસિકતાની ભાવના સાથે યુકે આવ્યા હતા. ખાન કહે છે કે,‘ પોતાના વતનથી દૂર વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવા લઈ જવાયેલા ઈમિગ્રન્ટ્સની અનેક પેઢીઓ છે. ઈસ્ટ આફ્રિકાના ભારતીયોની વાત કરીએ તો, ડાઈમન્ડ શાફ્ટ્સમાં ખોદકામ કર્યા પછી તો ઘેર જઈ વિચારતા કે આપણે પોતાના અને પરિવાર માટે કશું કરવું જોઈએ.’ જ્યારે આ લોકોની યુગાન્ડા અને કેન્યામાંથી હકાલપટ્ટી થઈ ત્યારે તેઓ બ્રિટન આવ્યા તે પહેલા પણ તેઓ અજાણ્યા અને દુશ્મનાવટના વાતાવરણમાં એન્ટ્રેપ્રીન્યોર્સ જ હતા.’

ઘણાએ સંપત્તિ ગુમાવી તો ઘણાએ મેળવી

કોરોના વાઈરસ મહામારીના કારણે ભારતીય શેરબજારો તૂટ્યાં તેમાં હિન્દુજાબંધુઓની સરખામણીએ વધુ નાણા ગુમાવનાર ઘણા ઓછાં લોકો છે. એક એનાલિસિસ મુજબ તેમના લિસ્ટેડ બિઝનેસીસે માર્ચ મહિનામાં મૂલ્યના ૬૭ ટકાનું ધોવાણ અનુભવ્યું હતું, જેમાં ગત મહિને સુધારો થયો હતો. હિન્દુજા ગ્રૂપનો વહીવટ ૧૯૧૪માં મુંબઈમાં બિઝનેસ સ્થાપી કાર્પેટ્સ, ચાહ, મરીમસાલાના વેપાર માટે ઈરાન જનારા અને પાછળથી મર્ચન્ટ બેન્ક ઉભી કરનારા સ્વ. પરમાનંદના પુત્રોને હસ્તક છે. આજે આ ગ્રૂપ ઓઈલ અને ગેસ, આઈટી, એનર્જી, મીડિયા, બેન્કિંગ, પ્રોપર્ટી અને હેલ્થકેર ક્ષેત્રોમાં કામગીરી કરે છે. જોકે, બકિંગહામ પેલેસ નજીક ૩૦૦ મિલિયન પાઉન્ડનું કાર્લટન હાઉસ ટેરેસ ઘર વસાવનારા લંડનસ્થિત ૮૦ વર્ષીય ગોપીચંદ અને ૮૪ વર્ષીય શ્રીચંદ હિન્દુજા માટે આ વર્ષ થોડું મુશ્કેલ રહ્યું હતું.
રુબેનબંધુઓ ડેવિડ અને સાઇમને ગત વર્ષનો બીજો ક્રમ આ વર્ષે પણ જાળવ્યો છે. મુંબઇમાં જન્મેલા અને નોર્થ લંડનમાં ઉછરેલા ઉદ્યોગપતિ ભાઈઓએ પ્રીમિયર લીગ ફૂટબોલ ક્લબ ન્યૂકેસલ યુનાઈટેડમાં ૧૦ ટકા હિસ્સો ખરીદી પ્રથમ વખત આ ક્ષેત્રે પગરણ માંડ્યું છે. તેઓ પ્રોપર્ટી અને મેટલના વેપારમાં નામના ધરાવે છે. ૭૮ વર્ષના સાઈમને કાર્પેટ બિઝનેસથી આરંભ કરી પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હતું. તેમણે વોલ્ટન સ્ટ્રીટ અને ચેલ્સીમાં કિંગ્સ રોડ પર ઘણી દુકાનો ખરીદી હતી.
ઈસા બંધુઓ- ૪૮ વર્ષના મોહસિન અને ૪૭ વર્ષીય ઝુબેરની નેટ વર્થમાં વધારો થયો છે. ઈસા બંધુઓના EG ગ્રૂપે માર્ચ મહિનામાં યુકે અને આયર્લેન્ડમાં સૌથી મોટી KFC ફ્રેન્ચાઈઝ હસ્તગત કરી હતી. EG ગ્રૂપ આઠ દેશમાં ૫,૨૦૦થી વધુ પેટ્રોલ સ્ટેશન્સ ધરાવે છે. ઈસા બંધુઓએ ૨૦૦૧માં તેમનું પ્રથમ આઉટલેટ બરીમાં હસ્તગત કર્યું હતું. તેમના યુરો ગેરેજીસ બિઝનેસના યુરોપિયન ફોરકોર્ટ રીટેઈલ ગ્રૂપ સાથે મર્જરથી ૨૦૧૬માં EG ગ્રૂપની સ્થાપના થઈ હતી.

