હોન્ડાનો સ્વીન્ડોન પ્લાન્ટ ૨૦૨૧માં બંધઃ ૩૫૦૦ નોકરી પર જોખમ

Friday 24th May 2019 07:16 EDT
 
 

લંડનઃ જાપાનીઝ કાર જાયન્ટ હોન્ડાએ વિલ્ટશાયરમાં તેનો સ્વીન્ડોન પ્લાન્ટ ૨૦૨૧માં બંધ કરી દેવાની જાહેરાત કરી છે. કંપનીએ તેના વર્કર્સને જણાવ્યું હતું કે પ્લાન્ટ બંધ કરવા સિવાય અન્ય કોઈ માર્ગ નથી. બ્રિટનની નિકાસમાં કાર ઇન્ડસ્ટ્રી ૧૦૫ બિલિયન ડોલર ટર્નઓવર અને ૧૮૬,૦૦૦ કર્મચારી સાથે ૧૨ ટકા હિસ્સો ધરાવે છે.

હોન્ડા કંપની લંડનથી ૭૦ માઈલે પશ્ચિમે આવેલી ફેક્ટરીમાં ૧૯૮૯થી તેની લોકપ્રિય ‘સિવિક’ કારનું ઉત્પાદન કરે છે. આ મોડલની પ્રોડકશન લાઈફ સાઈકલ ૨૦૨૧માં પૂર્ણ થતાં જ પ્લાન્ટ બંધ કરી દેવાશે. આ પ્લાન્ટમાં વાર્ષિક ૧૫૦,૦૦૦ કારનું ઉત્પાદન થાય છે. હોન્ડાએ જણાવ્યું હતું કે સરકાર તથા અન્ય સંસ્થાઓ અને યુનિયનોએ મંત્રણાઓમાં ભાગ લીધો હતો પરંતુ, નિર્ણય ટાળી શકાય તેમ નથી. હોન્ડાનો પ્લાન્ટ બંધ કરવાનો અહેવાલ સૌપ્રથમ ફેબ્રુઆરીમાં બહાર આવ્યો હતો.

હોન્ડાએ જણાવ્યું હતું કે આ નિર્ણય બ્રેક્ઝિટ સંબંધિત ચિંતાનો નથી પરંતુ, ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીમાં ઈલેક્ટ્રિક વાહનો સહિતના પરિવર્તનોનાં સંદર્ભે તેની ગ્લોબલ સ્ટ્રેટેજીના ભાગરુપે છે. કંપનીના ડાયરેક્ટર જેસન સ્મિથે કહ્યું હતું કે અમારે ભારે હૃદયે સ્વિન્ડોનમાં હોન્ડાની ફેક્ટરી બંધ કરાવાને સમર્થન આપવું પડે છે.’ કંપની હવે છટણીના પેકેજીસની ચર્ચા શરુ કરશે.

જાપાની કારનિર્માતા નિસાને લેટેસ્ટ એક્સ-ટ્રેલ એસયુવીનું પ્રોડકશન જાપાનમાં કરવાની જાહેરાત કરી છે. ફોર્ડે બ્રિગેન્ડ, વેલ્સમાં એન્જીન પ્રોડકશનમાં કાપ મુક્યો છે. જાન્યુઆરીમાં બ્રિટનની સૌથી મોટી કારનિર્માતા કંપની જગુઆર લેન્ડ રોવરે ૪૫૦૦ નોકરીઓમાં કાપ મુકવાને સમર્થન આપ્યું હતું. ટાયર નિર્માતા મિશેલિને ૨૦૨૦ સુધીમાં ડંડીસ્થિત ફેક્ટરી બંધ કરી દેવાની જાહેરાત કરી છે. કારના સ્પેરપાર્ટ્સ ઉત્પાદક જર્મન કંપની સ્કેફલર વેલ્સસ્થિત બે કારખાના બંધ કરવાની તૈયારીમાં છે. વર્ષ ૨૦૧૮માં બ્રિટનની કાર ઇન્ડસ્ટ્રીમાં આંતરિક મૂડીરોકાણ અડધું રહી ગયું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter