લંડનઃ કોરોના વાઈરસની સાથે જ જીવન વીતાવવાનું છે એ નિશ્ચિત બન્યું છે. વિવિધ વેરિએન્ટ્સનો ખોફ વર્તાય છે અને ઘણા વિસ્તારોમાં સંક્રમણ માથું ઊંચકી રહ્યું છે ત્યારે લોકોને ફરી લોકડાઉનની શંકાકુશંકા થઇ રહી છે. જોકે નિષ્ણાતો કહે છે કે બ્રિટન ઓટમમાં કોરોનાનો સારી રીતે સામનો કરી શકે તેમ છે. વેક્સિન બીમારીને નાથવામાં સફળ રહી છે તેવા સંજોગોમાં વાઈરસની નવી લહેર આવે તો GDPની વૃદ્ધ ઘટી શકે છે પરંતુ, તદ્દન માઈનસમાં જતી રહે તેવી કોઈ શક્યતા નથી. હેલ્થ સ્પેશિયાલિસ્ટ્સ પણ માને છે કે કોરોના કેસીસની સંખ્યા વધવાની શક્યતા છતાં, ભારે લોકડાઉન લાદવાની જરૂર પડશે નહિ.
અર્થશાસ્ત્રીઓ અને એપિડીમીઓલોજિસ્ટ્સને વિશ્વાસ છે કે શાળાની ટર્મ શરૂ થાય, કર્મચારીઓ ઓફિસે જાય અને લોકોના મિલન-મુલાકાત વધવા સાથે ઓટમમાં કોરોના કેસમાં ઉછાળો આવી શકે છે પરંતુ, યુકેની આર્થિક રિકવરી તેનો સામનો કરવા સજ્જ હશે. નવી લહેર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં વિકાસને મંદ પાડી શકે છે પરંતુ, ગત શિયાળામાં થયું તેમ તેને ઉલટાવી શકશે નહિ.
મહામારીની શરૂઆતમાં ઘણા દેશોના પૂરાવાએ દર્શાવ્યું છે કે વાઈરસનું પ્રમાણ - ફેલાવો જેટલાં ઊંચે રહે તેમ આર્થિક હાલત વધુ ખરાબ થવા શક્યતા રહે છે. બીજી તરફ, જાહેર આરોગ્ય નિષ્ણાતો માને છે કે કોરોના સંક્રમિત કેસીસની સંખ્યા વધતી હોવાં છતાં, તીવ્ર લોકડાઉનની આવશ્યકતા રહેશે નહિ.
આર્થિક પ્રવૃત્તિને ગતિશીલ રાખવાના ચાલકબળ તરીકે હોસ્પિટલમાં એડમિશન્સનું પ્રમાણ એટલું નીચું રાખવું પડશે કે ઓટમમાં નવા નિયંત્રણોની જરૂર પડે જ નહિ. વિજ્ઞાનીઓ અનેઆરોગ્ય નિષ્ણાતો આ મુદ્દે આશાવાદી જરૂર છે પરંતુ, શિયાળામાં હેલ્થ સર્વિસ પરના દબાણો વધવા લાગે ત્યારે હળવાં નિયંત્રણો ફરી લાદવાની જરૂરિયાતને નકારી કાઢતા નથી.
જોકે અત્યારે તો પુરાવા દર્શાવે છે કે કેસીસ ઘટવાની સાથે અને શાળાઓ શરૂ થવા સાથે કન્ઝ્યુમર્સ વધુ ખર્ચ કરવાની ઈચ્છા રાખતા થયા છે અને શોપિંગ સેન્ટર્સની મુલાકાત લેવા માંડ્યા છે.