રિચ લિસ્ટમાં માત્ર ચાર અશ્વેત

પ્રથમ રિચ લિસ્ટ ૧૯૮૯માં પ્રસિદ્ધ થયું ત્યારે વંશીય લઘુમતી સમુદાયના માત્ર પાંચ વ્યક્તિએ તેમાં સ્થાન હાંસલ કર્યું હતું. આજે બિનગોરા રિચલિસ્ટમાં ૮૧ એશિયનો અને માત્ર ચાર અશ્વેત છે. હિન્દુજા, રુબેન અને મિત્તલ પરિવારો વર્ષોથી રિચ લિસ્ટમાં મેખરાનું સ્થાન ધરાવે છે જ્યારે ૧૨૦ મિલિયન પાઉન્ડની આવક સાથે રિચલિસ્ટમાં સ્થાન મેળવનારા અશ્વેતોનું પ્રમાણ માત્ર એક ટકાનું છે. રિચ લિસ્ટમાં ઝિમ્બાબ્વેમાં જન્મેલાં ટેક એન્ટ્રેપ્રીન્યોર વેલેરી મોરાન તેમના આઈરિશ પતિ નોએલ સાથે ૨૦૦ મિ. પાઉન્ડની સંપત્તિ ધરાવે છે જ્યારે ટેલિકોમ જાયન્ટ મો ઈબ્રાહીમ (૮૫૯ મિ. પાઉન્ડ), પાંચ વખતના ફોર્મ્યુલા વન ચેમ્પિયન લૂઈ હેમિલ્ટન (૨૨૪ મિ. પાઉન્ડ) અને પૂર્વ ફંડ મેનેજર સર ડેમોન બુફિની (૧૨૭ મિ. પાઉન્ડ) સહિત ચાર અશ્વેતનો સમાવેશ થયો છે. ગત વર્ષના જેપી મોર્ગન રિપોર્ટ મુજબ યુકેમાં લંડનના વેન્ચર કેપિટાલિસ્ટ્સમાં માત્ર ત્રણ ટકા અશ્વેત હતા અને ૮૬ ટકા વ્હાઈટ હતા.

ધનવાનો દ્વારા પણ કર્મચારીઓ માટે ફર્લોનો ઉપયોગ

અભ્યાસ અનુસાર રિચ લિસ્ટના ૨૦ બિલિયોનેર સહિદત ૬૩ ધનવાનોએ કરદાના ટેકા સાથેની સ્કીમ હેઠળ પોતાના કેટલાક કર્મચારીઓ માટે ફર્લોનો ઉપયોગ કર્યો છે.ગત વર્ષના રિચ લિસ્ટના પ્રથમ ક્રમના હિન્દુજા બંધુઓએ તેમની નોર્થ યોર્કશાયરની બસ બનાવતી ફર્મ ઓપ્ટેરના આશરે ૩૬૦ કર્મચારીને ફર્લો પર ઉતાર્યા છે.
૨૦૧૮માં પ્રથમ ક્રમે રહેલા સર જિમ રેટક્લિફ ધ પિગ હોટેલ ચેઈનના સહમાલિક છે. આ ચેઈને મોટા ભાગના સ્ટાફને ફર્લો પર ઉતાર્યો છે. આ વર્ષે ૧૨.૧૫ બિલિયનની સંપત્તિ ધરાવતા રેટક્લિફે તેમની ઓઈલ કંપની ઈનેઓસ અને ચીન સરકારની માલિકીની પેટ્રોચાઈનાના સંયુક્ત સાહસ પેટ્રોઈનેઓસ માટે સરકાર પાસેથી ઈમર્જન્સી લોન પણ માગી રહ્યા છે.
આ વર્ષના રિચ લિસ્ટના ટોપ ટેનમાં સ્થાન ધરાવતા અન્ય ત્રણ ધનવાનો- રુબેન ભાઈઓ, સર લીઓનાર્ડ બ્લાવાટ્નિક તેમજ પ્રિમાર્કના માલિક વેસ્ટન ફેમિલીએ પણ ફર્લો સ્કીમનો ઉપયોગ કર્યો છે. આ સ્કીમ હેઠળ વર્કર્સ તેમના વેતનના ૮૦ ટકા કે ૨૫૦૦ પાઉન્ડ સુધીની રકમ કરદાતા પાસેથી મેળવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter