હેમ્પસ્ટીડ હીથને અર્બન ક્વાયેટ પાર્કનું સ્ટેટસઃ યુરોપમાં પ્રથમ

Wednesday 14th July 2021 06:12 EDT
 
 

લંડનઃ ક્વાયેટ પાર્ક્સ ઈન્ટરનેશનલ (QPI) દ્વારા ૧૮ જુલાઈના વર્લ્ડ લિસનિંગ ડે નિમિત્તે લંડનના હેમ્પસ્ટીડ હીથના પાર્કને અર્બન ક્વાયેટ પાર્કનું સ્ટેટસ આપવામાં આવશે. હેમ્પસ્ટીડ હીથ અર્બન ક્વાયેટ પાર્ક યુરોપમાં સર્વપ્રથમ અર્બન ક્વાયેટ પાર્ક બની રહેશે. ફિલ્ડ રેકોર્ડિસ્ટ નિકોલસ એલને QPI માટે તૈયાર કરેલા રિપોર્ટમાં હેમ્પસ્ટીડ હીથનું વર્ણન ‘શહેરના ઘોંઘાટથી શાંતિ મેળવવાની વિપુલ તક આપતા ‘વન્ય’ અને ‘પ્રાકૃતિક’ સ્થળ તરીકે કર્યું હતું. તાઈવાનના યાંગમિંગશાન અર્બન ક્વાયેટ પાર્કને જૂન ૨૦૨૦માં વિશ્વના સર્વપ્રથમ અર્બન ક્વાયેટ પાર્કનું સ્ટેટસ અપાયું છે.

હેમ્પસ્ટીડ હીથ મેનેજમેન્ટ કમિટી ઘણા દાયકાઓથી હેમ્પસ્ટીડ હીથના શાંતિપૂર્ણ વાતાવરણનું જતન અને રક્ષણ કરવા બદલ આ એવોર્ડનો સ્વીકાર કરશે. હેમ્પસ્ટીડ હીથ એક્ટ ૧૮૭૧ હેઠળ ખુલ્લી જગ્યાઓનું સંરક્ષણ કરવાની ૧૫૦મી વર્ષગાંઠની ઉજવણી સાથે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. સિટી ઓફ લંડન કોર્પોરેશનની હેમ્પસ્ટીડ હીથ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ એન ફેરવેધરે યુરોપના સર્વપ્રથમ શહેરી શાંત પાર્કનું બિરુદ મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. ૧૯૫૯માં સ્થાપના પછી યુકે સરકાર, સ્થાનિક ગવર્મેન્ટ્સ, ઉદ્યોગો, શૈક્ષમિક સંસ્થાઓ અને પબ્લિક સાથે નિકટતાથી કામગીરી કરનાર ધ નોઈસ અબેટમેન્ટ સોસાયટી (NAS) પણ આ એવોર્ડમાં સહભાગી છે.

લોસ એન્જલસ, યુએસમાં સ્થાપિત બીનનફાકારી સંસ્થા ક્વાયેટ પાર્ક્સ ઈન્ટરનેશનલ અર્બન ક્વાયેટ પાર્ક્સ, વાઈલ્ડરનેસ ક્વાયેટ પાર્ક્સ, ક્વાયેટ ટ્રેઈલ્સ, ક્વાયેટ મરિન પાર્ક્સની સ્થાપના થકી તમામ જીવનના લાભાર્થે શાંત વાતાવરણને બચાવવાનું મિશન ધરાવે છે. શાંત વાતાવરણ માનવ આરોગ્ય અને કલ્યાણ ઉપરાંત, વન્યજીવન માટે આવશ્યક છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter