લંડનઃ પેલેસ્ટાઇન સમર્થકો દ્વારા યોજાતા વિરોધ પ્રદર્શનો મુદ્દે મેટ્રોપોલિટન પોલીસ પક્ષપાત કરી રહી હોવાના આરોપોના સંદર્ભમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ સાથે મતભેદો સર્જાયા બાદ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને તેમના પદ પરથી હટાવી દેવાયાં હતાં. બ્રેવરમેન પર લંડનમાં પેલેસ્ટાઇન સમર્થકોના દેખાવો પહેલાં તણાવ સર્જવાનો પણ આરોપ મૂકાયો હતો.
સુએલા બ્રેવરમેનના સ્થાને ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીને હોમ સેક્રેટરીનો પદભાર સોંપાયો છે જ્યારે પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમેરૂનને ફોરેન સેક્રેટરી નિયુક્ત કરાયાં છે. સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું કે, હોમ સેક્રેટરી તરીકે કામ કરવાની તક મારા જીવનની સૌથી વિશેષ તક હતી.
બ્રેવરમેનની હકાલપટ્ટી સાથે જ વડાપ્રધાન સુનાક તેમની કેબિનેટમાં મોટાપાયે ફેરફાર કરે તેવા સંકેત પ્રાપ્ત થઇ રહ્યાં છે. વડાપ્રધાનના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ ફેરફારને પગલે વડાપ્રધાનને વધુ એકતા ધરાવતી ટીમ મળી રહેશે.