લંડનઃ સાઉથપોર્ટમાં 3 બાળકીની હત્યા કરનાર એક્સેલ રુડાકુબાનાને લઘુત્તમ 52 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. 29 જુલાઇ 2024ના રોજ ટેલર સ્વિફ્ટ થીમ પર આયોજિત ડાન્સ વર્કશોપમાં હુમલો કરી એક્સેલે એલ્સી ડોટ સ્ટેનકોમ્બ, બેબે કિંગ અને એલિસ દ સિલ્વાની હત્યા કરી નાખી હતી અને અન્ય આઠ બાળકો તથા ડાન્સ ક્લાસ ટીચર લિઆને લુકાસ તથા બિઝનેસમેન જોનાથાન હેયસને ગંભીર ઇજા પહોંચાડી હતી.
લિવરપુલ ક્રાઉન કોર્ટ દ્વારા સજાની સુનાવણી કરાઇ ત્યારે 18 વર્ષના એક્સેલે કોર્ટ રૂમમાં આવવાનો ઇનકાર કરી દીધો હતો. મિસ્ટર જસ્ટિસ ગૂસે જણાવ્યું હતું કે, પુરાવાને ધ્યાનમાં લેતાં કોઇ એમ કહી શકે નથી કે તેણે શેતાની અપરાધ કર્યો નથી.
પ્રોસિક્યુટર ડિએના હીર કેસીએ જણાવ્યું હતું કે, અપરાધ બાદ પોલીસે એક્સેલની ધરપકડ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે, બાળકોની હત્યા કરીને મને ખુશી મળી છે. તેણે બેબે કિંગને ચાકુના 122 અને એલ્સી ડોટને 85 ઘા માર્યા હતા.