સુપરસ્પાય જેમ્સ બોન્ડની ભૂમિકામાં અભિનેતાઓની મીણપ્રતિમાનું પ્રદર્શન

Wednesday 06th October 2021 04:57 EDT
 
મહાન જાસૂસ જેમ્સ બોન્ડ લગભગ ૬૦ વર્ષથી મોટા પડદા પર રોમાન્સ અને સાહસ સાથે જાસૂસી કરી રહ્યો છે. સુપરસ્પાયની ભૂમિકા ભજવનારા (ડાબેથી) રોજર મૂર, ટિમોથી ડાલ્ટન, ડેનિયલ ક્રેગ, શોન કોનેરી, જ્યોર્જ લેઝેન્બી અને પીઅર્સ બ્રોસ્નાનની મીણપ્રતિમાઓ લંડનસ્થિત મેડમ તુસાદ મ્યુઝિયમમાં ૩૦ સપ્ટેમ્બરથી ખુલ્લી મૂકવામાં આવી છે.
 

લંડનઃ દંતકથારુપ જાસૂસી પાત્ર ‘જેમ્સ બોન્ડ’ની ભૂમિકામાં આખરી વખત દેખા દઈ રહેલા અભિનેતા ડેનિયલ ક્રેગની ફિલ્મ ‘No Time to Die’ કોરોના વાઈરસ મહામારીના કારણે ભારે વિલંબ પછી થિયેટર્સમાં રીલિઝ થઈ રહી છે. હવે કયો અભિનેતા આ ભૂમિકા ભજવશે તે નિશ્ચિત નથી પરંતુ, ક્રેગની વિદાય પૂર્વ અભિનેતાઓની યાદ અપાવે તેમાં કોઈ શંકા નથી. જોકે, મેડમ તુસાદ્સ લંડન દ્વારા આ નિમિત્તે સુપરસ્પાય જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવનારા અભિનેતાઓની મીણપ્રતિમાઓનું પ્રદર્શન ખુલ્લું મૂકાયું છે.

સર ઈઆન ફ્લેમિંગના ફળદ્રૂપ ભેજાની પેદાશ એવા સુપરસ્પાય જેમ્સ બોન્ડ 007ની ફિલ્મોનો આરંભ ૧૯૬૨થી ’ડો. નો’ સાથે થયો હતો અને ૨૦૨૧માં ‘નો ટાઈમ ટુ ડાય’ ફિલ્મ સાથે ફ્રેન્ચાઈઝની ૨૫મી ફિલ્મ છે. હર મેજેસ્ટીઝ સિક્રેટ સર્વિસના જેમ્સ બોન્ડની સાહસિક ભૂમિકાઓ અત્યાર સુધી છ અભિનેતાએ નિભાવી છે.

સૌપ્રથમ જેમ્સ બોન્ડ સ્કોટિશ અભિનેતા શોન કોનેરી બન્યા હતા જેમણે ૧૯૬૨ (Dr. No) થી ૧૯૬૭ (You Only Live Twice) સુધી આ પાત્ર ભજવ્યું હતું. જ્યોર્જ લેઝેન્બીએ ૧૯૬૯માં માત્ર એક બોન્ડ ફિલ્મ ‘On Her Majesty’s Secret Service’માં ભૂમિકા ભજવી હતી. જોકે, શોન કોનેરીએ ફરી એક વખત ૧૯૭૧માં ‘Diamonds Are Forever’ ફિલ્મ સાથે મેદાન મારી લીધું હતું. તેમણે સાત બોન્ડ ફિલ્મ કરી હતી.

અભિનેતા સર રોજર મૂરથી ૧૯૭૩માં Live and Let Die ફિલ્મથી નવો બોન્ડ યુગ શરૂ થયો જે ૧૯૮૫માં View to a Kill ફિલ્મ સાથે પૂર્ણ થયો હતો. તેમણે સાત ફિલ્મોમાં બોન્ડની ભૂમિકા ભજવી છે. આ પછી, ટિમોથી ડાલ્ટને ૧૯૮૭માં The Living Daylights અને ૧૯૮૯માં Licence to Kill ફિલ્મો કરી હતી. પીઅર્સ બ્રોસ્નાને ૧૯૯૭માં Tomorrow Never Diesથી ૨૦૦૨માં Die Another Day ફિલ્મ સુધી રોમાન્સ અને સાહસની ચાર ફિલ્મોમાં બોન્ડયાત્રા કરી હતી. ડેનિયલ ક્રેગે જેમ્સ બોન્ડની ભૂમિકા છોડવા સુધી પાંચ વખત સુપરસ્પાય રોલ ભજવ્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter