સ્વીન્ડન હિંદુ મંદિરમાં ફરી તોડફોડથી દુનિયાના હિંદુઓમાં આઘાતની લાગણી

Tuesday 14th September 2021 16:46 EDT
 
 

ગયા મેથી સાઉથ વેસ્ટ ઈંગ્લેન્ડમાં પાંચમી વખત સ્વીન્ડન હિંદુ ટેમ્પલ એન્ડ કલ્ચરલ સેન્ટરમાં ભાંગફોડના અહેવાલને પગલે દુનિયાભરના હિંદુઓમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. આ મંદિર તે વિસ્તારમાં વસતા ૨૦,૦૦૦ હિંદુઓની આસ્થાનું કેન્દ્ર છે. અહેવાલો મુજબ ભાંગફોડમાં મૂર્તિઓ અપવિત્ર બની, પવિત્ર યજ્ઞવેદી અને રૂમોમાં તોડફોડ, હજારો પાઉન્ડ અને આર્ટેફેક્ટની ચોરી, દરવાજાઓને નુક્સાન વગેરેથી હિંદુ સમુદાયમાં રોષની લાગણી ફેલાઈ છે અને તેમને લાગે છે કે હવે તેમને લક્ષ્ય બનાવાઈ રહ્યા છે.    
હિંદુ રાજનેતા રાજન ઝેડે અમેરિકાના નેવાડાથી નિવેદનમાં જણાવ્યું કે હિંદુ ધાર્મિક સ્થળ પર થતા આવા હુમલાની ઘટનાઓ વિશે સાંભળીને હિંદુઓને ડર લાગે છે. ઘૃણા અને તિરસ્કારના સંકેતોથી હિંદુઓને આઘાત લાગે છે.
યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઝમના પ્રેસિડેન્ટ ઝેડે ઉમેર્યું કે બ્રિટિશ હિંદુઓએ દેશ અને સમાજ માટે ઘણું યોગદાન આપ્યું હતું અને હજુ આપે છે.
ઝેડે યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હાઉસિંગ, કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ રોબર્ટ જેનરિક, સાઉથ વેસ્ટ કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ બ્રાયોની હોલ્ડન, વિલ્ટશાયર કાઉન્ટી લીડર રીચાર્ડ ક્લેવર અને સ્વીન્ડનના મેયર ગેરી પર્કિન્સને આ મામલો ગંભીરતાપૂર્વક લેવા અને આવા ગુનાનો અંત લાવવા તાકીદે પગલાં લેવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.    
ઝેડે યુકેમાં હિંદુ વસતિ અને હિંદુ મંદિરોના રક્ષણ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા અને જેનરિક, હોલ્ડન, ક્લેવર તથા પર્કિન્સને સ્વીન્ડન મંદિરની મુલાકાત લેવા અને સ્વીન્ડન તથા આસપાસના વિસ્તારોના હિંદુ સમુદાયને મળીને તેમને ખાતરી આપવા અનુરોધ કર્યો હતો. ઝેડે ઉમેર્યું હતું કે આ ઘટના ધાર્મિક સ્વાતંત્ર્ય પર હુમલો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter