સેન્ટેન્ડર બેન્કની ક્રિસમસ ‘લહાણી’: ભૂલથી ગ્રાહકોને £૧૩૦ મિલિ. ટ્રાન્સફર કર્યા

Wednesday 05th January 2022 06:35 EST
 
 

લંડનઃ બ્રિટનની અગ્રણી હાઈ સ્ટ્રીટ લેન્ડર સેન્ટેન્ડર બેન્કે ક્રિસમસના દિવસની મહાભૂલમાં ૭૫,૦૦૦ બિઝનેસીસ અને વ્યક્તિગત ગ્રાહકોના એકાઉન્ટ્સમાં ૧૩૦ મિલિયન પાઉન્ડ ટ્રાન્સફર કરી દીધા હતા. ગ્રાહકો તો નાતાલની આ ‘ભેટ’થી રાજીના રેડ થઈ ગયા હતા. જોકે, હવે આ જંગી રકમને પરત મેળવવાની કવાયત કરાઈ રહી છે.

ક્રિસમસના દિવસ ૨૫ ડિસેમ્બરે ટેકનિકલ ઇસ્યુના લીધે સેન્ટેન્ડર બેન્કે તેના ૭૫,૦૦૦ બિઝનેસીસ અને વ્યક્તિગત ગ્રાહકોના એકાઉન્ટ્સમાં બે વખત રકમો ટ્રાન્સફર કરી દીધી હતી. વ્યક્તિઓ અને કોર્પોરેટ્સ- બિઝનેસીસને એક પેમેન્ટ તો મળી જ ગયું હતું. બીજુ પેમેન્ટ સીધું બેન્કની અનામતોમાંથી ચૂકવાયું હતું. આના પરિણામે ૧૩૦ મિલિયન પાઉન્ડની ચૂકવણી કરી દેવાઈ હતી.

યુકેમાં મુખ્ય પેમેન્ટ્સ સિસ્ટમ્સ ચલાવતી પે યુકે સંસ્થા ચૂકવણી પરત કેવી રીતે લેવી તેના પર વાતચીત કરી રહેલ છે અને કેટલીક રોકડ રકમ પરત પણ મળી છે. ‘બેન્ક એરર રીકવરી’ પ્રોસેસ હેઠળ સેન્ટેન્ડર બેન્કે તેની હરીફ સંસ્થાઓ સાથે વાતચીત આરંભી હતી અને કેટલાક ગ્રાહકોનો પ્રત્યક્ષ સંપર્ક પણ કર્યો હતો. ધ ટાઈમ્સે જણાવ્યું હતું કે બાર્કલેઝ, HSBC, નેટવેસ્ટ, કો-ઓપરેટીવ બેન્ક અને વર્જિન મની સહિતના ખાતાધારકોને આ ભૂલની અસર પહોંચી છે. સંખ્યાબંધ બેન્ક ખાતામાં નાણા ગયા હોય તેની રિકવરી અત્યંત મુશ્કેલ છે કારણકે ઘણા ગ્રાહકોએ તો જમા આવેલી રકમ વાપરી નાખી હશે

કુલ ૧૪ મિલિયન ગ્રાહકો અને યુકેમાં ૪૦૦ શાખા ધરાવતી સેન્ટેન્ડર બેન્ક માટે આવી ભૂલ પ્રથમ ઘટના નથી. વર્ષ ૨૦૨૧ના મે મહિનાની મધ્યમાં ટેકનિકલ મુશ્કેલીના કારણે ગ્રાહકો સમગ્ર દિવસ દરમિયાન પેમેન્ટ કરી શક્યા ન હતા તે બદલ બેન્કે માફી માંગવી પડી હતી. ઓગસ્ટમાં હજારો ગ્રાહકો કોઈ કારણસર તેમના ખાતાં ઓનલાઇન એક્સેસ કરી શક્યા ન હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter